રાજકોટ, ભૂજ, જામનગર સહિતના એરપોર્ટ વધુ પાંચ દિવસ માટે બંધ
ભારતના સંયમ છતાં પાકિસ્તાનના ઉશ્કેરણીજનક હુમલા વચ્ચે
સૌરાષ્ટ્રમાં દૈનિક ૪૫૦૦ ઉતારુઓ રેલવે-બસમાં પ્રવાસ કરી શકશે, હવાઈયાત્રિકોને સો ટકા રિફંડ અથવા રિશિડયુલ ચાર્જથી મુક્તિ મળશે
રાજકોટ: ભારતે ખૂબ સંયમપૂર્વક માત્ર આતંકવાદી કેમ્પોને જ નિશાન બનાવ્યા છતાં પાકિસ્તાન દ્વારા ઉશ્કેરણીજનક હુમલાના પ્રયાસો જારી રાખતા સર્જાયેલ સ્થિતિ અન્વયે રાજકોટ, ભૂજ અને જામનગર સહિત એરપોર્ટને અગાઉ તા.૧૦ની સવાર સુધી બંધ રાખવા નિર્ણય બાદ હવે વધુ પાંચ દિવસ માટે એટલે કે આગામી તા.૧૫ મેના સવારે ૫.૨૯ સુધી બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. એરલાઈન્સ કંપનીઓએ આ અંગે આજે સાંજે અપડેટેડ ટ્રાવેલ એડવાઈઝરી જારી કરી હતી.
રાજકોટ, જામનગર, ભૂજ ઉપરાંત જમ્મુ,શ્રીનગર, લેહ, જોધપુર, અમૃતસર, ચંડીગઢ આવતી જતી તમામ ફ્લાઈટ્સ કેન્સલ કરવામાં આવી છે તેમ એર ઈન્ડીયાએ ટ્વીટ કર્યું છે. તા.૧૫ મે સુધી આ વિમાનમથકથી આવવા-જવા ટિકીટ બૂક કરાવનાર મુસાફરોને પૂરેપૂરું રિફંડ આપવામાં આવશે અથવા રિશિડયુલ કરાશે તેમાં વન ટાઈમ ચાર્જ નહીં લગાડાય તેવી પણ ખાત્રી અપાઈ છે. આ ઉપરાંત ઈન્ડીગોએ પણ આજે સાંજે એડવાઈઝરી જારી કરીને રાજકોટ, શ્રીનગર, જમ્મુ, અમૃતસર, લેહ, ચંડીગઢ, ધર્મશાલા, બિકાનેર, જોધપુર, કિસનગઢ ડેસ્ટીનેશન ધરાવતી ફ્લાઈટ તા.૧૫ મેની સવાર સુધી કેન્સલ રહેશે. આ હવાઈયાત્રિકોની સુરક્ષા માટે પગલુ લેવાયાનું જણાવાયુ છે.
સૌરાષ્ટ્રમાંથી રાજકોટથી દૈનિક ૩૨૦૦ સહિત આશરે ૪૫૦૦થી વધુ નાગરિકો હવાઈયાત્રા કરતા હોય છે જેઓ હાલની સ્થિતિમાં તેમની સુરક્ષા માટે તા.૧૫ની સવાર સુધી હવાઈયાત્રા કરી શકશે નહીં અને તેના વિકલ્પે ટ્રેન કે બસ મારફત નિયત સ્થળે જઈ શકશે. પ્રવર્તમાન સ્થિતિમાં દેશમાં હજારો હવાઈયાત્રિકો ટિકીટ રદ કરાવવા લાગ્યા છે અને એરલાઈન્સ કંપનીઓ પર આ અંગે સતત પૃચ્છા આવી રહી છે.