હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ પર
જ્યાં સીસીટીવી કેમેરા બંધ હતા તે જગ્યાએ કન્વેયર બેલ્ટમાં બેગ પહોંચતી ત્યારે તેના સીલ ખોલી ચોરી કરતો હતો
રાજકોટ: હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ પર બે મુસાફરની બેગમાંથી રૂા. ૨.૩૦ લાખની મત્તાની ચોરી થઇ હતી. જે અંગે પોલીસે તપાસ કરતાં એરપોર્ટ પર કોન્ટ્રાક્ટ બેઇઝ પર નોકરી કરતા જયરાજ કથુભાઈ ખાચર (ઉ.વ.૨૮, રહે. નાની મોલડી, તા. ચોટીલા)ની સંડોવણી ખુલતા એરપોર્ટ પોલીસે તેની ધરપકડ કરી હતી.
મૂળ મધ્યપ્રદેશના અને હાલ રેસકોર્સ રિંગ રોડ પર આદિત્ય એપાર્ટમેન્ટમાં રહેતા વિનીતભાઈ ખરે (ઉ.વ.૪૦) આઇઓસીમાં ડિવિઝનલ હેડ તરીકે નોકરી કરે છે. ગઇ તા. ૧૨ના રોજ તેના પત્ની મનીષાબેન એર ઇન્ડિયાની ફલાઇટમાં રાજકોટથી મુંબઇ ગયા હતા. મુંબઇ ઘરે પહોંચી બેગ ચેક કરતાં તેમાંથી સોનાનુ બ્રેસલેટ, ઝૂમ્મર સાથેની નાની બુટી મળી બે તોલાના દાગીના અને રોકડા રૂા. ૫ હજાર ગાયબ હતા.
જેથી આ અંગે એરસેવા પોર્ટલમાં ફરિયાદ કરી હતી. મુંબઇ એરપોર્ટ ઓથોરિટી દ્વારા આ અંગે હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ ઓથોરિટીને જાણ કરાઇ હતી. જેથી તેના સ્ટાફ અને સીઆઈએફએસના સ્ટાફે સીસીટીવી કેમેરા જોવાનું શરૂ કરતાં એરપોર્ટ પર ઇલેક્ટ્રિક વગેરેના કામ માટે અમદાવાદની કંપનીને મેઇન્ટેનન્સના અપાયેલા કોન્ટ્રાક્ટરને ત્યાંં સુપરવાઇઝર તરીકે કામ કરતાં જયરાજ તરફ શંકા ગઇ હતી.
જેથી તેને એરપોર્ટ પોલીસને સોંપતા પીએસઆઈ એસ.એસ. જાડેજા અને એલસીબી ઝોન-૧ની ટીમે પૂછપરછ કરતાં ચોરી કબૂલી લીધી હતી. તેણે મનીષાબેનની બેગમાંથી સોનાના દાગીના અને રોકડ મળી રૂા. ૧.૪૫ લાખની મત્તાની જ્યારે ગઇ તા. ૨૬ના રોજ અન્ય એક પેસેન્જરની બેગમાંથી રૂા. ૮૫ હજારની ચોરી કરી હતી.
એરપોર્ટ પોલીસની તપાસમાં એવું ખૂલ્યું હતું કે જયરાજને એરપોર્ટ ઉપર ક્યા-ક્યા સીસીટીવી કેમેરા બંધ હાલતમાં છે તેની જાણ હતી. સ્કેનરમાંથી બેગ પસાર થાય ત્યારે અંદર ધાતુ હોય ત્યારે બીપનો સાઉન્ડ વાગે છે. જેને કારણે તેને બેગમાં કોઇ ધાતુ હોવાની જાણ થઇ જતી હતી. આ રીતે મનીષાબેનની બેગ સ્કેનર પરથી પસાર થતાં બીપનું સાઉન્ડ વાગ્યું હતું. જેથી તેણે બેગનું સીલ ખોલીને અંદરથી દાગીના અને રોકડ તફડાવી લીધી હતી.
આ જ રીતે બીજા મુસાફર કે જે મૂળ ઉપલેટાના વતની છે અને હાલ મુંબઇ સ્થાયી થયા છે તેની બેગમાં ચાંદીના સિક્કાને કારણે બીપનું સાઉન્ડ વાગતા જ તેણે તે બેગનું પણ સીલ ખોલી અંદરથી રૂા. ૮૫ હજાર ચોરી લીધા હતાં. જો કે ચાંદીનો સિક્કો ચોર્યો ન હતો.
બંને બેગ જ્યારે કન્વેયર બેલ્ટ પરથી પસાર થતી હતી ત્યારે બંને બેગ જે જગ્યાએ પહોંચી ત્યાં સીસીટીવી કેમેરા ન હોવાથી તેણે ચોરી કરી લીધી હતી.પોલીસે જણાવ્યું કે આરોપી જયરાજ એરપોર્ટ ઉપર છેલ્લા ઘણા સમયથી ફરજ બજાવે છે. તેનો પગાર રૂા. ૩૫ હજાર આસપાસ છે.


