રાજકોટ,જામનગર,ભૂજ,કેશોદ સહિત સૌરાષ્ટ્રના એરપોર્ટમાં હવાઈસેવા બંધ
આતંકવાદીઓના કેમ્પો પર ભારતની એર સ્ટ્રાઈકના પગલે સલામતીનાં પગલાં એરપોર્ટ સૈન્ય કામગીરી માટે 24 કલાક ખુલ્લાં : રહેશે, સૌરાષ્ટ્રથી જતી-આવતી ફ્લાઈટ્સ તા. 9 સુધી સ્થગિત
રાજકોટ, : પહલગામમાં આતંકવાદીઓએ 26 નિર્દોષ પ્રવાસીઓને બેરહમીથી ક્રૂરતાપૂર્વક મોતને ઘાટ ઉતાર્યાના જવાબ રૂપે ભારતે પાકિસ્તાનમાં અને પાક.કબજાગ્રસ્ત જમ્મુ-કાશ્મીરમાં આવેલા આતંકવાદીઓના કેમ્પો પર ગત મોડી રાત્રિના એર સ્ટ્રાઈક કરી હતી જે અન્વયે સર્જાયેલ સ્થિતિમાં સલામતિના ભાગ રૂપે પાકિસ્તાન સરહદ નજીક આવેલા સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર, ભૂજ અને કેશોદ,પોરબંદર વગેરે તમામ એરપોર્ટને ફ્લાઈટની અવરજવર માટે ત્રણ દિવસ બંધ કરાયેલ છે.
રાજકોટના જિલ્લા વહીવટી સૂત્રો અનુસાર રાજકોટ એરપોર્ટની તમામ સેવાઓ તા. 7, 8 અને તા. 9 મે એ ત્રણ દિવસ માટે બંધ રાખવામાં આવી છે અને આજની તા.૭ની તમામ સિવિલ ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે. જ્યારે રાજકોટનું હીરાસર એરપોર્ટ તમામ પ્રકારની મિલિટરી સેવાઓ માટે ૨૪ કલાક, રાઉન્ડ ધ ક્લોક ખુલ્લુ રહેશે. રાજકોટથી મુંબઈ, દિલ્હી વગેરે સ્થળે જતી ડોમેસ્ટીક ફ્લાઈટ ત્રણ દિવસ સુધી અવરજવર સંપૂર્ણ બંધ રહેશે. યાત્રિકોએ આ ત્રણ દિવસનું બૂકીંગ કરાવ્યું હશે તે ટિકીટો રદ થશે.
જામનગરનું એરપોર્ટ પણ ત્રણ દિવસ માટે સિવિલ ફ્લાઈટ્સ માટે બંધ કરી દેવાયેલ છે, જિલ્લા પોલીસ વડાના આદેશ અન્વયે એરપોર્ટમાં સઘન વાહન ચેકીંગ કરીને વાહનચાલકોની પુછપરછ કરવામાં આવી હતી. જામનગરથી મુંબઈ જતી-આવતી ફ્લાઈટ ત્રણ દિવસ માટે મોકુફ રહેશે અને ટિકીટો કેન્સલ કરી દેવાઈ છે.
જુનાગઢ જિલ્લાના કેશોદ એરપોર્ટ પર પણ આગામી તા.૧૦ સુધી ફલાઇટ બંધ રાખવા સુચના આપવામાં આવી છે. એકાંતરા આવતી ફલાઈટનું બુકીંગ બંધ કરી દેવામાં આવ્યું છે. આગામી આદેશ બાદ એરપોર્ટ પર ફલાઇટ શરૂ થશે.કેશોદ એરપોર્ટ ઉપર હાલ મંગળ, ગુરૂ અને શનિવાર એમ ત્રણ દિવસ અમદાવાદ-કેશોદ-દિવ ફ્લાઈટ અવરજવર કરે છે. જેનું બૂકીંગ રદ કરાયું છે અને આગળ ખુલ્લુ રાખવા સૂચના મળ્યા બાદ જ શરૂ કરાશે.
આ ઉપરાંત પ્રાપ્ત વિગત અનુસાર ઉત્તર ભારતમાં ચંદીગઢ, અમૃતસર, જમ્મુ, શ્રીનગર, લેહ, જોધપુર, જેસલમેર, સીમલા, સહિત 16 એરપોર્ટ પરથી ડોમેસ્ટીક અને ઈન્ટરનેશનલ ફ્લાઈટ સેવા સ્થગિત કરાઈ છે. સૌરાષ્ટ્ર પણ ભારત-પાકિસ્તાન સરહદની નજીક આવેલો ગુજરાતનો પ્રદેશ છે અને આતંકવાદી કૃત્યોના કારણે સર્જાયેલી તણાવની સ્થિતિ વચ્ચે હજારો હવાઈયાત્રિકોએ હાલ ત્રણ દિવસ અન્ય માર્ગેથી નિયત સ્થળે જવાનું રહેશે.