'હું જીવતો છું, પણ રોજ મરું છું', એર ઇન્ડિયા ક્રેશના એકમાત્ર બચી ગયેલા વિશ્વાસ કુમારની હૃદયદ્રાવક આપવીતી

Ahmedabad Plane Crash News: અમદાવાદમાં 12 જૂનના રોજ થયેલી ભયાનક વિમાન દુર્ઘટનામાં 241 લોકોના મોત થયા હતા. આ દુર્ઘટનામાં એકમાત્ર બચી ગયેલા પેસેન્જર વિશ્વાસ કુમાર રમેશ પોતાને નસીબદાર ગણાવી રહ્યા છે. આ અંગે વાત કરતા તેઓ કહે છે કે, ‘આ દુર્ઘટના પછી હું ગંભીર માનસિક અને શારીરિક પીડામાંથી પસાર થઈ રહ્યો છું. AI-171 ફ્લાઇટના કાટમાળમાંથી હું જીવતો બહાર નીકળ્યો હતો. હવે હું એકલો રહું છું અને પત્ની-પુત્ર સાથે પણ વાત કરતો નથી.’
એક મીડિયા હાઉસ સાથે વાત કરતાં વિશ્વાસ કુમાર રમેશે જણાવ્યું કે ‘આ દુર્ઘટનામાં મારો નાનો ભાઈ અજય, જે તેમનાથી થોડીક જ સીટ દૂર બેઠો હતો, તેનું પણ મૃત્યુ થયું હતું.’ આંખોમાં આંસુ સાથે રમેશ કહે છે કે, 'હું એકલો જ જીવતો બચ્યો છું, હજુ પણ વિશ્વાસ થતો નથી. આ કોઈ ચમત્કારથી ઓછું નથી. મારો ભાઈ મારી કરોડરજ્જુ હતો, તેણે હંમેશા મારો સાથ આપ્યો, અને હવે હું બિલકુલ એકલો પડી ગયો છું.'
'હું પોતે કોઈની સાથે વાત કરતો નથી'
આ દુર્ઘટના પછીના અનુભવો વિશે વાત કરતાં રમેશે કહ્યું કે ‘હું પોસ્ટ-ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડર (PTSD) સામે ઝઝૂમી રહ્યો છે, પરંતુ ભારતથી પરત ફર્યા બાદ હજુ સુધી મારી સારવાર શરુ થઈ નથી. મારા અને મારા પરિવાર માટે આ બધું ખૂબ મુશ્કેલ છે. મારી માતા આખો દિવસ દરવાજા બહાર બેસી રહે છે, કોઈની સાથે વાત કરતી નથી. હું પોતે પણ કોઈની સાથે વાત કરવા માંગતો નથી. દરરોજ દર્દમાંથી પસાર થઉં છું.'
તેમણે જણાવ્યું કે ‘વિમાનના તૂટેલા ભાગમાંથી સીટ 11A પરથી બહાર નીકળતી વખતે મારા પગ, ખભા, ઘૂંટણ અને પીઠમાં ગંભીર ઈજા થઈ હતી. જેના કારણે હું ન તો કામ કરી શકું છું, ના ડ્રાઇવિંગ કરું છું. હું ખૂબ જ ધીમે ચાલું છે અને મારી પત્ની મને સહારો આપે છે.’
આ પણ વાંચો: અમદાવાદમાં પતિએ જાહેરમાં પત્ની પર છરી વડે કર્યો જીવલેણ હુમલો, મહિલા ગંભીર, ઘટના CCTVમાં કેદ
કમ્યુનિટી લીડર સંજીવ પટેલ અને પ્રવક્તા રેડ સિગરે વિશ્વાસ કુમાર રમેશને મળી રહેલા સમર્થનના અભાવ પર ચિંતા વ્યક્ત કરતાં કહ્યું કે 'તેઓ માનસિક, શારીરિક અને આર્થિક સંકટમાં છે. આ દુર્ઘટનાએ તેમના આખા પરિવારને તબાહ કરી દીધો છે. જેમની જવાબદારી છે, તેમણે પીડિતોને મળીને તેમની વાત સાંભળવી જોઈએ.'
વિમાન દુર્ઘટના બાદ વેપાર પણ ઠપ
દમણ-દીવમાં વિશ્વાસ કુમાર રમેશ અને તેમના ભાઈ દ્વારા ચલાવાતો માછીમારીનો પારિવારિક વ્યવસાય પણ આ દુર્ઘટના બાદ ઠપ થઈ ગયો છે. બીજી તરફ, સિગરે એર ઇન્ડિયા પર આરોપ લગાવ્યો કે ‘અમારી આ મુલાકાત માટે અનેક અપીલની અવગણના કરાઈ હતી. એ ખૂબ જ શરમજનક છે કે આજે અમારે અહીં બેસીને કુમાર વિશ્વાસ રમેશને ફરીથી એ જ દર્દમાંથી પસાર થતાં જોવા પડી રહ્યા છે. એર ઇન્ડિયાના અધિકારીઓએ આગળ આવીને વાત કરવી જોઈએ, જેથી પીડા ઓછી કરી શકાય.'
એર ઇન્ડિયા જે હવે ટાટા જૂથની માલિકી હેઠળ છે. આ કંપનીના વરિષ્ઠ અધિકારીઓ સતત પીડિત પરિવારો સાથે મુલાકાત કરી રહ્યા છે. કંપનીએ નિવેદનમાં કહ્યું કે, અમે કુમાર વિશ્વાસ રમેશના પ્રતિનિધિઓ સાથે બેઠકનો પ્રસ્તાવ મૂક્યો છે અને સકારાત્મક જવાબની આશા રાખી રહ્યા છીએ.
એર ઇન્ડિયાએ 25 લાખનું વળતર આપ્યું
એર ઇન્ડિયાએ કુમાર વિશ્વાસ રમેશને અસ્થાયી રૂપે £21,500(આશરે રૂ.25.09 લાખ)નું વળતર આપ્યું છે, જેનો તેમણે સ્વીકાર કર્યો છે. પરંતુ તેમના સલાહકારોનું કહેવું છે કે આ રકમ તેમની વર્તમાન જરૂરિયાતો પૂરી કરવા માટે ખૂબ જ ઓછી છે.

