રાજકોટ AIIMSમાં ભરતી કૌભાંડનો દાવો, પૂર્વ ડિરેક્ટર પર ગંભીર આરોપ, રાજકારણ ગરમાયું
Rajkot AIIMS Recruitment Scam : રાજકોટ એઈમ્સમાં એક મોટો કૌભાંડ સામે આવ્યો છે, જેમાં સંસ્થાના પૂર્વ ડિરેક્ટર ડૉ. સી.ડી.એસ. કટોચે પોતાના દિવ્યાંગ પુત્ર ભાવેશ કટોચને ખોટી રીતે ક્લાસ-2 અધિકારી તરીકે નિયુક્ત કરાવ્યા હોવાનો આરોપ લાગ્યો છે. મળતી માહિતી મુજબ, ભાવેશ કટોચને આંખમાં તકલીફ છે અને તેની પાસે 60 ટકા ડિસેબિલિટીનું સર્ટિફિકેટ પણ છે, તેમ છતાં તેને મેડિકલી ફિટ બતાવીને આ પોસ્ટ આપવામાં આવી હતી. આ ગેરરીતિનો પર્દાફાશ થતાં રાજકીય વર્તુળોમાં પણ ખળભળાટ મચી ગયો છે.
અમે ફરિયાદના આધારે તપાસના આદેશ પણ આપ્યા છે: પરષોત્તમ રૂપાલા
સાંસદ પરષોત્તમ રૂપાલાએ આ મામલે નિવેદન આપતા જણાવ્યું હતું કે તેમને AIIMSમાં ગેરકાયદેસર ભરતી અંગે ફરિયાદ મળી હતી. તેમણે કહ્યું હતું કે, 'AIIMS ભરતી મુદ્દે મને ફરિયાદ મળી હતી. આ ભરતીને લઈને વિવાદ સર્જાયો છે અને તેની તપાસ કરવામાં આવશે. અમે ફરિયાદના આધારે તપાસના આદેશ પણ આપ્યા છે. કોઈપણ ગેરરીતિ એઈમ્સમાં ચલાવી નહીં લેવાય. જે પ્રમાણે ભરતી કરવામાં આવી છે, તેના ડિરેક્ટર સાથે પણ અમે ચર્ચા કરીશું.'
બનાસકાંઠાના સાંસદ અને રાજકોટ AIIMSના સભ્ય ગેનીબેન ઠાકોરે રાજકોટ ભરતી કૌભાંડ મુદ્દે જણાવ્યું હતું કે 'રાજકોટ એઈમ્સ ગેરકાયદે ભરતીને ચલાવી લેવાય નહી. આ મામલે યોગ્ય તપાસ કરવામાં આવે અને દોષિતો વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી અમે માંગ કરી રહ્યા છીએ.