એઈમ્સમાં 58 ટકા જગ્યા ખાલી :એરપોર્ટથી વિદેશની ફ્લાઈટ નહીં, : રેલવેમાં ટ્રેનો ઓછી
સૌરાષ્ટ્રને અબજોના ખર્ચે ઈન્ફ્રાસ્ટ્રક્ચર મળ્યાં, સેવા ક્યારે મળશે : ગુજરાતની એકમાત્ર એઈમ્સમાં સ્ટાફ ઓછો અને વિવાદો વધુ, 187માં 187 ફેકલ્ટીની, 1247માં 720 અન્ય જગ્યા ખાલી
રાજકોટ, : સૌરાષ્ટ્રના મહત્વના વિકાસકામ ગણાવાયા તે દોઢ વર્ષ પહેલા લોકાર્પણ થયું તે રૂ।. 1195 કરોડના ખર્ચે રાજકોટ એઈમ્સ, બે વર્ષ પહેલા લોકાર્પણ થયું તે રૂ।. 1400 કરોડના ખર્ચે બનેલા રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ અને કરોડોના ખર્ચે ઈલેક્ટ્રીફીકેશન અને ડબલ ટ્રેક બનાવ્યા તે રાજકોટ રેલવેમાં અબજોના આંધણ અને લોકાર્પણો-વાહવાહી પછી પણ આ લોકોને પર્યાપ્ત તબીબી, રેલવે અને વિમાની સેવા હજુ મળતી થઈ નથી. સૌરાષ્ટ્રના સાંસદો સહિતની નેતાગીરી પણ વામણી પૂરવાર થઈ રહ્યા છે.
ગુજરાતની એકમાત્ર એઈમ્સ રાજકોટમાં ઈ.સ. 2020માં ખાતમુહુર્ત અને ગત વર્ષે ફેબ્રુઆરી- 2024માં લોકાર્પણ થયું છે.આજે સંસદમાંઅપાયેલી માહિતી મૂજબ ચાલુ વર્ષ ઈ. 2025-26 સુધીમાં મંજુર થયેલ ફેકલ્ટી (તબીબી) જગ્યા 183 પૈકી હાલ 76 ભરાયેલી છે, 56 ટકા એટલે કે 107 ખાલી છે. નોનફેકલ્ટીની 1247 મંજુર જગ્યામાં 712 ખાલી છે. સ્ટાફ ઓછો અને વિવાદ વધુ છે, ગેરકાયદે ભરતીથી માંડીને નબળા બાંધકામ, કાર્ડિયોલોજી સહિતની સેવાનાઅભાવની ફરિયાદો ઉઠી છે.
રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ એ નામ માત્ર છે.બે વર્ષે લોકોની ફરિયાદો બાદ માંડ વાઈફાઈ સુવિધા શરૂ થઈ તો કાર્ગોને મંજુરી બાદ હજુ તે શરૂ થયેલ નથી. દુબઈ,લંડન તો છોડો, અહીંથી હજુ હરિદ્વાર (દહેરાદૂન) અને અયોધ્યા (રામમંદિર ) જવા પણ ફ્લાઈટ મળતી નથી. પાર્કિંગના નામે લોકો અને ટેક્સીચાલકોની ફરિયાદો વારંવાર ઉઠે છે.
આ જ રીતે ભાવનગર-અયોધ્યા ટ્રેન શરૂ થઈ પણ રાજકોટમાં હજુ અયોધ્યા ટ્રેન શરૂ નથી થઈ, હરિદ્વાર જવા હજારો મુસાફરો અને દર સપ્તાહે ટ્રેન પેક હોવા છતાં રોજિંદી શરૂ નથી કરાતી. આ બાબતો અંગે વારંવાર રજૂઆતો છતાં આ સ્થિતિ છે. તો ભૂજ-રાજકોટની ટ્રેન બંધ કરાઈ અને મોરબી-વાંકાનેર ડેમુટ્રેન છાશવારે બંધ કરાય છે.