Gujarat

સાબરમતી ખાલી થતાં જ 'ખજાના'ની શોધ: એક તરફ ગંદકી અને ખંડિત મૂર્તિઓ, બીજી તરફ મળ્યા રાજાશાહી વખતના સિક્કા

By GS TEAM
15 Apr 20262 mins read
TukuTouch Logo
અમદાવાદમાં વાસણા બેરેજના 18 દરવાજા બદલવા અને સુભાષબ્રિજનું સુપર સ્ટ્રક્ચર તોડવાની કામગીરી માટે સિંચાઈ વિભાગ દ્વારા 15 એપ્રિલથી બે મહિના માટે સાબરમતી નદી ખાલી કરવામાં આવી છે. નદીમાંથી પાણી ઓસરતા જ જ્યાં એક તરફ કાદવ-ગંદકી, ખંડિત મૂર્તિઓ અને રિવરફ્રન્ટની દીવાલોના ખુલ્લા સળિયા બહાર આવ્યા છે, તો બીજી તરફ આ જ કાદવમાં માટી ખોદીને રાજાશાહી વખતના જૂના સિક્કાઓ, ચલણી સિક્કા, સોના-ચાંદીની વસ્તુ અને કિંમતી વસ્તુઓ શોધવા માટે સ્થાનિક શ્રમિકો ઉપરાંત છેક સૌરાષ્ટ્રના જેતપુર અને ગોંડલથી આવેલા લોકોની ભારે ભીડ નદીના પટમાં ઉમટી પડી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સાબરમતી ખાલી થતાં જ 'ખજાના'ની શોધ: એક તરફ ગંદકી અને ખંડિત મૂર્તિઓ, બીજી તરફ મળ્યા રાજાશાહી વખતના સિક્કા

Ahmedabad’s Sabarmati River Emptied: અમદાવાદમાં વાસણા બેરેજના 18 દરવાજા બદલવા અને સુભાષબ્રિજનું સુપર સ્ટ્રક્ચર તોડવાની કામગીરી માટે સિંચાઈ વિભાગ દ્વારા 15 એપ્રિલથી બે મહિના માટે સાબરમતી નદી ખાલી કરવામાં આવી છે. નદીમાંથી પાણી ઓસરતા જ જ્યાં એક તરફ કાદવ-ગંદકી, ખંડિત મૂર્તિઓ અને રિવરફ્રન્ટની દીવાલોના ખુલ્લા સળિયા બહાર આવ્યા છે, તો બીજી તરફ આ જ કાદવમાં માટી ખોદીને રાજાશાહી વખતના જૂના સિક્કાઓ, ચલણી સિક્કા, સોના-ચાંદીની વસ્તુ અને કિંમતી વસ્તુઓ શોધવા માટે સ્થાનિક શ્રમિકો ઉપરાંત છેક સૌરાષ્ટ્રના જેતપુર અને ગોંડલથી આવેલા લોકોની ભારે ભીડ નદીના પટમાં ઉમટી પડી છે.

અમદાવાદમાં સાબરમતી નદી પરના વાસણા બેરેજના દરવાજાનું રિપેરિંગ અને સુભાષબ્રિજની કામગીરી કરવાના હેતુથી રાજ્ય સરકારના સિંચાઈ વિભાગ દ્વારા 15 એપ્રિલથી 15 જૂન સુધી નદીને ખાલી કરવામાં આવી છે. ડેમ સેફ્ટી અંતર્ગત કરાયેલા પ્રિ-મોન્સુન ઇન્સ્પેક્શનમાં નિષ્ણાતોની ભલામણ મુજબ, બેરેજની લાંબા ગાળાની મજબૂતી અને સુરક્ષા માટે તેના કુલ 30 પૈકી 18 નવા ગેટ્સ બનાવવામાં આવશે અને અન્ય ગેટ્સનું જરૂરી રિપેરિંગ કરાશે. 


આ સાથે જ, નદી ખાલી હોવાના આ અઢીથી ત્રણ મહિનાના સમયગાળાનો ફાયદો ઉઠાવીને મ્યુનિસિપલ કોર્પોરેશનના બ્રિજ પ્રોજેક્ટ વિભાગ દ્વારા સુભાષબ્રિજના છ સુપર સ્ટ્રક્ચર તોડવાની કામગીરી પણ પૂર્ણ કરી દેવામાં આવશે. બ્રિજનું ડિમોલિશન કરતી વખતે તેનો તૂટેલો ભાગ નીચે પડતો હોવાથી પાણી ભરેલી નદીમાં આ કામગીરી શક્ય ન હતી, જોકે નદીમાં ફરી પાણી આવ્યા બાદ નવું સ્ટ્રક્ચર બનાવવાની કામગીરી રાબેતા મુજબ થઈ શકશે.

સાબરમતી ખાલી થતાં જ 'ખજાના'ની શોધ!

નદીમાંથી પાણી ઓસરતા જ તેમાં છુપાયેલી વસ્તુઓ શોધવા માટે લોકો ઉમટ્યા છે. અંદાજે 400 જેટલાં શ્રમિકો નદીના પટમાં અલગ અલગ સ્થળે માટી ખોદીને રૂપિયાના સિક્કા સહિતની કિંમતી વસ્તુઓ શોધી રહ્યા છે. માત્ર સ્થાનિકો જ નહીં પરંતુ રાજકોટના જેતપુર અને ગોંડલ સહિતના તાલુકાઓમાંથી પણ 300 જેટલા લોકો અહીં વસ્તુઓ શોધવા પહોંચી ગયા છે. યુવાનો, મહિલાઓ અને આધેડ વયના લોકો માટી ખોદવાના કામમાં જોતરાયા છે. ચારથી પાંચ કલાકની ભારે જહેમત અને ખોદકામ બાદ લોકોને હાલના ચલણી સિક્કાઓની સાથે રાજાશાહી વખતના જૂના સિક્કાઓ સહિતની વસ્તુઓ મળી આવી છે.

આ પણ વાંચો: 'કોને પૂછીને ખાનગી જમીનો પર રસ્તા બનાવ્યા?': સુરતની પંચાયતોને હાઈકોર્ટની ફટકાર, 2013થી ભાડું ચૂકવવા આદેશ

સાબરમતી નદી ખાલી થતાં તેની પાછળ છુપાયેલું કાદવ અને ગંદકીનું સામ્રાજ્ય પણ સામે આવ્યું છે. આ કાદવ-કીચડ વચ્ચે અગાઉ પધરાવવામાં આવેલી ભગવાનની ખંડિત મૂર્તિઓ અને ચુંદડીઓ જોવા મળી રહી છે. આ ઉપરાંત, પાણીનું સ્તર તળિયે પહોંચી જતાં રિવરફ્રન્ટની દીવાલોની વાસ્તવિક સ્થિતિ છતી થઈ છે અને દીવાલના લોખંડના સળિયા સ્પષ્ટપણે બહાર દેખાવા લાગ્યા છે.