Ahmedabad Crime News : અમદાવાદમાં ગેરકાયદેસર વ્યાજખોરી અને લોખંડી હાથથી વસૂલાત કરવા માટે કુખ્યાત બનેલી 'મસ્તાની ગેંગ'નો વધુ એક ક્રૂર ચહેરો સામે આવ્યો છે. સરખેજ પોલીસે આ ગેંગના મુખ્ય સાગરીત અને રીઢા ગુનેગાર ભાવેશ રબારીની ધરપકડ કરી છે. આરોપીએ જેલમાંથી જામીન પર મુક્ત થયાના ગણતરીના દિવસોમાં જ એક જમીન દલાલ પર બદલો લેવાના ઇરાદે જીવલેણ હુમલો કર્યો હતો.
શું છે સમગ્ર ઘટના?
પ્રાપ્ત માહિતી અનુસાર ગત 25 ડિસેમ્બરની સાંજે જમીન દલાલ મનોજ રાઠોડ કર્ણાવતી ક્લબ પાસે આવેલી 'ધર્મ' નામની ઓફિસમાં બેઠા હતા. તે સમયે ભાવેશ રબારી, દેવરામ અને અન્ય ચાર અજાણ્યા શખ્સો તલવાર, છરી અને લોખંડના પાઈપ જેવા જીવલેણ હથિયારો સાથે ઓફિસમાં ધસી આવ્યા હતા. હુમલાખોરોએ મનોજ રાઠોડ પર તૂટી પડી પેટ, હાથ, કમર અને પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. ગંભીર હાલતમાં રાઠોડને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
શા માટે થયો હુમલો?
એમ-ડિવિઝનના એસીપી એ.બી. વાલંદના જણાવ્યા મુજબ, આ હુમલો જૂની અદાવત અને વ્યાજખોરીના વિવાદનું પરિણામ છે. વર્ષ 2023 મનોજ રાઠોડે ભાર્ગવ બલદેવ દેસાઈ પાસેથી 30% ના ઉંચા વ્યાજે આશરે રૂ. 60 લાખ લીધા હતા. રાઠોડે વ્યાજ સહિત પૂરેપૂરી રકમ ચૂકવી દીધી હોવા છતાં, મસ્તાની ગેંગ વધુ નાણાંની માંગણી કરી ધમકાવતી હતી. આ ગેંગે અગાઉ એપ્રિલ 2025માં પણ રાઠોડ પર હુમલો કર્યો હતો, જેના આધારે ભાવેશ રબારી સહિતના શખ્સો જેલ ભેગા થયા હતા. તાજેતરમાં જેલમાંથી જામીન પર બહાર આવતા જ, અગાઉની પોલીસ ફરિયાદનો બદલો લેવા ભાવેશ રબારીએ આ લોહિયાળ ખેલ ખેલ્યો હતો.
કોણ છે ભાવેશ રબારી અને 'મસ્તાની ગેંગ'?
પોલીસ રેકોર્ડ મુજબ, ભાવેશ રબારી એક રીઢો ગુનેગાર છે, જેની સામે અત્યાર સુધીમાં વ્યાજખોરી, હુમલો અને હત્યાના પ્રયાસ જેવા 13થી વધુ ગુનાઓ નોંધાયેલા છે. આ ગેંગ 'મસ્તાની ગેંગ'ના નામે જાણીતી છે અને 'પઠાણી ઉઘરાણી' માટે કુખ્યાત છે. અગાઉ આ ગેંગે વસૂલાત માટે દલાલના પરિવાર પર પણ હુમલો કર્યો હતો.
સરખેજ પોલીસે ભાવેશ રબારીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે આ કેસમાં સંડોવાયેલા અન્ય આરોપીઓ દેવરામ અને ચાર અજાણ્યા શખ્સોને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. આ ઉપરાંત, આ હુમલાના કાવતરામાં અન્ય કુખ્યાત શખ્સ ભાર્ગવ રબારીની સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે.


