Get The App

ગુજરાતની 162 મનપા અને પાલિકામાંથી ફક્ત 26 કચરામુક્ત, ચોમાસામાં બિસ્માર રસ્તા, ખાડા-ગંદકી

Updated: Jul 18th, 2025

GS TEAM

Google News
Google News
ગુજરાતની 162 મનપા અને પાલિકામાંથી ફક્ત 26 કચરામુક્ત, ચોમાસામાં બિસ્માર રસ્તા, ખાડા-ગંદકી 1 - image


Garbage-Free City: કેન્દ્ર સરકાર દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણ 2024ની જાહેરાત કરવામાં આવી છે. જેમાં 10 લાખથી વધુ વસતી ધરાવતા સૌથી સ્વચ્છ શહેરમાં અમદાવાદ પ્રથમવાર મોખરે રહ્યું છે. જ્યારે સુરત શહેરને સુપર સ્વચ્છ લીગ નામની નવી કેટેગરીમાં બીજો ક્રમ અપાયો છે. સ્વચ્છ સુપર લીગમાં 3 થી 10 લાખ  વચ્ચે વસતી ધરાવતા શહેરની કેટેગરીમાં ગાંધીનગર મહા નગરપાલિકાને એવોર્ડ અપાયો છે. પ્રોમિસિંગ સ્વચ્છ શહેર એવોર્ડ અંતર્ગત વડોદરા મહા નગરપાલિકાની પસંદગી કરાઇ છે. 

અમદાવાદ ઉપરાંત સુરત, ગાંધીનગર, વડોદરાને પણ વિવિધ કેટેગરીમાં સ્વચ્છતાના એવોર્ડ અપાયા   

સ્વચ્છ સર્વેક્ષણ 2024-25માં ગુજરાતની 17 મહા નગરપાલિકા, 145 નગર પાલિકાઓએ ભાગ લીધો હતો. જેમાં 12500 માર્ક્‌સ પ્રમાણે રેન્કિંગ હાથ ધરાયું હતું. આ પૈકી 10 હજાર માર્ક્‌સ ચોખ્ખાઇ, કચરાના વર્ગીકરણ, સંગ્રહ, પરિવહન, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, ટોઇલેટ, યુઝ્‌ડ વોટર મેનેજમેન્ટ, સિટીઝન ફિડબેક સંદર્ભમાં છે. આ સિવાય અન્ય જે 2500 માર્ક્‌સ છે તેમાં ગાર્બેજ ફ્રી સિટીના 1300 અને ઓપન ડેફિક્શન ફ્રી સર્ટિફિકેશનના 1200 માર્ક્‌સ નક્કી કરાયા હતા. 

સમગ્ર દેશમાં ગુજરાતને 12500માંથી સરેરાશ 8178 માર્ક્‌સ મળેલા છે. ગાર્બેજ ફ્રી સિટી સર્ટિફિકેશનમાં સુરત-અમદાવાદ મહા નગરપાલિકાને 7 સ્ટાર, વડોદરા-રાજકોટ-ગાંધીનગર-ભાવનગર-વાપી મહા નગરપાલિકાને 3 સ્ટાર જ્યારે 19 મહા નગરપાલિકા-નગરાપાલિકાને 1 સ્ટાર અપાયો છે. ગુજરાતની તમામ 162 મહા નગર પાલિકા અને નગર પાલિકાને ઓપન ડેફિક્શન ફ્રી સર્ટિફિકેશન મળ્યું છે. ગયા વર્ષે સ્વચ્છ સુપર લીગ નામની એક શ્રેણી ઉમેરવામાં આવી હતી. જેમાં બે વર્ષ માટે ટોપ-3માં રહેલા શહેરોનો સમાવેશ કરાયો હતો. ગયા વખતે લીગમાં ફક્ત 12 શહેર હતા જ્યારે આ વખતે વધીને 15 થયા છે. ઈન્દોર સળંગ આઠમી વખત દેશનું નંબર-1 સ્વચ્છ શહેર બન્યું છે. આ લીગમાં ફક્ત તે શહેરનો સમાવેશ કરાયો છે, જે છેલ્લા ત્રણ વર્ષમાં ટોપ-3માં રહ્યા છે. 

ગુજરાતના શહેરોએ હજુ ઈન્દોર પાસેથી સ્વચ્છતાના પાઠ શીખવાની જરૂર...

ઈન્દોરને સળંગ આઠમાં વર્ષે દેશનું સૌથી સ્વચ્છ શહેર જારી કરવામાં આવ્યું છે. એવી પણ  ચર્ચાએ વેગ પકડ્યો છે કે કોર્પોરેશનના અધિકારીઓ શીખવાને નામે વિદેશની યાત્રાએ જાય છે તેના કરતાં પડોશી રાજ્ય ઈન્દોરમાં જાય તો પણ વધારે ફાયદો થશે. ઈન્દોર કઇ રીતે દર વર્ષે દેશનું સૌથી સ્વચ્છ શહેર બને છે તેના અનેક પૈકીના કેટલાક કારણો...

સિંગલ યુઝ્‌ડ પ્લાસ્ટિક પર કડક પ્રતિબંધ

- ગ્રીન વેસ્ટ પ્રોસેસિંગની કામગીરી. ગ્રીન વેસ્ટથી ખાતર ઉપરાંત બાયો ફ્‌યૂલ એનર્જી પણ મળે છે. કુલ પાંચ સ્થાનોએ ગ્રીન વેસ્ટથી ખાતર બનાવવા પ્લાન્ટ.

- ઝીરો લેન્ડ ફ્રી સિટીની દિશામાં પગલું. પ્રોસેસિંગ બાદ પણ પાંચ ટકા એવો કચરો બચે છે, જે કામે આવતો નથી. તેને જમીન નીચે લેયર બનાવીને દબાવાય છે.  

- દરેક વોર્ડમાં રિયૂઝિંગ, રિસાઇકલિંગ અને રિડ્યુસિંગ એમ ‘થ્રી આર ના સેન્ટર બનાવાયા. જેમાં જૂના કપડાં, જૂના જૂતાનું પ્રોસેસ કરવામાં આવે છે. 

- બાથરૂમ, રસોડામાંથી નીકળતા ગંદા પાણીને ટ્રિટ કરીને તેનો પણ ઉપયોગ થાય તેવી વ્યવસ્થા.

- એશિયાનો સૌથી મોટો સીએનજી પ્લાન્ટ ઈન્દોરમાં છે. 

- 2016થી સ્વચ્છતામાં જનભાગીદારી વધારવામાં આવી. પબ્લિક ટોઇલેટ અને કચરાટોપલી થોડા-થોડા અંતરે ચોક્કસ જોવા મળશે. 

ગુજરાતની 162 મનપા અને પાલિકામાંથી ફક્ત 26 કચરામુક્ત, ચોમાસામાં બિસ્માર રસ્તા, ખાડા-ગંદકી 2 - image
Tags :