અંતે અમદાવાદનો 42 કરોડના ખર્ચે બનેલો 'જોખમી' હાટકેશ્વર બ્રિજ તોડી પડાશે, 4 કરોડનો કરાશે ખર્ચ
Hatkeshwar Bridge Ahmedabad : અમદાવાદમાં હાટકેશ્વર સ્થિત બ્રિજ જર્જરિત હોવાથી છેલ્લા ત્રણ વર્ષથી બંધ હાલતમાં છે, ત્યારે અંતે 42 કરોડના ખર્ચે બનાવેલો 'જોખમી' હાટકેશ્વર બ્રિજને તોડી પાડવાને લઈને સ્ટેન્ડિંગ કમિટીમાં નિર્ણય લેવાયો છે. બ્રિજને તોડી પાડવા માટે 3.90 કરોડનો ખર્ચ થશે. જેના માટે મુંબઈની પેઢીને કામ સોંપવામાં આવ્યું છે. બ્રિજને 3 મહિનાની અંદરમાં તોડી પાડવામાં આવશે.
આશરે 4 કરોડના ખર્ચે હાટકેશ્વર બ્રિજને તોડી પડાશે
અમદાવાદનો હાટકેશ્વર બ્રિજ બનાવવાની કામગીરી વર્ષ 2015માં શરૂ કરાઈ હતી અને વર્ષ 2017માં જાહેર જનતા માટે બ્રિજને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. જોકે, બ્રિજની ગુણવત્તાને લઈને ઉઠેલા સવાલો બાલ તેને બંધ કરાયો હતો. AMCએ અલગ-અલગ સંસ્થાઓ પાસે બ્રિજની ગુણવત્તાનો રિપોર્ટ કરાવ્યા બાદ હલકી કક્ષાનો પુરવાર થયો હતો. અંતે તેને તોડી પાડવાનો નિર્ણય કરાયો છે, ત્યાર આગામી દિવસોમાં બ્રિજને તોડી પાડવાની કામગીરી હાથ ધરાશે.
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, 'હાટકેશ્વરનો બ્રિજ તોડીને નવો બનાવવા માટે ત્રણ વખત ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં કોઈ બીડર આવ્યા ન હતા. જ્યારે હવે બ્રિજને તોડી પાડવાને લઈને બહાર પાડેલા ટેન્ડરમાં ચાર એજન્સીએ ટેન્ડર ભર્યું છે. '
અમદાવાદ શહેરના 5 બ્રિજ જોખમી હાલતમાં, રિપોર્ટમાં ખુલાસો
બ્રિજ ઇન્સ્પેક્શન કમિટીનો રિપોર્ટ સામે આવ્યો છે. જેમાં અમદાવાદ શહેરમાં 5 બ્રિજ જોખમી હાલતમાં છે. અમરસિંહ ચૌધરી અસારવા બ્રિજ ખરાબ અને ગંભીર હાલત હોવાનું રિપોર્ટમાં સામે આવ્યું છે. જ્યારે સુભાષ બ્રિજ આરસીસી સ્લેબ ખરાબ હાલતમાં હોવાનું જણાવ્યું છે. આ સિવાય મહાત્મા ગાંધી જૂનો બ્રિજ ઓવરઓલ બ્રિજની હાલત પણ ખરાબ છે. મહાત્મા ગાંધી નવો બ્રીજ સુપર સ્ટ્રક્ચર અને સબ સ્ટ્રાક્ચરની હાલત ખરાબ છે. કેડીલા જૂનો બ્રિજ ક્રિટિકલ અને ખૂબ જ ખરાબ સ્થિતિમાં હોવાનું જણાવ્યું છે.