Get The App

અમદાવાદના વટવામાં ખૂની ખેલ: રિક્ષામાં બેસવા જેવી નજીવી બાબતે યુવકની ક્રૂર હત્યા, બેની ધરપકડ

Updated: Mar 30th, 2026

GS TEAM

Google News
Google News
અમદાવાદના વટવામાં ખૂની ખેલ: રિક્ષામાં બેસવા જેવી નજીવી બાબતે યુવકની ક્રૂર હત્યા, બેની ધરપકડ 1 - image


Ahmedabad Crime News: અમદાવાદના વટવા વિસ્તારમાં ગઈકાલે મોડી રાત્રે રિક્ષામાં બેસવા જેવી  બાબતમાં ઉગ્ર ઝઘડો થતા એક યુવકની હત્યા કરવામાં આવી છે. વટવા ગામ શાકમાર્કેટ નજીક બે શખસોએ સુલેમાન શેખ નામના યુવકને રિક્ષાના લોખંડના પાઈપ સાથે માથું અથડાવી અને બેફામ માર મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો. વટવા પોલીસે આ મામલે ગુનો નોંધી બે આરોપીઓની ધરપકડ કરી છે.

શું હતી સમગ્ર ઘટના?

મળતી માહિતી અનુસાર, અમદાવાદના ચંડોળા તળાવ પાસે ઝૂંપડામાં રહેતા સુલેમાન શેખ ગત રાત્રે તેમના મિત્રો સાથે કચરો વીણવાના કામ માટે નીકળ્યા હતા. વટવા ગામ શાકમાર્કેટ નજીક રિક્ષામાં બેસવા બાબતે તેની બોલાચાલી ક્રિષ્ના ખરે નામના શખસ સાથે થઈ હતી. વાત એટલી વણસી ગઈ હતી કે ક્રિષ્ના અને તેના સાથીદારે સુલેમાન પર હુમલો કરી દીધો હતો.

ઝઘડા દરમિયાન ઉશ્કેરાયેલા ક્રિષ્ના ખરેએ સુલેમાનને પકડી રાખ્યો હતો અને તેનું માથું રિક્ષાના લોખંડના પાઈપ સાથે જોરશોરથી અથડાવ્યું હતું. આ સમયે અરૂણ ચુનારા નામના અન્ય શખસે પણ સુલેમાનને ગંભીર માર માર્યો હતો. માથાના ભાગે જીવલેણ ઈજાઓ થવાને કારણે સુલેમાન ઘટનાસ્થળે જ લોહીલુહાણ હાલતમાં બેભાન થઈ ગયો હતો. તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.

આ પણ વાંચો: અમદાવાદ: સિવિલ હોસ્પિટલના પ્રોફેસરને ટેલિગ્રામ પર ટ્રેડિંગની લાલચ ભારે પડી, ઠગોએ રૂ. 70.65 લાખ પડાવ્યા

પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી

મૃતકની પત્ની જેતુલબેનની ફરિયાદના આધારે વટવા પોલીસે ક્રિષ્ના ખરે અને અરૂણ ચુનારા સામે હત્યાનો ગુનો દાખલ કર્યો છે. પોલીસે બે આરોપીની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.