Get The App

અમદાવાદના મેઘાણીનગરમાં પ્રેમ સંબંધની શંકામાં યુવકની હત્યા, પીઠ પર છરીના ઘા ઝીંકતા મોત

Updated: Dec 1st, 2025

GS TEAM

Google News
Google News
અમદાવાદના મેઘાણીનગરમાં પ્રેમ સંબંધની શંકામાં યુવકની હત્યા, પીઠ પર છરીના ઘા ઝીંકતા મોત 1 - image


Ahmedabad Crime News: અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં ફરી એકવાર હત્યાનો બનાવ બન્યો છે, જેના કારણે આ વિસ્તારમાં એક જ અઠવાડિયામાં બે હત્યાની ઘટનાઓ નોંધાઈ છે. ગઈકાલે મોડી રાતે મેઘાણીનગરના ભાર્ગવ રોડ પર ચંદ્રશેખર તોમર નામના યુવકને અજાણ્યા શખસ દ્વારા પીઠના ભાગે છરીના આડેધડ ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો. આ હત્યા પાછળ પ્રેમ સંબંધ જવાબદાર હોવાની શંકાના આધારે પોલીસે તપાસનો દોર શરૂ કર્યો છે.

મિત્ર સાથે જઈ રહેલા યુવક પર હુમલો

મળતી માહિતી અનુસાર, ચંદ્રશેખર તોમર સંયુક્ત પરિવારમાં રહેતો હતો અને નોકરી કરીને પોતાનું ગુજરાન ચલાવતો હતો. રવિવારે (30મી નવેમ્બર) મોડી રાતે તે પોતાના મિત્ર સાથે ભાર્ગવ રોડ પર ચાલીને જઈ રહ્યો હતો, ત્યારે અચાનક એક અજાણ્યો શખસ આવ્યો હતો અને પાછળથી તેની પીઠ પર છરીના ઘા ઝીંકીને તરત જ ફરાર થઈ ગયો હતો. છરીના હુમલાથી ચંદ્રશેખર લોહીલુહાણ હાલતમાં જમીન પર ઢળી પડ્યો હતો.

આ પણ વાંચો: ગ્રાહકોના હિતમાં RERAનો નવો આદેશ, આજથી દરેક બાંધકામ સાઇટ પર QR કોડવાળું બેનર ફરજિયાત

ટૂંકી સારવાર બાદ યુવકનું મૃત્યુ

ગંભીર રીતે ઘવાયેલા ચંદ્રશેખરને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. પરિવારજનોને આ ઘટનાની જાણ થતાં તેઓ પણ તરત જ હોસ્પિટલ પહોંચ્યા હતા. જો કે, ટૂંકી સારવાર બાદ ફરજ પરના તબીબોએ ચંદ્રશેખરને મૃત જાહેર કર્યો હતો. આ પછી ઘટનાની જાણ થતાં જ મેઘાણીનગર પોલીસ સ્ટેશનનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. જોકે, પોલીસે પ્રાથમિક તપાસમાં હત્યાનું કારણ પ્રેમ પ્રકરણ હોવાની શક્યતા વ્યક્ત કરી છે અને તે દિશામાં તપાસ શરૂ કરી છે.

Tags :