ચાંદલોડિયામાં વ્યાજખોરે એક બાકી હપ્તા માટે 9.20 લાખની પેનલ્ટી માગી, ત્રાસથી કંટાળી યુવકે જીવન ટુંકાવવા પ્રયાસ કર્યો
Ahmedabad News : અમદાવાદ શહેરના ગોતામાં રહેતા એક સિનિયર સિટીઝનને વ્યાજખોર પાસેથી પાંચ ટકાના વ્યાજે નાણાં લેવાના બદલામાં ભારે ત્રાસ સહન કરવાનો વારો આવ્યો હતો. જેમાં ત્રણ લાખ રૂપિયા વ્યાજે આપીને વ્યાજખોરે મકાનના બાનાખત દસ્તાવેજ પોતાના નામે કરાવી લીધા હતા. ત્યારબાદ નાણાં પરત મેળવ્યા બાદ પણ ચુકી ગયેલા એક હપ્તાના બદલામાં પેનલ્ટી સહિત 9.20 લાખની માંગણી કરી હતી અને મકાન પચાવી પાડવાની ધમકી આપી હતી. જેથી માનસિક હતાશામાં આવીને સિનિયર સિટીઝનના પુત્રએ દવાઓ ગળીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. સોલા પોલીસે આ અંગે વ્યાજખોર વિરૃદ્ધ ફરિયાદ નોંધીને કાર્યવાહી કરી છે.
ત્રણ લાખ રૂપિયા પાંચ ટકા વ્યાજે આપીને મકાનનો બાનાખત પોતાના નામે કરાવી લીધો : સોલા પોલીસે માથાભારે વ્યાજખોર વિરૃદ્ધ ગુનો નોંધ્યો
આ સમગ્ર બનાવની વિગતો એવી છે કે ગોતામાં આવેલા ગોપીનાથનગરમાં રહેતા 60 વર્ષીય ભીખાભાઇ પરમારે તેમનો પૌત્ર બિમાર હોવાથી અને બેંકમાં હપતોભરવાનો બાકી હોવાથી ચાંદલોડિયામાં આવેલા અદીતી ટેનામેન્ટમાં રહેતા વિપુલ પંચાલને મળ્યા હતા અને તેમની પાસેથી પચાસ હજાર રૂપિયા પાંચ ટકા વ્યાજે લીધા હતા. જેના બદલામાં તેણે પ્રોમીસરી નોટ અને સહી કરાવેલા ચેક લઇ લીધા હતા. ભીખાભાઇ પ્રતિમાસ 2500નો હપ્તો ચુકવી આપતા હતા. બીજી તરફ તેમના અન્ય એક મકાનના હપતા ચઢી જતા તેમણે વિપુલ પંચાલ પાસેથી ત્રણ લાખ રૂપિયા પાંચ ટકા વ્યાજે લીધા હતા. જેના બદલામાં તેણે મકાનનો દસ્તાવેજ બાનાખત પોતાના નામે કરાવી લીધો હતો. આ બાનાખતમાં તેમણે 9.20 લાખની રકમ લખી હતી. બીજી તરફ ભીખાભાઇ નિયમિત રીતે 17,500નો હપતો નિયમિત ચુકવતા હતા. પરંતુ, એક મકાન વેચાણ કરીને તેમણે નાણાં પરત કરવાનું નક્કી કર્યું હતું અને વ્યાજ સહિત 3.70 લાખ ચુકવી આપ્યા હતા. તેમ છતાય, વિપુલે 9.20 લાખ પેનલ્ટી અને વ્યાજ સહિત માંગ્યા હતા અને બાનાખત રદ કરવાની ના કહી હતી. જેથી માનસિક દબાણમાં આવીને ભીખાભાઇના પુત્રએ ગોળીઓ ગળીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જો કે સદનસીબે તેમને સમયસર સારવાર મળતા બચાવ થયો હતો. આ સમગ્ર મામલે સોલા પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.