હવામાન વિભાગની આગાહી વચ્ચે અમદાવાદમાં સાંજે મેઘમહેર, ધોધમાર વરસાદથી શહેરમાં ઠંડક પ્રસરી
Ahmedabad Weather Today: સમગ્ર દિવસ દરમિયાન આકાશમાં છવાયેલા કાળા ડિબાંગ વાદળો બાદ આજે(22 ઓગસ્ટ) સાંજે અમદાવાદ શહેરમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા. દિવસભર ક્યાંક હળવા તો ક્યાંક છૂટાછવાયા ઝાપટાં બાદ, સાંજે વીજળીના કડાકા-ભડાકા અને પવન સાથે ધોધમાર વરસાદ શરૂ થયો, જેને કારણે આખું શહેર પાણીથી તરબોળ થઈ ગયું. જણાવી દઈએ કે, ગુજરાતમાં એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. જેને લઈને સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરાઈ રહી છે.
શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં ભારે વરસાદ
આજે સાંજે પડેલા આ વરસાદે સમગ્ર અમદાવાદ શહેરને આવરી લીધું. પૂર્વ અને પશ્ચિમ, એમ બંને વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો. આ ભારે વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયાં અને વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. વરસાદના કારણે વિઝિબિલિટી પણ ઘટી જતાં વાહનચાલકોને ધીમી ગતિએ વાહન ચલાવવાની ફરજ પડી હતી.
ટ્રાફિક જામ અને પાણી ભરાવાની સમસ્યા
અચાનક વરસાદ તૂટી પડતા શહેરના મુખ્ય રસ્તાઓ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા. ખાસ કરીને સાંજના સમયે લોકો કામ પરથી ઘરે પરત ફરી રહ્યા હતા, ત્યારે ટ્રાફિકની સમસ્યા વધુ વકરી હતી. આ ઉપરાંત, નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાવા લાગ્યા, જેના કારણે નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો.
આજે સાંજે થયેલા વરસાદથી એક તરફ શહેરીજનોએ ગરમી અને બફારામાંથી રાહત અનુભવી છે, તો બીજી તરફ ટ્રાફિક અને પાણી ભરાવાની સમસ્યાએ તેમના માટે મુશ્કેલી ઊભી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આગામી દિવસોમાં પણ શહેરમાં વરસાદનું જોર યથાવત્ રહી શકે છે.
ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગની આગાહી અનુસાર, મહિસાગર, બનાસકાંઠા, મહેસાણા, પાટણ, ગાંધીનગર, ભરૂચ, ખેડા, પંચમહાલ, દાહોદ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલી અને અમદાવાદ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાયક્લોનિક સર્ક્યુલેશન, અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન, શીયર ઝોન, ઓફ શોર ટ્રફ અને મોનસૂન ટ્રફ હાલ સક્રિય હોવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.