| Ai Image |
Ahmedabad News: અમદાવાદના બાપુનગર વિસ્તારમાં સામાન્ય બાબતમાં છરાથી બે યુવક પર હુમલો થયાની ઘટના સામે આવી છે. માત્ર એક સિગારેટ આપવાની ના પાડવા જેવી બાબતમાં માથાભારે શખ્સોએ બે યુવકો પર છરા વડે જીવલેણ હુમલો કર્યો હતો. જે બાદ ઘાયલ યુવકોને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા છે અને પોલીસે માથાભારે શખ્સો સામે ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
આ ઘટના અંગે મેઘાણીનગરમાં રહેતા 29 વર્ષીય કપિલભાઈ લખારાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. તેઓ બાપુનગરમાં આવેલી રાજ ફેશન નામની કપડાની દુકાનમાં નોકરી કરે છે. ગત તારીખ 6 જાન્યુઆરી 2026ના રોજ રાત્રે 11.45 વાગ્યાની આસપાસ કપિલભાઈ અને તેમનો મિત્ર ક્રિષ્ણા ઉર્ફે છોટુ અરવિંદસિંગ તોમર કામ પતાવીને ઘરે જવા નીકળ્યા હતા. તે વખતે બે માથાભારે શખ્સે તેમની પાસે સિગારેટ માંગી હતી અને ના પાડતા છરાથી હુમલો કરીને ભાગી ગયા હતા.
મળતી માહિતી મુજબ, કપિલભાઈ અને તેમના મિત્ર ક્રિષ્ણા તેમના શેઠની નવી દુકાનનું ઓપનિંગ હોવાથી કામ કરવા માટે મોડી રાત સુધી રોકાયા હતા. કામ પતાવીને જ્યારે તેઓ દીપક ગાર્મેન્ટની પાછળ પાર્ક કરેલું પોતાનું બાઈક લેવા ગયા, ત્યારે રાહુલ વિજયભાઈ પટણી અને વિકાસ નામનો અન્ય એક યુવક ત્યાં આવ્યા હતા. વિકાસે ક્રિષ્ણા પાસે સિગારેટની માંગણી કરી હતી, પરંતુ ક્રિષ્ણાએ સિગારેટ આપવાની ના પાડી દીધી હતી.
આ સાંભળીને બંને આરોપીઓ ગુસ્સે થઈ ગયા હતા અને ગાળાગાળી શરૂ કરી હતી. કપિલભાઈએ ગાળો બોલવાની ના પાડતા રાહુલ પટણીએ પોતાની કમરમાંથી છરો કાઢી કપિલભાઈના જમણા હાથના અંગૂઠા અને આંગળીઓ પર ઝીંકી દીધો હતો. આ દરમિયાન બીજા આરોપી વિકાસે ક્રિષ્ણા ઉર્ફે છોટુના બરડાના ભાગે તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો. એટલામાં કપિલભાઈએ બૂમાબૂમ કરતા લોકો એકઠા થવાના ડરે બંને હુમલાખોરો ત્યાંથી ફરાર થઈ ગયા હતા.


