અમદાવાદમાં દ્વિચક્રી વાહન ચોરીનો પર્દાફાશ: 17 ટુ વ્હીલર સાથે 3 ઝડપાયા, જાણો કેવી રીતે પાર પાડ્યો ખેલ
Scooter Theft Racket : અમદાવાદ ગ્રામ્ય પોલીસના સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપ (SOG) એ વાહન ચોરીના રેકેટનો પર્દાફાશ કર્યો છે. અંદાજે 15.3 લાખ રૂપિયાની કિંમતના 17 ચોરાયેલા TVS જ્યુપિટર સ્કૂટર અને ₹85,000 ની કિંમતના ત્રણ મોબાઈલ ફોન સાથે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે.
બાતમીના આધારે ગ્રામ્ય SOG ની ટીમે સાણંદ-બાવળા બાયપાસ રોડ નજીક એક સફેદ રંગના TVS જ્યુપિટર સ્કૂટર પર સવાર શંકાસ્પદ વ્યક્તિને આંતર્યો હતો. સ્કૂટર સાથે ઝડપી લેવામાં આવેલા આરોપીની ઓળખ દિવ્યરાજ સિંહ વાઘેલા તરીકે કરવામાં આવી છે.
આરોપીની વધુ પૂછપરછ કરતાં તેણે બે સાગરિતો ધર્મદીપ સિંહ પરમાર અને શિવરાજ સિંહ વાઘેલાના નામનો ખુલાસો કર્યો હતો. આ બંને સાણંદમાં જોગણી માતાજી મંદિર નજીક આવેલા TVS ટુ-વ્હીલર શોરૂમમાં કામ કરતા હતા. આ બંને શોરૂમમાં વાહન ઇન્વેન્ટરી અને મેન્ટેનન્સનું કામ કરતા હતા.
પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ, ધર્મદીપ સિંહ પરમાર અને શિવરાજ સિંહ વાઘેલા શોરૂમના ગોડાઉનમાં બપોરે લંચ ટાઇમ દરમિયાન તકનો લાભ લઇને અનરજિસ્ટર્ડ TVS જ્યુપિટર સ્કૂટરની ચોરી કરતા હતા. ત્યારબાદ તેઓ ચોરાયેલા વાહનોને દિવ્યરાજને ગુપ્ત રીતે સોંપી દેતા હતા, જે પછી તે વાહનોને જુદા જુદા વ્યક્તિઓને વહેંચી દેતો હતો.
આરોપીઓ દ્વારા ચોરીની કબૂલાત બાદ કર્યા પોલીસે જુદા જુદા રંગો અને મોડેલોના કુલ 17 TVS જ્યુપિટર સ્કૂટર, જે દરેકની કિંમત આશરે ₹90,000 છે, આ સાથે ત્રણ મોબાઈલ ફોન પણ જપ્ત કર્યા છે, એમ કુલ 16.15 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
વધુમાં પોલીસે જણાવ્યું હતું હતું ફાયદાની લાલચ અને વૈભવી લાઇફસ્ટાઇલ માટે આ લોકો ચોરી કરતા હોવાનીએ આ શંકા છે. આ અંગે સાણંદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. ચોરીના વાહનો કોને વેચવામાં આવ્યા છે તે અંગે વધુ તપાસ ચાલી રહી છે.