Get The App

અમદાવાદમાં રફ્તારનો કહેર: અકસ્માતની બે અલગ-અલગ ઘટનામાં 1નું મોત, 3 ઈજાગ્રસ્ત

Updated: May 25th, 2025

GS TEAM


Google News
Google News
અમદાવાદમાં રફ્તારનો કહેર: અકસ્માતની બે અલગ-અલગ ઘટનામાં 1નું મોત, 3 ઈજાગ્રસ્ત 1 - image


Ahmedabad Accident: અમદાવાદ શહેરમાં માર્ગ અકસ્માતોના બનાવો દિન-પ્રતિદિન વધી રહ્યા છે. શનિવારે (24 મે) રાત્રે શહેરના બે અલગ-અલગ વિસ્તારોમાં અકસ્માતની ઘટનાઓ બની હતી, જેમાં એક યુવકનું મોત થયું છે અને ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા છે.

અમદાવાદમાં રફ્તારનો કહેર: અકસ્માતની બે અલગ-અલગ ઘટનામાં 1નું મોત, 3 ઈજાગ્રસ્ત 2 - image

માનવ મંદિર પાસે અકસ્માત

પહેલો અકસ્માત શનિવારે રાત્રે 10:30 વાગ્યાની આસપાસ શહેરના માનવ મંદિર પાસે થયો હતો. પૂરપાટ ઝડપે જઈ રહેલો કારચાલક બેફામ રીતે કાર હંકારી રહ્યો હતો, જેના કારણે કાર બેકાબૂ બની હતી. કાર એક્ટિવા અને મોટરસાઇકલ સાથે અથડાઈ, ત્યારબાદ રસ્તાની બાજુમાં આવેલા વિજય પાન પાર્લરમાં ઘૂસી જઈ પલટી ખાઈ ગઈ હતી. આ દરમિયાન કારે પાન પાર્લરની બહાર ઊભેલા 27 વર્ષીય કલ્પેશ સોલંકીને અડફેટે લીધો હતો, જેના કારણે યુવક ફૂટબોલની જેમ ઉછળી નીચે પટકાયો હતો.

આ પણ વાંચોઃ બીસીએની એપેક્ષ બેઠકમાં વર્ષ 2025-26 માટે BCAના સપોર્ટ સ્ટાફની નિમણૂક કરાઈ

એક યુવકનું મોત, બે ઈજાગ્રસ્ત

ઘટનામાં કલ્પેશ અને ટુ-વ્હીલર ચાલકોને ઈજા થઈ હતી. તેમને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં કલ્પેશનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. અન્ય બેને નાની ઈજાઓ થઈ હોવાથી તેમને સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. કારનો ડ્રાઈવર દારૂના નશામાં હોવાનું જણાયું હતું, જેની ઘટનાસ્થળેથી જ ધરપકડ કરવામાં આવી હતી. એ ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધીને ઘટનાની વધુ તપાસ શરૂ કરી છે.

અમદાવાદમાં રફ્તારનો કહેર: અકસ્માતની બે અલગ-અલગ ઘટનામાં 1નું મોત, 3 ઈજાગ્રસ્ત 3 - image

એસ.જી. હાઈવે પર અકસ્માત

અન્ય એક અકસ્માત શહેરના એસ.જી. હાઈવે પર શનિવારે રાત્રે લગભગ 1:45 વાગ્યે બની હતી. વૈષ્ણોદેવી સર્કલ પાસે રહેતા આધેડ પરેશ પાલિયા સોલા બ્રિજ નજીકની ફોર્ચ્યુન હોટલની સામેથી તેમના એક્ટિવા પર કામ પરથી ઘરે પરત ફરી રહ્યા હતા. તે સમયે એક કારચાલકે તેમને ટક્કર મારી, જેના કારણે પરેશભાઈ પડી ગયા અને તેમને ઈજાઓ પહોંચી. તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. 

અમદાવાદમાં રફ્તારનો કહેર: અકસ્માતની બે અલગ-અલગ ઘટનામાં 1નું મોત, 3 ઈજાગ્રસ્ત 4 - image

આ પણ વાંચોઃ સાબરમતી-વેરાવળ વંદે ભારત અને વલસાડ- દાહોદ એક્સપ્રેસ ટ્રેનનું પીએમના હસ્તે થશે શુભારંભ

કારમાં વિદેશી દારૂની બોટલ?

અકસ્માત બાદ કારચાલક કાર છોડીને ઘટનાસ્થળેથી ભાગી ગયો હતો. લોકોએ ઘટના બાદનો વીડિયો બનાવ્યો છે, જેમાં કારની સીટ પર વિદેશી દારૂની બોટલ પણ જોવા મળે છે. આથી, કારચાલકે નશાની હાલતમાં અકસ્માત કર્યો હોવાનું ઘટનાસ્થળે ઉપસ્થિત લોકોનું માનવું છે. અકસ્માતને કારણે કારની એરબેગ ખુલી ગયેલી જોવા મળે છે. SG-1 ટ્રાફિક પોલીસે કેસ નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

Tags :