Gujarat

અમદાવાદમાં ટ્રાફિક સમસ્યા નિવારવા પોલીસ કેટલાંક રસ્તાઓના કટ બંધ કરશે

By GS TEAM
23 Mar 20262 mins read
અમદાવાદમાં ટ્રાફિક સમસ્યા નિવારવા  પોલીસ કેટલાંક રસ્તાઓના કટ બંધ કરશે

અમદાવાદ,સોમવાર

અમદાવાદમાં હાલ ટ્રાફિક સમસ્યા પોલીસ માટે સૌથી મોટો ચિંતાનો વિષય છે. ત્યારે હાલ પોલીસ કમિશનરે ટ્રાફિક વિભાગના અધિકારીઓ સાથે મિટીંગ કરીને ટ્રાફિક સમસ્યા ધરાવતા વિવિધ પોઇન્ટની ચર્ચા કરીને મહત્વના સુધારા અમલમાં મુક્યા છે. જેમાં નારોલ-પીરાણા, સરખેજ-જુહાપુરા, પલેડિયમ મોલ સહિતના મહત્વના ટ્રાફિક મેનેજમેન્ટ માટે સુચન કરાયા છે.

 અમદાવાદમાં વાહનોની સંખ્યા વધવાની સાથે સાંકડા રસ્તાઓને કારણે ટફિક સમસ્યા ખુબ જ ગંભીર બની રહી છે. જે અનુસંધાનમાં ટ્રાફિક વિભાગના અધિકારીઓને પોલીસ કમિશનર દ્વારા ખાસ તાકીદ કરવામાં આવી હતી. આ સુચનમાં અમદાવાદના કેટલાંક મહત્વના ટફિક પોઇન્ટ થતા ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે વિવિધ આયોજન કરાયા છે. આ માટે  ટ્રાફિક ડીસીપી નરેશ કંઝારિયાને ખાસ જવાબદારી સોંપવામાં આવી છે.

જે અનુસંધાનમાં કેટલાંક એક્શન પ્લાન અમલમાં મુકાયા છે. ખાસ કરીને પિરાણા ચાર રસ્તા પર હાલ બ્રીજની કામગીરી ચાલતી હોવાથી ડાયવર્ઝન આપીને નવા કટથી વાહન વ્યવહાર શરૂ કરવામાં આવતા ટ્રાફિક સમસ્યામાં રાહત થઇ છે.  ત્યારે અમદાવાદના અનેક પોઇન્ટ પર રસ્તા પરના કટને બંધ કરવાની સાથે નવા કટ શરૂ કરાશે. 

હાલ શહેરમાં સરખેજ-જુહાપુરા સર્કલ, ઉજાલા સર્કલ, સાણંદ સર્કલ, નરોડા પાટીયા સર્કલ,  વાડજ સર્કલ, પલેડિયમ મોલ સહિતના પોઇન્ટ  પર ટ્રાફિક સમસ્યા માટે સરવે કરવા ચાલી રહ્યો છે. જેમાં ચોક્કસ એક્શન પ્લાનનો અમલ કરીને કટ નક્કી કરવામાં આવશે. આ ઉપરાંત, ફ્રી લેફ્ટનો અમલ હાલ અમદાવાદમાં થઇ શકતો નથી. જેના કારણે ટ્રાફિકનો પ્રશ્ન વધુ વિકટ બન્યો છે.જો કે આ માટે ટ્રાફિક મેનેજમેન્ટ માટે વધારાના ૪૫૦ ટ્રાફિક બ્રિગેડને કામગીરી સોંપાશે. આ ઉપરાંત, ટ્રાફિક સિગ્નલના ટાઇમર પણ કેટલાંક ચાર રસ્તા પર વધારે છે. જેની ટાઇમલાઇન ઘટાડવામાં આવશે. આમ, આગામી દિવસોમાં ટ્રાફિક સમસ્યા અનુસંધાનમાં કામ કરવામાં આવશે.