Gujarat

ભાડાની કાર લઇને મીઠાખળી અંડર પાસમાં સ્ટંટ કરનાર યુવકની ધરપકડ

By GS TEAM
23 Mar 20261 min read
ભાડાની કાર લઇને મીઠાખળી અંડર પાસમાં સ્ટંટ કરનાર યુવકની ધરપકડ

અમદાવાદ,સોમવાર

શહેરના મીઠાખળી અંડર પાસમાં કાર લઇને જતા યુવકોએ સ્ટંટ કરીને અન્ય વાહનચાલકોના જીવને જોખમમાં મુક્યાનો વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થયો હતો. જે અંગે પોલીસે કાર નંબરના આધારે તપાસ કરીને એક યુવકની ધરપકડ કરીને કાર્યવાહી કરી છે.

શહેરના સોશિયલ મિડીયાના એક પેજ પર એક વિડીયો વાયરલ થયો હતો. જેમાં એક કારમાં યુવક કાચને ખોલીને અડધો બહાર આવીને સ્ટંટ કરતો હતો. એટલું જ નહી કારને પુરઝડપે ચલાવી હતી. આ વિડીયો અંગે ઉચ્ચ અધિકારીઓએ તપાસના આદેશ આપ્યા હતા. જે વિડીયો મીઠાખળી અંડર પાસનો હતો. બી ડીવીઝન ટ્રાફિક પોલીસે તપાસ કરતા કારના માલિકનું નામ સૌરભ ગુપ્તા (રહે. ઇન્દ્રપ્રસ્થ ટાવર, વસ્ત્રાપુર) હોવાનું જાણવા મળ્યું હતું.

તેણે મૌહમ્મદ તૈયબ સૈયદ (રહે. જ્યુપીટર મીલની ચાલી, શાહીબાગ)ને કાર ભાડે આપી હતી. જેના આધારે પોલીસે મૌહમ્મદની ધરપકડ કરીને પુછપરછ કરતા તેે તેના સગીર મિત્ર સાથે આવીને કારમાં સ્ટંટ કર્યા હતા. અગાઉ પણ તેણે કાર ભાડે લઇને અન્ય વાહનચાલકોના  જીવ જોખમમાં મુક્યા હતા. બી ડીવીઝન ટ્રાફિક પોલીસે કાર જપ્ત કરીને કાર્યવાહી કરી છે.