પોલીસના મામાના દીકરા... નંબર પ્લેટ વિના ફરતા વાહનો સામે પોલીસના આંખ આડા કાન, યુઝર્સના આકરા પ્રહાર
Ahmedabad Traffic Police : અમદાવાદ શહેર પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઇવ અંતર્ગત નંબર પ્લેટ વગરના વાહનો સામે ખાસ ઝુંબેશ ચલાવાઈ રહી છે. છેલ્લા એક સપ્તાહમાં શહેરના વિવિધ પોલીસ સ્ટેશન વિસ્તારોમાંથી 267 જેટલા વાહનોને એમ.વી. એક્ટની કલમ 207 હેઠળ ડિટેઇન કરવામાં આવ્યા છે. ચાલુ મહિનામાં જ અત્યાર સુધી કુલ 1258થી વધુ વાહનો પર આ પ્રકારની કાર્યવાહી કરાઈ છે. જો કે, આ ઝુંબેશ વચ્ચે જ સોશિયલ મીડિયા પર અમદાવાદ પોલીસ સામે આકરા પ્રહારો થઈ રહ્યા છે. તેનું કારણ એ છે કે, અમદાવાદમાં 'રામાધણી' લખેલી નંબર પ્લેટ વગરની તેમજ બ્લેક ફિલ્મવાળા વાહનો હજુ પણ બેરોકટોક રસ્તા પર દોડી રહ્યા છે. આ ઉપરાંત રસ્તા પર ક્યારેક ‘સોમનાથ સરકાર’ લખેલી કાર પણ જોવા મળે છે, પરંતુ પોલીસ આ લોકો સામે કોઈ કાર્યવાહી કરતી નથી.
‘રામાધણી’ કોઈ કોડવર્ડ તો નથી ને?
RTOના નિયમો મુજબ, વાહનની નંબર પ્લેટ પર માન્ય રજિસ્ટ્રેશન નંબર જ સ્પષ્ટ અને નિર્ધારિત ફોન્ટમાં દર્શાવવો ફરજિયાત છે. આમ છતાં વાહનચાલકો 'રામાધણી' જેવા શબ્દો લખાવીને પોતાની ઓળખ પ્રદર્શિત કરી રહ્યા છે. ત્યારે લોકોમાં એવી પણ ચર્ચા છે કે, ગુજરાતમાં કાર પરનો આ શબ્દ ‘રામાધણી’ કોઈ કોડવર્ડ તો નથી ને? આ શબ્દ લખેલી બધી જ કાર પર રહસ્યમય રીતે બ્લેક ફિલ્મ પણ જોવા મળે છે. જો કોઈ સામાન્ય વ્યક્તિની કાર વિન્ડો પર બ્લેક ફિલ્મ હોય છે, તો પોલીસ રસ્તામાં ઊભા ઊભા બ્લેક ફિલ્મ દૂર કરાવે છે.
આશ્ચર્યની વાત એ છે કે, આવા વાહનોના ફોટો અને વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યા છે. ક્યારેક આ પ્રકારના વાહનો પર દેખાતી નંબર પ્લેટ RTOના ધારાધોરણો મુજબ એમ્બોસ કરેલા ફોન્ટની જેમ જ બનાવાયેલી હોય છે, તેથી પહેલી નજરે તે નંબર હોય એવું લાગી શકે છે, પરંતુ હકીકતમાં તે શબ્દ પણ હોઈ શકે છે. આ એક અત્યંત ગંભીર બાબત છે.
સોશિયલ મીડિયા પર લોકોના આકરા પ્રહાર
અમદાવાદ પોલીસની આવી ભેદભાવભરી નીતિ મુદ્દે સોશિયલ મીડિયામાં અનેક લોકો આકરા પ્રહાર કરી રહ્યા છે. સોશિયલ મીડિયામાં લોકો સવાલ કરી રહ્યા છે કે, સામાન્ય નાગરિકોને સીસીટીવીમાં જોઈને ઓનલાઈન મેમો પકડાવવામાં આવે છે, જ્યારે 'રામાધણી'ના વાહનો સામે પોલીસ કોઈ કાર્યવાહી કેમ નથી કરતી? આ 'મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ' અંગે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. એક યુઝરે વ્યંગમાં પૂછ્યું કે, 'આ 'રામાધણી' વાળી નંબર પ્લેટનું ફોર્મ ક્યાં મળશે? RTOમાં કે પોલીસ સ્ટેશનમાં?'
સચિવાલયમાં બ્લેક ફિલ્મ અને નંબર પ્લેટ વગરની કાર
ગાંધીનગર સચિવાલયના પાર્કિંગમાં પણ થોડા સમય પહેલાં ગેટ નંબર 6 તરફ અનેક કાર નંબર પ્લેટ વગરની અને બ્લેક ફિલ્મ સાથે જોવા મળી હતી. આ વાહનો પોલીસની નજર સામે જ સચિવાલયમાં પ્રવેશ્યા હતા. આમ છતાં, તેની સામે કોઈ કાર્યવાહી કરાઈ ન હતી. આ પ્રકારના ફોટોગ્રાફ્સ જોઈને નેટિઝન્સ કહી રહ્યા છે કે પોલીસને દંડ વસૂલવાની હિંમત કેમ નથી થતી?
પોલીસની નિષ્ક્રિયતા જોઈને સરકાર સામે પણ યુઝર્સના પ્રહાર
એક યુઝરે કટાક્ષ કરતા લખ્યું કે, 'જો કોઈ સરકારી સ્કીમ હોય કે અમુક પૈસા ભરીને 'રામાધણી' વાળી નંબર પ્લેટ મળશે, તો જનતાને જાણ કરવી જોઈએ. જેથી જનતા એ સ્કીમનો લાભ લઈ શકે.' અન્ય એક યુઝરે ઉમેર્યું કે ‘આ સ્કીમમાં નંબર પ્લેટમાં નંબરના બદલે નામ લખવાની તેમજ કાળા કાચ લગાવવાની સેવા મળતી હોય તેમ લાગે છે.’
આ લોકો મામા-માસીના દીકરા હશેઃ સોશિયલ મીડિયામાં કટાક્ષ
કેટલાક યુઝર્સે તો અમદાવાદ પોલીસ પર સીધો પ્રહાર કરતા લખ્યું કે, 'અમદાવાદ પોલીસના માસીના દીકરા’ તો કેટલાકે કહ્યું કે ‘લગભગ અમદાવાદ પોલીસનો મામાનો દીકરો હશે.' આ ટિપ્પણીઓ પરથી સ્પષ્ટ થાય છે કે સામાન્ય જનતામાં પોલીસની બેવડી નીતિ સામે કેટલો આક્રોશ છે.
સામાન્ય લોકોને નજીવી બાબતે દંડ, તો આ લોકો ખુલ્લેઆમ
રસ્તા પર આવા અનેક વાહનો બેરોકટોક ફરતાં જોવા મળે છે, પરંતુ તેમની સામે પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરાતી નહીં હોવાની ફરિયાદો ઉઠી રહી છે. સામાન્ય નાગરિકોને નાની અને નજીવી બાબતો માટે દંડ ફટકારતી ટ્રાફિક પોલીસ કે પછી રસ્તા પરના સરકારી CCTV કેમેરાની નજરમાં આવા 'વગદાર' કે 'માલેતુજારો' આવતા નથી કે પછી જાણી જોઈને તેમને નજરઅંદાજ કરાય છે, તેવો સવાલ પણ લોકો પૂછી રહ્યા છે.
VVIP અને VIP કારના કાચ પર બ્લેક ફિલ્મ સામાન્ય
એક તરફ, અમદાવાદ પોલીસ ટ્રાફિક નિયમોનું પાલન કરાવવા માટે ઝુંબેશ ચલાવી રહી છે અને સામાન્ય નાગરિકો પર દંડ વસૂલી રહી છે. બીજી તરફ, VVIP અને VIP કારના કાચ પર બ્લેક ફિલ્મ ખૂબ જ સામાન્ય થઈ છે. આમ છતાં, પોલીસ તેમની સામે કોઈ જ કાર્યવાહી કરતી નથી. આ કારણસર સામાન્ય લોકો રોષે ભરાય તે સ્વાભાવિક છે.આ સ્થિતિએ પોલીસ કાર્યવાહીની નિષ્પક્ષતા પર ગંભીર સવાલો ઊભા કર્યા છે. જ્યાં સુધી કાયદો સૌ માટે સમાન રીતે લાગુ નહીં પડે, ત્યાં સુધી લોકોમાં પોલીસ સિસ્ટમમાં વિશ્વાસ આવે તે શક્ય નથી.
રજિસ્ટ્રેશન વગરના વાહનોનો મામલો
આ સિવાય, ઘણા વાહનો પર 'અપ્લાય ફોર રજિસ્ટ્રેશન' લખેલી પ્લેટ જોવા મળે છે. સવાલ એ થાય છે કે જ્યારે નિયમ પ્રમાણે રજિસ્ટ્રેશન નંબર વગર કોઈ પણ શોરૂમ ગ્રાહકોને વાહન આપી શકતો નથી, ત્યારે આ પ્રકારના વાહનો સરેઆમ રસ્તા પર કેવી રીતે જોવા મળે છે. આ પ્રકારની પ્લેટ પણ ભારે પૈસા ખર્ચીને ખાસ બનાવાઈ હોય છે. કાયદાનું આ ઉલ્લંઘન માત્ર સુરક્ષા માટે જ નહીં, પરંતુ સરકારના મહેસૂલ માટે પણ ચિંતાનો વિષય છે.
ભારતમાં વાહનના શોરૂમ્સ ગ્રાહકોને રજિસ્ટ્રેશન નંબર વગર વાહન આપી શકતા નથી, અને આવો સ્પષ્ટ નિયમ છે. આ નિયમ મોટર વાહન અધિનિયમ, 1988 (Motor Vehicles Act, 1988) હેઠળ લાગુ પડે છે.
મુખ્ય નિયમ અને તેના કારણો
કાયદાકીય ફરજિયાત
કાયદા મુજબ, ભારતમાં કોઈ પણ વાહન જાહેર સ્થળે ચલાવી શકાતું નથી, જ્યાં સુધી તેની પાસે કાયદેસરનું રજિસ્ટ્રેશન ન હોય. આ નિયમ વાહનની ઓળખ અને સલામતી માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે.
ડીલરની જવાબદારી
મોટર વાહન કાયદાની કલમ 39 મુજબ, કોઈ પણ વ્યક્તિ રજિસ્ટર્ડ વાહન વગર વાહન ચલાવી શકતી નથી અને કોઈ માલિક પણ તેના વાહનને રજિસ્ટ્રેશન વગર ચલાવવાની મંજૂરી આપી શકતો નથી. આ નિયમ અનુસાર, ડીલરોની જવાબદારી છે કે તેઓ વાહનનું રજિસ્ટ્રેશન પૂર્ણ થયા પછી જ ગ્રાહકને ડિલિવરી આપે.
ટેમ્પરરી રજિસ્ટ્રેશન
જો પરમેનન્ટ રજિસ્ટ્રેશનમાં સમય લાગતો હોય, તો ડીલર ટેમ્પરરી રજિસ્ટ્રેશન નંબર (TR Number) મેળવી શકે છે. આ નંબર એક મહિના સુધી માન્ય હોય છે, અને આ દરમિયાન વાહન માલિક કાયમી રજિસ્ટ્રેશન કરાવી શકે છે. ટેમ્પરરી નંબર હોવા છતાં, વાહન પર નંબર પ્લેટ હોવી ફરજિયાત છે.