હાઈકોર્ટના ઠપકા બાદ પોલીસ દોડતી થઇ, અમદાવાદમાં એક દિવસમાં રોંગ સાઈડના 2000 કેસ
પોલીસ દ્વારા નિયમિત કામગીરી કરવામાં ન આવતી હોવાને કારણે ટ્રાફિક વ્યવસ્થા પર નિયંત્રણ ગુમાવ્યો
Ahmedabad Traffic Police: અમદાવાદમાં ટ્રાફિક વ્યવસ્થાને લગતી કામગીરી પર ગુજરાત હાઇકોર્ટ દ્વારા આકરૂ વલણ દાખવતા પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવે છે. ત્યારે શુક્રવારે ટ્રાફિક પોલીસ દ્વારા રોંગ સાઇડની ઝુંબેશ યોજીને એક જ દિવસમાં બે હજાર જેટલા કેસ નોંધીને ૩૩ લાખનો દંડ વસુલવામાં આવ્યો હતો.
ગુજરાત હાઇકોર્ટે શહેરના રસ્તા પરના દબાણ અને ટફિક વ્યવસ્થાના અનુસંધાનમાં આકરૂ વલણ દાખવીને અનેકવાર સરકાર અને અમદાવાદ પોલીસને કામગીરી કરવા માટે ટકોર કરી છે. જેના કારણે પોલીસ દ્વારા કેટલીકવાર વિશેષ ઝુંબેશ યોજીને કામગીરી કરવામાં આવે છે.
ત્યારે શુક્રવારે ટ્રાફિક પોલીસ દ્વારા અમદાવાદના વિવિધ વિસ્તારોમાં રોંગ સાઇડમાં જતા વાહનચાલકો વિરૂદ્ધ ડ્રાઇવ યોજવામાં આવી હતી. જેમાં એક જ દિવસમાં બે હજાર જેટલા કેસ કરીને કુલ ૩૩ લાખ રૂપિયાનો દંડ વસૂલ્યો હતો.
ઉલ્લેખનીય છે કે ટ્રાફિક પોલીસ દ્વારા માત્ર એસ જી હાઇવે , સીજી રોડ કે મહત્વની જગ્યા પર જ કામગીરી કરીને સંતોષ માનવામાં આવતો હતો. પરંતુ, ઘણા સમય બાદ પોલીસે શહેરના મોટાભાગના વિસ્તારમાં રોંગ સાઇડમાં જતા વાહનચાલકો વિરૂદ્ધ કાર્યવાહી કરી છે. આ ઉપરાંત, અનેક સ્થળો પર દબાણ હટાવીને રસ્તા પણ ખુલ્લા કરવામાં આવ્યા હતા.