Get The App

અમદાવાદમાં ટ્રાફિક કોન્સ્ટેબલે મુદ્દામાલનું પોણા બે કિલો ચરસ વેચવા આપી દેતા ધરપકડ

Updated: Jan 7th, 2026

GS TEAM

Google News
Google News
અમદાવાદમાં ટ્રાફિક કોન્સ્ટેબલે મુદ્દામાલનું પોણા બે કિલો ચરસ વેચવા આપી દેતા ધરપકડ 1 - image


Ahmedabad Narcotics News: ચેકીંગ દરમિયાન કબજે કરેલું 4.68 લાખનું પોણા બે કિલો ચરસ પોલીસ સ્ટેશનમાં જમા કરાવવાના બદલે પોતાના મળતિયાને ગેરકાયદેસર રીતે વેચવા માટે આપી દેનાર ટ્રાફિક કોન્સ્ટેબલ શૈલેષ ચૌહાણની ધરપકડ કરાઈ છે. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે દિવ્યાંગ કેબીનધારક અજય બધેલને ચરસ સાથે પકડ્યા પછી કોન્સ્ટેબલની સંડોવણીનો ઘટસ્ફોટ થયો છે. દિવ્યાંગ કેબીનધારકને 4.68 લાખનું ચરસ વેચી આપવા માટે 25,000 રૂપિયા કમિશન આપવાની લાલચ અપાઈ હતી. કેબીનધારક અજય અને કોન્સ્ટેબલ શૈલેષને ઝડપી લઈ એસ.ઓ.જી.એ ચરસનો જથ્થો ક્યાંથી અને ક્યારે કબજે કરાયો હતો તે અંગે ઉંડાણભરી તપાસ આરંભી છે.


એસ.ઓ.જી.ની ટીમે બાતમીના આધારે  નરોડા - મુઠિયા ગામ રોડુ પર શંખેશ્વર ટાઉનશીપ રોડ ઉપરથી 26 વર્ષના દિવ્યાંગ અજય ઉર્ફે બાદશાહ મહેશભાઈ બધેલને 4.68 લાખની કિંમતના 1 કિલો 872 ગ્રામ ચરસ સાથે પકડી પાડ્યો હતો. એસ.ઓ.જી.ના પી.આઈ. વી. એચ. જોષીએ અજય બધેલને રિમાન્ડ ઉપર મેળવી ચરસનો જથ્થો ક્યાંથી મેળવ્યો તે અંગે પૂછપરછ કરતાં ઘટસ્ફોટ થયો હતો. અજયને ચરસનો આ જથ્થો ટ્રાફિક કોન્સ્ટેબલ શૈલેષસિંહ ચૌહાણ વેચવા માટે આપી ગયો હોવાનો ઘટસ્ફોટ થયો હતો. અજય ચરસનો જથ્થો વેચવા માટે એક બૂટલેગરને આપવા જતો હતો ત્યારે એસ.ઓ.જી.એ પકડી પાડ્યો હતો. 

પ્રાથમિક તપાસમાં જ એવો ઘટસ્ફોટ થયો છે કે, દોઢ વર્ષથી ઈ ડિવિઝન ટ્રાફિક પોલીસમાં કોન્સ્ટેબલ તરીકે કાર્યરત શૈલેષ ચૌહાણે ચેકિંગ દરમિયાન 4.68 લાખની કિંમતનો ચરસનો આ જથ્થો મળતાં પોલીસમાં જમા કરાવવાના બદલે પોતાની પાસે જ રાખ્યો હતો. શૈલેષ ચૌહાણ અગાઉ નરોડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા ત્યારે દિવ્યાંગ તરીકે કેબીન રાખીને નાનો મોટો ધંધો કરતાં અજય બધેલ સાથે સંપર્ક થયો હતો. 

કોન્સ્ટેબલ શૈલેષ ચૌહાણે ચેકીંગ દરમિયાન મળેલો ગાંજો પોલીસમાં જમા કરાવી કાર્યવાહી કરવાના બદલે ગ્રાહક શોધીને વેચાણ કરવા માટે અજય બધેલને આપ્યો હતો અને બદલામાં 25,000 રૂપિયા કમિશન આપવાની લાલચ આપી હતી. અજય બધેલ ગાંજાનું વેચાણ કરે તે પહેલાં જ પકડાઈ ગયો હતો. એસ.ઓ.જી.એ દિવ્યાંગ કેબીન ધારક અજય બધેલ અને કોન્સ્ટેબલ શૈલેષ ચૌહાણની ધરપકડ કરી સઘન પૂછપરછ હાથ ધરી છે. 

આ અગાઉ સ્ટેટ ટ્રાફિક પોલીસનો એક કોન્સ્ટેબલ હાઈબ્રિડ ગાંજા સાથે પકડાયો હતો. ગાંજા કે ચરસ જેવા નશીલા પદાર્થનો જથ્થો પોલીસમાં જમા કરાવી કાર્યવાહી કરવાના બદલે બારોબાર વેચાણ કરાવી રૂપિયા કમાવાનું કારસ્તાન કરવા બદલ ટ્રાફિક પોલીસના બીજા કર્મચારીને ઝડપી લઈ ઊંડી તપાસ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.