- ફેસબુક પર જાહેરાત જોઈ ઓર્ડર આપ્યો હતો
- ઓનલાઇન વેપાર કરતા અમદાવાદના વેપારી દિપેશ મકવાણાએ શરૂઆતમાં કાજુના બે ડબ્બા મોકલ્યા બાદ ઓર્ડરના પૈસા લઈ માલ મોકલ્યો જ નહોતો
સુરત, : સુરતના વરાછા અશ્વનીકુમાર રોડ ખાતે ડ્રાયફ્રૂટની દુકાન ધરાવતા સુમુલડેરી રોડના વેપારી સાથે રૂ.14.58 લાખની ઠગાઈ કરનાર અમદાવાદના વેપારીની સાયબર ક્રાઈમ પોલીસે ધરપકડ કરી છે.
મૂળ ગીર સોમનાથના ઉનાના વતની અને સુરતમાં સુમુલડેરી રોડ અરીહંત પાર્ક સોસાયટી મહાવીર એપાર્ટમેન્ટ ફ્લેટ નં.706 માં રહેતા 48 વર્ષીય હિતેશકુમાર મનસુખલાલ દોશી વરાછા અશ્વનીકુમાર રોડ મીનીબજાર ભાજીવાલા એસ્ટેટ ખાતે રામદેવ ડ્રાયફ્રુટના નામે વેપાર કરે છે. ગત જૂન 2021 ના અંતમાં ફેસબુક પર સસ્તામાં કાજુના ટુકડા વેચાણની જાહેરાત જોઈ તેમણે સુધીરભાઈ નામના વ્યક્તિ સાથે વાત કરી હતી. સુધીરભાઈએ માર્કેટ કરતા સસ્તામાં કાજુના ટુકડા આપવાની વાત કરતા હિતેશકુમારે પહેલા બે ડબ્બા દુકાને મંગાવ્યા હતા.
ત્યાર બાદ ટુકડે ટુકડે 3540 કીલો ( 354 ડબ્બા ) નો ઓર્ડર આપી રૂ.14,58,490 સુધીરભાઈના ક્રિષ્ના એન્ટરપ્રાઇઝના બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા હતા. છતાં સુધીરકુમારે માલ મોકલ્યો નહોતો અને માતા બિમાર છે, તેમનું અવસાન થતા અંતિમવિધિમાં છું, ટેમ્પો ચાલક માલ લઈ ભાગી ગયો છે તેવા બહાના કાઢી વાયદા કરતા હતા. તેમના બેન્ક એકાઉન્ટની વિગતો મેળવાઈ તો તે દિપેશભાઇ મકવાણા ( રહે.701, નિસર્ગ ડ્રીમ, સીલાજકાવેરી પ્રતમની બાજુમાં, એસી.પી.રીંગ રોડ, અમદાવાદ ) ના નામે હતું.
જેથી સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં અરજી કરતા ગુનો નોંધાયો હતો. દરમિયાન, સાયબર ક્રાઈમ પોલીસે આ ગુનામાં ગતરોજ ઓનલાઈન ડ્રાયફ્રુટ વેચતા દિપેશ કિશોરભાઇ મકવાણા ( ઉ.વ.30, રહે.બી-304, સત્યમેવ વિસ્ટા, ગોતા, અમદાવાદ ) ની ધરપકડ કરી હતી.


