અમદાવાદ: ગીતામંદિર બસ સ્ટેન્ડ ફરી ધમધમતું થયું
અમદાવાદ, તા. 02 જુલાઈ 2020 ગુરૂવાર
કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટે રાજ્ય સરકાર દ્વારા એસટી બસ સેવા માર્ચ મહિનાથી બંધ કરવામાં આવી હતી. જેને લઈ અમદાવાદ ગીતામંદિર મધ્યસ્થ બસપોર્ટ પણ બંધ કરી દેવામાં આવ્યું હતું.
જોકે અનલોક 1માં બસ સેવા શરૂ કરાઇ હતી પરંતુ બસપોર્ટ શરૂ ન કરાયું કારણ કે ગીતા મંદિર બસપોર્ટની આજુબાજુનો વિસ્તાર કન્ટેઈમેન્ટ ઝોનમાં હતો. જેને લઈ બસપોર્ટ શરૂ ન કરાયું. ત્યાર બાદ અનલોક 2 શરૂ થયું છે.
પહેલા દિવસે તમામ એક્સપ્રેસ બસ સેવા શરૂ કરાઇ છે પરંતુ ગીતામંદિર બસપોર્ટને શરૂ કરવા માટે ચર્ચા વિચારણા બાદ આજે બસપોર્ટ પરથી સંચાલન શરૂ કરવામાં આવ્યું.
સૌરાષ્ટ્ર તરફથી આવતી કે જતી બસો ગીતા મંદિર મધ્યસ્થ બસપોર્ટ જશે નહિ. જેમાં ઉત્તર ગુજરાતથી સૌરાષ્ટ્ર તરફ જતી આવતી બસ સર્વિસ રાણીપ, પાલડી, નહેરૂનગર, ઇસ્કોન સરખેજથી સંચાલન કરવામાં આવશે.
ઉત્તર ગુજરાત તરફથી આવતી જતી બસ ગીતા મંદિરથી સંચાલન થશે જ્યારે કચ્છ તરફથી અને દક્ષિણ ગુજરાત, પંચમહાલ, ખેડા, નડિયાદ અને ઉત્તર ગુજરાત તરફ આવતી જતી બસ સેવા ગીતા મંદિરથી સંચાલન થશે.
22 માર્ચ 2020થી એસટી બસનું સંચાલન હંગામી ધોરણે સ્થગિત કરવામાં આવ્યું હતું. 20 મે 2020ના સરકારની સૂચના બાદ સવારના 7થી સાંજના 6 કલાક દરમિયાન અમદાવાદ જિલ્લા સિવાય બસ સેવા શરૂ કરાઇ હતી. તેમજ 1 જૂન 2020થી માઈક્રો કન્ટેઈમેન્ટ અને કન્ટેઈમેન્ટ વિસ્તાર સિવાય બસ સેવા શરૂ કરાઇ છે.
જોકે, બસ સેવા સવારના 7 થી સાંજના 6 વાગ્યા સુધી ચાલી હતી. અનલોક 2માં સવારના 5.30 કલાકથી રાતના 10 કલાક સુધી બસ સેવા ચાલુ રહશે. તો આજથી ગીતા મંદિર મધ્યસ્થ બસપોર્ટ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે.