અમદાવાદમાં વેપારીએ રૂ.3.83 કરોડનું ફૂલેકું ફેરવ્યું, બાપ-દીકરા સહિત 3 સામે છેતરપિંડીનો ગુનો દાખલ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Crime News: અમદાવાદના કાપડ બજારમાં વેપારીઓ સાથે ઉઠમણાં અને છેતરપિંડીના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. તાજેતરમાં કાંકરિયા વિસ્તારમાં કાર્યરત ‘જય શ્રી ક્રિએશન’ નામની પેઢીના સંચાલકોએ કાપડના વિવિધ વેપારીઓ પાસેથી ઉધારીમાં માલ ખરીદી, સમયસર નાણાં ન ચૂકવીને કુલ રૂ. 3.83 કરોડની જંગી રકમની છેતરપિંડી આચરી હોવાની ઘટના સામે આવી છે. આ મામલે પોલીસે બાપ અને બે દીકરાઓ સહિત ત્રણ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
શું છે સમગ્ર મામલો?
નાના ચિલોડા વિસ્તારમાં રહેતા અને નારોલ ખાતે ‘કે. એમ. પ્રિન્ટ’ નામની ભાગીદારી પેઢી ધરાવતા વેપારી વિશાલભાઈ દીપકભાઈ ઇસરાનીએ આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, કાપડ દલાલ અભિષેક પ્રિતમાની મારફતે તેઓ કાંકરિયા ખાતે દુકાન ધરાવતા આરોપીઓના સંપર્કમાં આવ્યા હતા. આરોપીઓ અજય મહેશકુમાર સુખીયાની, સન્ની મહેશકુમાર સુખીયાની અને મહેશકુમાર સુખીયાની (રહે. તમામ એક જ પરિવારના) એ શરૂઆતમાં વેપારીઓનો વિશ્વાસ જીતવા પેમેન્ટ નિયમિત કર્યું હતું.
વિશ્વાસઘાતની મોડસ ઓપરેન્ડી
આરોપીઓએ વિશ્વાસ કેળવ્યા બાદ,17 મે 2025 થી 6 ઓગષ્ટ 2025ના ટૂંકા ગાળામાં વિશાલભાઈની પેઢી પાસેથી રૂ. 1,16,00,537ની કિંમતનું લેડીઝ ડ્રેસ મટીરીયલ ઉધારીમાં ખરીદ્યું હતું. જેમાંથી ટુકડે-ટુકડે માત્ર રૂ. 38,21,380 ચૂકવ્યા હતા. બાકી નીકળતી રૂ. 77,79,157 ની રકમ માટે આપેલા 28 જેટલા ચેક (કુલ રકમ રૂ. 23 લાખ) પણ બેંકમાંથી રિટર્ન થયા હતા.
પોલીસ તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે કે, આ ત્રિપુટીએ માત્ર ફરિયાદી જ નહીં પરંતુ બજારના અન્ય સાહેદ વેપારીઓને પણ નિશાન બનાવ્યા હતા. તારીખ 11 નવેમ્બર 2024 થી 13 સપ્ટેમ્બર 2025 દરમિયાન અલગ-અલગ વેપારીઓ પાસેથી માલ ખરીદી, કુલ રૂ. 3,83,31,763 નું પેમેન્ટ દબાવી દીધું હતું.
હાલની સ્થિતિ કરોડો રૂપિયાનું ઉઠમણું કરી હાલમાં ત્રણેય આરોપીઓ પોતાની દુકાન બંધ કરી ફરાર થઈ ગયા છે. ભોગ બનનાર વેપારીની ફરિયાદના આધારે પોલીસે ત્રણેય બાપ-દીકરા વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









