અમદાવાદમાં શેરબજારમાં તગડા નફાની લાલચ આપી લાખોની છેતરપિંડી, પાલડીના યુવક અને સોલાના વૃદ્ધે ગુમાવ્યા રૂપિયા

| AI IMAGE |
Ahmedabad Crime News : અમદાવાદમાં સાયબર ગઠિયાઓનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે. શેરબજારમાં રોકાણ કરવાના બહાને સામાન્ય નાગરિકોને નિશાન બનાવી લાખો રૂપિયા પડાવવાના કિસ્સાઓમાં ચિંતાજનક વધારો થયો છે. તાજેતરમાં અમદાવાદમાં બનેલા આવા જ બે અલગ-અલગ બનાવોમાં સાયબર ગઠિયાઓએ એક યુવક અને એક વૃદ્ધને શિકાર બનાવી કુલ રૂ. 26.93 લાખની છેતરપિંડી આચરી છે. આ મામલે સાયબર ક્રાઈમ બ્રાન્ચે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
બનાવ 1: પાલડીના યુવકે 13.75 લાખ ગુમાવ્યા
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર પાલડી વિસ્તારમાં રહેતા અને ખાનગી કંપનીમાં ફરજ બજાવતા 22 વર્ષીય ધૈર્ય વોરાને અજાણ્યા ગઠિયાઓએ નિશાન બનાવ્યો હતો. ગઠિયાઓએ ધૈર્યને સૌપ્રથમ એક વોટ્સએપ ગ્રુપમાં એડ કર્યો હતો અને શેરબજારમાં રોકાણ પર ઊંચા વળતરની લાલચ આપી હતી. ત્યારબાદ એક શંકાસ્પદ એપ્લિકેશન ડાઉનલોડ કરાવી, તેમાં વ્યક્તિગત વિગતો ભરાવી હતી. ગઠિયાઓની વાતોમાં આવી જઈને ધૈર્યએ અલગ-અલગ બેંક ખાતામાં ટુકડે-ટુકડે કુલ રૂ. 13.75 લાખ જમા કરાવ્યા હતા. જોકે, રોકાણ બાદ નફો કે મૂળ રકમ પરત ન મળતા તેણે સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી છે.
બનાવ 2: સોલાના નિવૃત્ત કર્મચારી સાથે 13.18 લાખની ઠગાઈ
બીજા બનાવમાં સોલા વિસ્તારમાં રહેતા અને PWD વિભાગમાંથી નિવૃત્ત થયેલા 68 વર્ષીય મહેન્દ્રભાઈ પટેલ પણ સાયબર ફ્રોડનો ભોગ બન્યા છે. ગઠિયાઓએ તેમને વોટ્સએપ ગ્રુપમાં જોડી, એક એપ્લિકેશન ડાઉનલોડ કરાવી હતી. વિશ્વાસ કેળવવા માટે ઠગ ટોળકીએ સેબી (SEBI) અને રિલાયન્સના નામે બનાવટી દસ્તાવેજો પણ મોકલ્યા હતા. શરૂઆતમાં એપ્લિકેશનમાં સારો નફો દેખાડવામાં આવતા મહેન્દ્રભાઈએ વિશ્વાસમાં આવી રૂ. 13.18 લાખનું રોકાણ કર્યું હતું. પરંતુ અંતે તેમને નફો કે મૂડી કઈ પણ પરત મળ્યું ન હતું.
પોલીસની કાર્યવાહી આ બંને કિસ્સાઓમાં ભોગ બનનાર વ્યક્તિઓએ અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચનો સંપર્ક કરતા પોલીસે ગુનો નોંધી, મોબાઈલ નંબરો અને બેંક ખાતાઓના આધારે આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

