Gujarat

અમદાવાદમાં શેરબજારના નામે વધુ એક ઠગાઈ: અમરાઈવાડીના AMTS કંડક્ટરને ₹11.95 લાખનો ચૂનો ચોપડ્યો

By GS TEAM
9 Dec 20252 mins read
TukuTouch Logo
અમદાવાદમાં સાયબર ગઠિયાઓ દ્વારા શેરબજારમાં રોકાણના નામે નાગરિકોને છેતરવાનો સિલસિલો યથાવત છે. અમરાઈવાડી વિસ્તારમાં રહેતા અને AMTSમાં બસ કંડક્ટર તરીકે ફરજ બજાવતા એક આધેડને ફેક વોટ્સએપ ગ્રુપમાં એડ કરીને શેર ટ્રેડિંગમાં ઊંચા વળતરની લાલચ આપી ₹11.95 લાખની છેતરપિંડી આચરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. આ અંગે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદમાં શેરબજારના નામે વધુ એક ઠગાઈ: અમરાઈવાડીના AMTS કંડક્ટરને ₹11.95 લાખનો ચૂનો ચોપડ્યો

Stock Market investment Scam:  અમદાવાદમાં સાયબર ગઠિયાઓ દ્વારા શેરબજારમાં રોકાણના નામે નાગરિકોને છેતરવાનો સિલસિલો યથાવત છે. અમરાઈવાડી વિસ્તારમાં રહેતા અને AMTSમાં બસ કંડક્ટર તરીકે ફરજ બજાવતા એક આધેડને ફેક વોટ્સએપ ગ્રુપમાં એડ કરીને શેર ટ્રેડિંગમાં ઊંચા વળતરની લાલચ આપી ₹11.95 લાખની છેતરપિંડી આચરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. આ અંગે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, ફરિયાદી જયંતિલાલ કોદરભાઈ પટેલ (ઉ.વ. 50) ને ગત 22 એપ્રિલના રોજ '1816-Ventura Stock Investment Academy' નામના વોટ્સએપ ગ્રુપમાં એડ કરવામાં આવ્યા હતા. આ ગ્રુપનું સંચાલન અનાહિતા મહેતા નામની એક મહિલા કરી રહી હતી અને અન્ય ત્રણ નંબર કો-એડમિન તરીકે હતા, જ્યારે એક નંબર 'વેન્ચુરા કસ્ટમર સર્વિસ' તરીકે દર્શાવવામાં આવ્યો હતો.

ફેક એપ અને નફાની લાલચ

ગઠિયાઓએ જયંતિલાલનો વિશ્વાસ જીતવા માટે તેમને 'VTRADE' નામની એક એપ્લિકેશન ડાઉનલોડ કરાવી હતી, જે અસલ શેરબજારની ટ્રેડિંગ એપ જેવી જ દેખાતી હતી. શરૂઆતમાં ગઠિયાઓએ ફરિયાદીને વિશ્વાસમાં લેવા માટે તેમના ખાતામાં ₹3,000 'પ્રોફિટ' તરીકે જમા કરાવ્યા હતા. આનાથી જયંતિલાલને ભરોસો બેસી ગયો હતો કે આ પ્લેટફોર્મ સાચું છે.

કેવી રીતે થઈ છેતરપિંડી? 

વધુ નફાની લાલચમાં આવીને જયંતિલાલ પટેલે 16 મે થી 6 જૂન વચ્ચે અલગ-અલગ બેંક એકાઉન્ટ્સમાં ટુકડે-ટુકડે કુલ ₹11.95 લાખ જમા કરાવ્યા હતા. આ રકમ IDFC ફર્સ્ટ બેંક, ICICI બેંક અને યસ બેંકના વિવિધ ખાતાઓમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી.

આખરે ભાંડો ફૂટ્યો

એપ્લિકેશનમાં મોટો નફો દેખાતો હોવાથી જ્યારે જયંતિલાલે રૂપિયા ઉપાડવાનો (વિડ્રો) પ્રયાસ કર્યો, ત્યારે તે રિક્વેસ્ટ રિજેક્ટ થઈ ગઈ હતી. ત્યારબાદ ગઠિયાઓએ રૂપિયા ઉપાડવા માટે ટેક્સ પેટે વધુ ₹1.65 લાખ (અને બાદમાં ₹6.65 લાખ) ભરવાની માંગણી કરી હતી. પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું જણાતા જયંતિલાલે તાત્કાલિક 1930 હેલ્પલાઇન પર સંપર્ક કર્યો હતો અને બાદમાં સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS) અને IT એક્ટની વિવિધ કલમો હેઠળ અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી, મોબાઈલ નંબર અને બેંક એકાઉન્ટના આધારે તપાસ શરૂ કરી છે.