World Water Day 2026: વિશ્વભરમાં આજે (22મી માર્ચ) ‘વિશ્વ જળ દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે. જળ એ જ જીવનના નારા સાથે જળ બચાવવાની શપથ લેવાના પણ કાર્યક્રમો યોજાશે. ત્યારે અમદાવાદની વાત કરીએ તો પૂર્વજોની વિરાસત સમાન અમૃત સમાન પાણીનો સંગ્રહ કરવા માટે અગાઉ જે વાવો બનાવવામાં આવી હતી તે આજે જાળવણીના અભાવે ગંદકીના ગંજમાં ફેરવાઈ ગઈ છે.
ઐતિહાસિક ધરોહર હવે માત્ર ફોટોશૂટના અડ્ડા
અમદાવાદની વિરાસત સમાન અડાલજની વાવને બાદ કરતાં આજે મોટાભાગની વાવની સ્થિતિ દયનીય બની છે. અસારવાની દાદા હરિની વાવ, માતર ભવાનીની વાવ, બાપુનગરની આશાપુરી વાવ, શ્રી મહાકાળી માતાજીની વાવ, ઉત્તમનગર બગીચાની વાવ, ઈસનપુરની જેઠાભાઈની વાવ, વાડજની વાવ, પાંચ કૂવાની અમૃત વર્ષિણી વાવ, આ દરેક નામ અજાણ્યા નથી. આ પૈકીની મોટાભાગની વાવને ઐતિહાસિક સ્મારકનો દરજ્જો પણ મળ્યો છે. પરંતુ દેખરેખ અને જરૂરી સમારકામના અભાવે વાવમાં હાલ પગ મૂકવો મુશ્કેલ છે.
વર્ષિણી વાવ, દાદા હરિની વાવ, માતર ભવાની વાવ, જેઠાભાઈની વાવ સહિતની અનેક ઐતિહાસિક વાવો તંત્રની ઘોર ઉપેક્ષાના લીધે પાણીના સંગ્રહનો સ્ત્રોત બનવાના બદલે આજે માત્ર ફોટોશૂટનું સ્થળ બની ગઈ છે! કોઈપણ આધુનિક ટેક્નોલોજી કે મશીનરી વગર બનેલું મજબૂત બાંધકામ યોગ્ય સમારકામ અને માવજતના અભાવે જર્જરિત બન્યું છે. આ વાવના પગથિયા ઉતરતા ઈતિહાસની સુગંધ આવવાના બદલે કોહવાયેલા કચરા અને દૂષિત પાણીની દુર્ગંધ લોકોનું સ્વાગત કરે છે.
આ પણ વાંચો: ઈરાન-ઈઝરાયલ યુદ્ધની રસોડા પર અસર: ગુજરાતી થાળી 20 ટકા મોંઘી, હોટલોએ વાનગીઓ ઘટાડી
વાવના બાંધકામ અતિ જર્જરિત
જળસંગ્રહ અને શુદ્ધિકરણ માટેના અનેક પ્રોજેક્ટ આજે અમલમાં છે. તેમ છતાં પાણીનો કકળાટ દૂર થવાના બદલે ધીમે ધીમે વધી રહ્યો છે. પરંતુ વડીલોએ દાયકાઓ અગાઉ જ પાણીની જરૂરિયાતને પહોંચી વળવા અમદાવાદમાં અનેક વાવનું નિર્માણ કર્યું હતું. તેમાં સંગ્રહ કરાતું પાણી વર્ષો સુધી શહેરીજનોની જરૂરિયાત સંતોષતું હતું. કેટલીક વાવના બાંધકામ અતિ જર્જરિત બન્યા છે. વાવની આસપાસ ઉગી નીકળેલાં ઝાડી-ઝાંખરા ઐતિહાસિક ધરોહરની જાળવણી બાબતે તંત્રની બેદરકારીની સાબિતી આપે છે. શહેરમાં પહેલાંથી જ પાણીના સંગ્રહ માટે આટઆટલી વાવો હયાત છે. તેની જાળવણી કરી તેને ફરી જળસંચય માટે ઉપયોગી કરી શકાય તેવા તંત્ર પાસે કોઈ આયોજન જ નથી.
પોળમાં મકાનો નીચે ટાંકાઓમાં સંગ્રહ કરાતું પાણી વર્ષો સુધી શુદ્ધ રહે છે!
ઉનાળાના પ્રારંભથી જ અમદાવાદ શહેરમાં ખાસ કરીને પૂર્વ વિસ્તારમાં પાણીનો કકળાટ શરૂ થઈ ગયો છે. પરંતુ પોળ વિસ્તારમાં વર્ષો અગાઉ ઘરનો પાયો નાંખતા પહેલાં જ ભોંયતળિયે મસમોટા ટાંકા બનાવવામાં આવતા હતા. વરસાદ સમયે આવા ટાંકાક્ષાં એકઠું કરાતું પાણી વર્ષો સુધી એવુંને એવું શુદ્ધ રહેતું લોકોને ક્યારેય પાણીની ખપ પડી ન હતી. આજે જ્યારે આધુનિક ટેક્નોલોજી અને મશીનરી પ્રાપ્ત હોવા છતાં પાણીના સંગ્રહ માટે કોઈ ચોક્કસ વ્યવસ્થા ઉભી કરી શકાતી નથી. ત્યારે આપણા વડીલોએ વર્ષો અગાઉ કરેલી આવી વ્યવસ્થા પોળરહીશો માટે વરદાનરૂપ બની છે.


