Gujarat

ગુજરાતના યુવાનોનો UPSCમાં દબદબો, SPIPAના રેકોર્ડબ્રેક 34 ઉમેદવારો સિવિલ સર્વિસમાં સફળ, જુઓ યાદી

By GS TEAM
6 Mar 20263 mins read
TukuTouch Logo
યુનિયન પબ્લિક સર્વિસ કમિશન(UPSC) દ્વારા લેવામાં આવેલી સિવિલ સર્વિસ પરીક્ષા-2025ના અંતિમ પરિણામમાં અમદાવાદની સરદાર પટેલ લોક પ્રસાશન સંસ્થા(SPIPA)માં તાલીમ લીધેલા કુલ 34 ઉમેદવારો અખિલ ભારતીય સેવા માટે પસંદગી પામ્યા છે. આમ, SPIPAના રેકોર્ડબ્રેક 34 ઉમેદવારો સિવિલ સર્વિસમાં સફળ થયા છે. જુઓ યાદી...

Summarized by AI; it may make mistakes. Check important info

ગુજરાતના યુવાનોનો UPSCમાં દબદબો, SPIPAના રેકોર્ડબ્રેક 34 ઉમેદવારો સિવિલ સર્વિસમાં સફળ, જુઓ યાદી

SPIPA 34 Candidates Succeed In UPSC : યુનિયન પબ્લિક સર્વિસ કમિશન(UPSC) દ્વારા લેવામાં આવેલી સિવિલ સર્વિસ પરીક્ષા-2025ના અંતિમ પરિણામમાં અમદાવાદની સરદાર પટેલ લોક પ્રસાશન સંસ્થા(SPIPA)માં તાલીમ લીધેલા કુલ 34 ઉમેદવારો અખિલ ભારતીય સેવા માટે પસંદગી પામ્યા છે. આમ, SPIPAના રેકોર્ડબ્રેક 34 ઉમેદવારો સિવિલ સર્વિસમાં સફળ થયા છે. જુઓ યાદી...

SPIPAના રેકોર્ડબ્રેક 34 ઉમેદવારો સિવિલ સર્વિસમાં સફળ

UPSCમાં આ વર્ષના પરિણામોમાં ફરી એકવાર દેશભરના યુવાનોએ પોતાની પ્રતિભા સાબિત કરી છે, જેમાં ખાસ કરીને ગુજરાતની SPIPAના 34 ઉમેદવારોએ ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી રાજ્યનું નામ રોશન કર્યું છે. જાહેર થયેલા લિસ્ટ મુજબ, નિસાર દિશાંતે ઓલ ઈન્ડિયા 19મો રેન્ક મેળવ્યો છે. તેમની આ સિદ્ધિ અન્ય લાખો ઉમેદવારો માટે પ્રેરણારૂપ બની છે. આ ઉપરાંત ચૌધરી વિપુલભાઈ (115મો રેન્ક), ભાવેશ જગલાન (128મો રેન્ક), પંકજ સોની (130મો રેન્ક), સૌરભ શર્મા (146મો રેન્ક) ટોપ 150માં સ્થાન હાંસલ કર્યું છે.


UPSC દ્વારા 23 મે, 2025ના રોજ યોજાયેલી સિવિલ સર્વિસ પ્રિલિમ પરીક્ષાનું પરિણામ 11 જૂન, 2025ના રોજ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં સમગ્ર ભારતમાંથી કુલ 14,161 ઉમેદવારો મુખ્ય પરીક્ષા માટે ક્વોલિફાય થયા હતા. તેમાં SPIPA ખાતે તાલીમ લીધેલા 272 ઉમેદવારોનો સમાવેશ થાય છે.


ત્યારબાદ મુખ્ય પરીક્ષાનું પરિણામ 11 નવેમ્બર 2025ના રોજ જાહેર થયું હતું, જેમાં સમગ્ર ભારતમાંથી 2376 ઉમેદવારો પર્સનાલિટી ટેસ્ટ માટે પસંદ થયા હતા. તેમાં SPIPAના 82 ઉમેદવારોનો સમાવેશ થયો હતો.

આ પણ વાંચો: UPSC CSE 2025ના પરિણામ જાહેર, 958 ઉમેદવાર સફળ, અનુજ અગ્નિહોત્રી ટોપર, ગુજરાતના 34 તારલાઓ ઝળક્યાં

ડિસેમ્બર 2025થી ફેબ્રુઆરી 2026 દરમિયાન યોજાયેલા પર્સનાલિટી ટેસ્ટના આધારે UPSC દ્વારા 05 માર્ચ 2026ના રોજ જાહેર કરાયેલા અંતિમ પરિણામમાં સમગ્ર ભારતમાંથી 958 ઉમેદવારો અખિલ ભારતીય સેવા માટે પસંદ થયા છે. આ આખરી ચયનમાં SPIPA ખાતે તાલીમ લીધેલા 34 ઉમેદવારોનો સમાવેશ થાય છે.

પર્સનાલિટી ટેસ્ટ માટે સ્પીપા દ્વારા ઉમેદવારોને નવેમ્બર 2025થી ફેબ્રુઆરી 2026 દરમિયાન વિશેષ તાલીમ આપવામાં આવી હતી. આ તાલીમમાં 15 ‘મોક ઈન્ટરવ્યુ' અને 4 વિશેષ વ્યાખ્યાનોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ઇન્ટરવ્યુ માટે નવી દિલ્હી જનાર ઉમેદવારો માટે ગુજરાત ભવન ખાતે રહેવાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.

UPSC સિવિલ સર્વિસ પરીક્ષાની વિના મૂલ્યે તાલીમ

SPIPA દ્વારા UPSC સિવિલ સર્વિસ પરીક્ષા માટે ઉમેદવારોને વિના મૂલ્યે તાલીમ, અભ્યાસ સામગ્રી, પુસ્તકાલય, વાંચનખંડ તથા ઇન્ટરનેટ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે છે. સંસ્થા દ્વારા ઉમેદવારોને માર્ગદર્શન અને શૈક્ષણિક સહાય પૂરી પાડવામાં આવતાં રાજ્યના યુવાનોને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મેળવવામાં મદદ મળી રહી છે.

રાજ્ય સરકાર દ્વારા ઉમેદવારોને પ્રોત્સાહિત કરવા વિવિધ પ્રકારની પ્રોત્સાહન સહાય પણ આપવામાં આવે છે. જેમાં પ્રિલિમ પરીક્ષાની તાલીમ માટે માસિક સહાય ઉપરાંત પ્રિલિમ તથા મુખ્ય પરીક્ષા પાસ કરનાર ઉમેદવારોને પણ નિર્ધારિત આર્થિક સહાય આપવામાં આવે છે.

સ્પીપા દ્વારા આપવામાં આવતી પ્રોત્સાહક સહાય 

પ્રિલિમ પરીક્ષાની તાલીમમાં પ્રવેશ મેળવનાર ઉમેદવારોને વધુમાં વધુ સાત મહિના માટે દર મહિને રૂ.2,000/- પ્રોત્સાહન સહાય આપવામાં આવે છે.

UPSC સિવિલ સર્વિસની પ્રિલિમ પરીક્ષા પાસ કરનાર યુવકોને રૂ.25,000/- અને યુવતીઓને રૂ.30,000/- પ્રોત્સાહન સહાય આપવામાં આવે છે.

UPSC સિવિલ સર્વિસની મુખ્ય પરીક્ષા પાસ કરનાર યુવકોને રૂ.25,000/- અને યુવતીઓને રૂ.30,000/- પ્રોત્સાહક સહાય આપવામાં આવે છે.

સિવિલ સર્વિસ પરીક્ષામાં અંતિમ પસંદગી મેળવનાર ગુજરાતના ડોમિસાઇલ ઉમેદવાર યુવકોને રૂ.51,000/- અને યુવતીઓને રૂ.61,000/- તેમજ નોન-ડોમિસાઇલ ઉમેદવાર યુવકોને રૂ.21,000/- અને યુવતીઓને રૂ.31,000/- પ્રોત્સાહક સહાય આપવામાં આવે છે.

છેલ્લા ત્રણ વર્ષના પરિણામો અનુસાર SPIPAની સફળતા નોંધપાત્ર રહી છે. વર્ષ 2023માં 26, વર્ષ 2024માં 27 અને વર્ષ 2025માં 34 ઉમેદવારો UPSC સિવિલ સર્વિસમાં અંતિમ રીતે પસંદ થયા છે.