એમડી ડ્રગ્સને લઇને જતા યુવકે કારથી પોલીસને ટક્કર મારીને ઇજા પહોંચાડી
આશ્રમ રોડ પરની ઘટના
બહેરામપુરામાં રહેતો ડ્રગ્સ સપ્લાયર આશ્રમ રોડ પર ડ્રગ્સ આપવા માટે જતો હતોઃ એસઓજીએ ગુનો નોધ્યો
અમદાવાદ,શુક્રવાર
શહેરમાં ડ્રગ્સ સાથે સંકળાયેલા માથાભારે તત્વોનો આતંક સતત વધી રહ્યો છે. શહેરના આશ્રમ રોડ પર એસઓજીના
સ્ટાફ દ્વારા બાતમીના આધારે એક ડ્રગ્સ માફિયાની કારનો પીછો કરતા કારચાલકે પોલીસના
બાઇકને ટક્કર મારીને કોન્સ્ટેબલને ઇજા પહોંચાડી હતી. પોલીસને ઝડપાયેલા યુવક પાસેથી
એમ ડી ડ્રગ્સ મળી આવ્યું હતું. જે કોઇ ગ્રાહકને સપ્લાય કરવા જતો હતો.
સ્પેશીયલ ઓપરેશન ગુ્રપના અધિકારીઓને બાતમી મળી હતી કે બહેરામપુરામાં રહેતો મોહંમદ
હમજા ગુરૂવારે સાંજે તેની એસયુવી કાર લઇને આશ્રમ રોડ પર એમ ડી ડ્રગ્સ વેચાણ કરવા માટે આવવાનો છે. જેના આધારે પીઆઇ વી એચ જોષી અને તેમના
સ્ટાફે આશ્રમ રોડ પર વોચ ગોઠવીને શંકાસ્પદ કારના ચાલકને ઉભા રહેવા માટે ઇશારો કર્યો
હતો.
પંરંતુ, તેણે પુરઝડપે હંકારી હતી. જેથી હેડ કોન્સ્ટેબલ વિજયસિંહે તેમના બાઇકથી પીછો કર્યો હતો અને કારને આંતરવા જતા કારચાલકે બાઇકને ટક્કર મારી હતી અને રીવર્સ લેતા સમયે અન્ય એક પોલીસ કર્મીને પણ અડફેટે લીધા હતા. જો કે આ સમયે અન્ય સ્ટાફે હિંમત કરીને કારનો દરવાજો ખોલીને ચાલકને ઝડપી લીધો હતો.પુછપરછમા આરોપી યુવકનું નામ મોહંમદ હમજા શેખ (રહે.અલ સબા રામરહીમ નગર, બહેરામપુરા) હોવાનું જાણવા મળ્યું હતું. તપાસ દરમિયાન તેની પાસેથી રૂપિયા છ લાખની કિંમતનું ૬૦ ગ્રામ એમ ડી ડ્રગ્સ મળી આવ્યું હતું. મોહંમદ હમજાની પુછપરછમાં જાણવા મળ્યું હતું કે તે પટવા શેરીમાં રહેતા મકબુલ પઠાણ નામના વ્યક્તિ પાસેથી ડ્રગ્સ લાવતો અને સ્થાનિક બજારમાં વેચાણ કરતો હતો. આ અંગે એસઓજીએ ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.