બ્રાંડેડ બનાવટી સિગારેટના મોટા જથ્થા સાથે બે વેપારીઓને ઝડપી લેવાયા
અમદાવાદ ક્રાઇમબ્રાંચ એસઓજીની કાર્યવાહી
દિલ્હી - મધ્યપ્રદેશથી ડુપ્લીકેટ સિગારેટનો જથ્થો લાવવામાં આવતો હતોઃ સ્થાનિક બજારમાં મોટાપાયે વેચાણ થતુ હતુ
અમદાવાદ,શુક્રવાર
અમદાવાદ ક્રાઇમબ્રાંચના સ્પેશીયલ ઓેપરેશન ગુ્રપના સ્ટાફે ઓઢવમાં દરોડો પાડીને બ્રાંડેડ ડુપ્લીકેટ સિગારેટના ૨૫૦૦થી વધુ પેકેટનો જથ્થો જપ્ત કરીને બે વેપારીઓ વિરૂદ્ધ કાર્યવાહી કરી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે દિલ્હી અને મધ્યપ્રદેશથી ડુપ્લીકેટ સિગારેટનો જથ્થો મંગાવીને અમદાવાદમાં સ્થાનિક બજારમાં મોટાપાયે વેચાણ કરતા હતા.
શહેરના વસ્ત્રાપુરમાં આવેલા શ્રીજી ટાવરમાં રહેતા દર્શક પારેખને ચોક્કસ બાતમી મળી હતી કે ઓઢવ છોટાલાલની ચાલી પાસે આવેલા નવદુર્ગા ટ્રેડર્સ અને મહાકાળી સ્ટોર પર બ્રાંડેડ કંપનીના નામે ડુપ્લીકેટ સિગારેટ લાવીને અમદાવાદમાં વેચાણ કરવામાં આવે છે. જેના આધારે સ્પેશીયલ ઓપરેશન ગુ્રપના અધિકારીઓેને સાથે રાખીને દરોડો પાડવામાં આવ્યો હતો.
જેમાં પોલીસને બંને દુકાનોમાંથી ૨૫૦૦ જેટલા બોક્ષ ડુપ્લીકેટ સિગારેટના મળી આવ્યા હતા. પોલીસને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે આ સિગારેટનો જથ્થો દિલ્હીછી અને મધ્યપ્રદેશથી લાવવામાં આવતો હતો. જેને ગેરકાયદે તૈયાર કરીને બ્રાંડેડ સિગારેટના ભાવે પાન શોપમાં વેચાણ કરવામાં આવતું હતું. આ અંગે પોલીસે દેવેન્દ્ર નાયક ( યામીની પાર્ક, અંબિકાનગર, ઓઢવ) અને ચંદ્રેશ ઠક્કર (કર્ણાવતી બંગ્લોઝ, વસ્ત્રાલ)ની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી કરી છે.