ગાંધીધામમાં બેંકો સાથે ૧૩.૫૫ કરોડની છેતરપિંડી કરનાર ગઠીયો ઝડપાયો
દુબઇથી એક સપ્તાહ પહેલા અમદાવાદ આવ્યો હતો
કરોડોની છેતરપિંડીના કેસની તપાસમાં આદીપુર પોલીસે લુક આઉટ નોટિસ ઇસ્યુ ન કરી મોટી બેદરકારી દાખવી
અમદાવાદ,શનિવાર
અમદાવાદના સ્પેશીયલ ઓપરેશન ગુ્રપના અધિકારીઓએ એરપોર્ટ પાસે આવેલી એક હોટલમાંથી કરોડો રૂપિયાના છેતરપિંડીના કેસના વોન્ટેડ આરોપીને ઝડપી લીધો હતો. કચ્છમાં આવેલી ૧૯ બેંકો સાથે ૧૩.૫૫ કરોડની છેતરપિંડી કરીને દુબઇ જતો રહ્યો હોવા છતાંય, આદીપુર પોલીસે આરોપી વિરૂદ્ધ લુક આઉટ નોટિસ ઇસ્યુ કરી નહોતી. જેના કારણે આરોપી અનેકવાર ભારત આવ્યો હોવા છતાંય, પોલીસના હાથે ઝડપાયો નહોતો.
અમદાવાદ ક્રાઇમબ્રાંચના સ્પેશીયલ ઓપરેશન ગુ્રપના અધિકારીઓને બાતમી મળી હતી કે કચ્છના ગાંધીધામ આદીપુરમાં ૧૯ જેટલી બેંકો સાથે ૧૩.૫૫ કરોડની છેતરપિંડી આચરીને દુબઇ ફરાર થઇ ગયેલો દિલીપ રમેશ સંગતાણી (રહે.સાધુ વાસવાણીનગર, ગાંધીધામ, કચ્છ) એરપોર્ટ પાસેની મહેર-ઇન નામની હોટલમાં રોકાયો છે. જે બાતમીના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર ડી પી ઉનડકડ અને પી વી દેસાઇ સહિતના સ્ટાફે ગત રાત્રીએ દરોડો પાડીને દિલીપ સંગતાણીને ઝડપી લીધો હતો. આ અંગે માહિતી આપતા એસઓજીના ડીવાયએસપી બી સી સોંલકીએ જણાવ્યું કે દિલીપ સંગતાણી એક સપ્તાહ પહેલા અમદાવાદ આવ્યો હતો અને આગામી ૩જી સપ્ટેમ્બરે દુબઇ પરત જવાનો હતો. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આદીપુર પોલીસે આરોપીને ઝડપી લેવા માટે લુક આઉટ નોટીસ ઇસ્યુ કરી નહોતી. જેથી અગાઉ પણ અમદાવાદ આવ્યો ત્યારે તેને ઝડપી શકાયો નહોતો. આ અંગે કચ્છના ઉચ્ચ અધિકારીઓને જાણ પણ કરવામાં આવી છે. હાલ તે અમદાવાદમાં કોને મળવા આવ્યો હતો? તેને કોણે મદદ કરી હતી? તે બાબતે તપાસ શરૂ કરવામાં આવી છે.