Get The App

અમદાવાદમાં સિગારેટના પૈસા બાબતે લોહિયાળ ખેલ: ત્રણ યુવકો દુકાનદાર પર કર્યો જીવલેણ હુમલો

Updated: Dec 8th, 2025

GS TEAM

Google News
Google News
અમદાવાદમાં સિગારેટના પૈસા બાબતે લોહિયાળ ખેલ: ત્રણ યુવકો દુકાનદાર પર કર્યો જીવલેણ હુમલો 1 - image

Ahmedabad Crime News: અમદાવાદના મીરજાપુરમાં આવેલી એક કરિયાણાની દુકાનમાં ગત રાત્રે (રવિવારે) સિગારેટના પૈસાના મામલે ભારે હિંસક ઘટના બની છે. લોધવાડ વિસ્તારમાં ન્યૂ માર્કેટ જનરલ સ્ટોર્સના માલિક મોહમદ યુનુસ મન્સુરીએ સિગારેટના પૂરા પૈસાની માંગણી કરતા ગ્રાહક અને તેના બે ભાઈઓ ઉશ્કેરાઈ ગયા હતા. આ ત્રણ આરોપી ભાઈઓએ દુકાનમાં ઘૂસી જઈને વેપારી પર જીવલેણ હુમલો કર્યો હતો અને તોડફોડ કરી ભારે નુકસાન પહોંચાડ્યું હતું. આ સમગ્ર ઘટનાને લઈને શાહપુર પોલીસ સ્ટેશનમાં ત્રણેય આરોપી ભાઈઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે.

આ ઘટનાની વિગત મુજબ રાત્રે આશરે આઠ વાગ્યાની આસપાસ આરીફ નફીસ અહેમદ કુરેશી નામનો આરોપી દુકાને આવ્યો હતો અને અડધા પૈસા આપીને બે સિગારેટની માંગ કરી હતી. વેપારીએ ઇનકાર કરતા જ આરીફે ગાળાગાળી શરૂ કરી હતી. થોડી જ વારમાં આરીફના બે ભાઈઓ ખાલીદ અને વાજીદ પણ ત્યાં આવી પહોંચ્યા હતા. ત્રણેય ભાઈઓએ દુકાનમાં રહેલી કાચની બરણીઓ અને ઈંડા તોડી નાખીને ભારે નુકસાન પહોંચાડ્યું હતું. ત્યારબાદ તેમણે દુકાન માલિક યુનુસ મન્સુરીને ગડદાપાટુનો માર માર્યો હતો. હુમલા દરમિયાન આરોપી આરીફે બરફ તોડવાના લોખંડના સોયા વડે યુનુસના ડાબા ખભા પર ઉભો ઘા માર્યો હતો, જેના કારણે તેમને ગંભીર ઈજા પહોંચી હતી.

વેપારીની બૂમાબૂમથી આસપાસના લોકો ભેગા થવા લાગ્યા. જેનો લાભ લઈને આરોપી આરીફે તુરંત જ કેશ કાઉન્ટરનું ડ્રોવર ખોલીને રોકડ રકમની લૂંટ ચલાવી હતી. લૂંટ બાદ ત્રણેય આરોપીઓએ મોહમદ યુનુસ અને તેમના પિતાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. એટલું જ નહીં, જો પોલીસ ફરિયાદ કરવામાં આવશે તો દુકાનને સળગાવી દેવાની પણ ધમકી આપીને તેઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા. વેપારીની ફરિયાદના આધારે શાહપુર પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.