Get The App

અમદાવાદમાં પોલીસ કોન્સ્ટેબલની હત્યા કરી પત્નીનો આપઘાત, આડાસંબંધના કારણે ખેલાયો ખૂની ખેલ

Updated: Aug 4th, 2025

GS TEAM

Google News
Google News
અમદાવાદમાં પોલીસ કોન્સ્ટેબલની હત્યા કરી પત્નીનો આપઘાત, આડાસંબંધના કારણે ખેલાયો ખૂની ખેલ 1 - image


Ahmedabad News: રાજ્યમાં મારામારી, હત્યા, આપઘાત સહિતની ઘટનાઓ સામે આવતી હોય છે, ત્યારે અમદાવાદથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યાં પત્નીએ પોલીસ પતિના માથાના ભાગે બોથડ પદાર્થના ઘા મારતા મોત નીપજ્યું હતું. દાણીલીમડા પોલીસ લાઈનમાં ઘટેલી આ ઘટનામાં પતિનું મોત નીપજ્યું હોવાનું જણાતાં પત્નીએ ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. સમગ્ર ઘટનાને લઈને પોલીસ ઘટનાસ્થળે દોડી પહોંચી હતી અને હત્યા-આત્મહત્યા મામલે વધુ તપાસ હાથ ધરી છે. 

પતિના માથાના ભાગે મારતા મોત, બાદમાં પત્નીએ આપઘાત કરી લીધો

પ્રાથમિક તપાસ મુજબ, અમદાવાદ શહેરના દાણીલીમડા પોલીસ લાઈન ખાતે રહેતા મુકેશભાઈ પરમાર (ઉં.વ.34) A ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા. આજે (4 ઓગસ્ટ) સવારે મુકેશ અને તેમના પત્ની સંગીતા વચ્ચે ઝઘડો થયો હતો, જેમાં પાડોશીએ દરમિયાનગીરી કરીને મામલો થાળે પાડ્યો હતો. જોકે, બપોર બાદ ફરી તણાવ વધ્યો હતો. બીજી વારના ઝઘડામાં મુકેશે કથિત રીતે પત્ની સંગીતાને હેલ્મેટ મારતા, ગુસ્સે ભરાયેલી સંગીતાએ પલંગનો પાયો મુકેશના માથામાં ફટકાર્યો હતો. માથામાં ગંભીર ઈજા થતાં મુકેશ લોહીલુહાણ થઈને ઢળી પડ્યા હતા. આ ઘટનાથી ગભરાઈને સંગીતા ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો.

ઘટના સમયે ઘરમાં હાજર તેમનો આઠ વર્ષનો પુત્ર ગભરાઈને મદદ માટે બહાર ભાગ્યો હતો. બાળક બહાર રડતા રડતા મદદ માટે બૂમો પાડતા પાડોશીઓ એકઠા થયા અને પોલીસને જાણ કરી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને બંને પતિ-પત્નીને મૃત જાહેર કર્યા અને તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા. આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

અમદાવાદમાં પોલીસ કોન્સ્ટેબલની હત્યા કરી પત્નીનો આપઘાત, આડાસંબંધના કારણે ખેલાયો ખૂની ખેલ 2 - image

આ પણ વાંચો: અમદાવાદનો આ બ્રિજ ખૂબ જર્જરિત હોવાથી બંધ કરાયો, ભારે વાહનોને ડાયવર્ઝન અપાયું

પોલીસકર્મી મુકેશ મૂળ રાજકોટ જિલ્લાના વિંછીયા તાલુકાના ખડકાણા ગામના વતની હોવાનું સામે આવ્યું છે. મૃતક મુકેશ 7 માર્ચ, 2012થી ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા હતા અને 20 ડિસેમ્બર, 2023ના રોજ શહેરના ટ્રાફિક વિભાગમાં જોડાયા હતા.

પતિના આડાસંબંધના કારણે ખેલાયો ખૂની ખેલ

પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે, વારંવાર થતાં ઘર કંકાસ ઉપરાંત મુકેશનો સુરેન્દ્રનગરની એક મહિલા સાથે આડાસંબંધ હોવાની પણ પ્રાથમિક તપાસમાં વિગતો સામે આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, મુકેશ સમયાંતરે તે મહિલા સાથે રહેતા હતા, જેના કારણે પતિ-પત્ની વચ્ચે વારંવાર ઝઘડા થતા હતા. આ ઘટના પહેલાં પણ બંને વચ્ચે આ મુદ્દે ઝઘડો થયો હોવાની શક્યતા છે. પોલીસ મહિલા સહિત અને અન્ય સંબંધીઓની પૂછપરછ કરીને ઘટનાના મૂળ કારણ સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે.


Tags :