Ahmedabad News: અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર શનિવારે એક અત્યંત કરુણ ઘટના બની છે. મણિનગર વિસ્તારમાં રહેતા માતા અને તેમના 48 વર્ષીય પુત્રએ વલ્લભ સદન બોટિંગ વિસ્તાર નજીક નદીમાં છલાંગ લગાવીને આપઘાત કરી લીધો હતો. ફાયર વિભાગની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી બંનેના મૃતદેહને બહાર કાઢ્યા હતા.
મૃતકોના આધાર કાર્ડ મળતા ઓળખ શક્ય બની
મળતી માહિતી મુજબ, અમદાવાદ શહેરના મણિનગર વિસ્તારમાં રહેતા 74 વર્ષીય પ્રવીણાબેન પંડ્યા અને તેમનો 48 વર્ષીય પુત્ર જગદીશ પંડ્યા શનિવારે બપોરના સમયે રિવરફ્રન્ટ વોક-વે પર આવ્યા હતા. આ દરમિયાન બંનેએ સાથે મળીને નદીના પાણીમાં ઝંપલાવ્યું હતું. થોડા સમય બાદ નદીમાં બે મૃતદેહ તરતા દેખાતા ત્યાં તહેનાત સિક્યોરિટી ગાર્ડ ચોંકી ઉઠ્યા હતા. તેણે રિવર રેસ્ક્યૂ ટીમ અને પોલીસને આ અંગે જાણ કરી હતી.
ફાયર વિભાગની રિવર રેસ્ક્યૂ ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી બંનેના મૃતદેહને બહાર કાઢ્યા હતા. મૃતકો પાસેથી મળી આવેલા આધાર કાર્ડ અને અન્ય દસ્તાવેજોના આધારે તેમની ઓળખ શક્ય બની હતી. પોલીસે ઓળખના આધારે મણિનગર સ્થિત તેમના પરિવારનો સંપર્ક કર્યો હતો. પરિવારજનોએ સ્થળ પર પહોંચી મૃતદેહોની ઓળખ કરી હતી, ત્યારબાદ બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડાયા હતા.
આપઘાતનું કારણ અકબંધ
આટલી મોટી ઉંમરે માતા અને પુત્રએ સાથે મળીને આવું અંતિમ પગલું કેમ ભર્યું, તે હજુ સુધી જાણી શકાયું નથી. રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસે આકસ્મિક મૃત્યુનો ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસ વિસ્તારના સીસીટીવી કેમેરા ચેક કરી રહી છે જેથી જાણી શકાય કે તેઓ કયા સમયે અને ક્યાંથી આવ્યા હતા.
આત્મહત્યા એ કોઈપણ સમસ્યાનું સમાધાન નથી. જો તમે અથવા તમારા કોઈ પરિચિત માનસિક તણાવ અનુભવી રહ્યા હોય અથવા નકારાત્મક વિચારોથી ઘેરાયેલા હોય, તો ગભરાશો નહીં. તમે નિઃસંકોચપણે સહાય મેળવી શકો છો. ગુજરાત સરકારની હેલ્પલાઇન 'જીવન આસ્થા' (1800 233 3330) પર 24 કલાક નિષ્ણાતો દ્વારા વિનામૂલ્યે અને ખાનગી રીતે કાઉન્સેલિંગ પૂરું પાડવામાં આવે છે. યાદ રાખો, તમારું જીવન અમૂલ્ય છે.


