Get The App

અમદાવાદીઓ માટે મોટી રાહત, બુલેટ ટ્રેનનું કામ વહેલું પૂર્ણ થતાં શાહીબાગ અંડર બ્રિજ ફરી શરુ કરાયો

Updated: Jan 28th, 2026

GS TEAM

Google News
Google News
અમદાવાદીઓ માટે મોટી રાહત, બુલેટ ટ્રેનનું કામ વહેલું પૂર્ણ થતાં શાહીબાગ અંડર બ્રિજ ફરી શરુ કરાયો 1 - image


Ahmedabad News: અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ છેડાને જોડતાં મહત્ત્વપૂર્ણ શાહીબાગ અંડર બ્રિજને આજથી (28મી જાન્યુઆરી) વાહનચાલકો માટે ફરીથી ખૂલ્લો મૂકી દેવામાં આવ્યો છે. નેશનલ હાઇસ્પીડ રેલ કોર્પોરેશન દ્વારા બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી અપેક્ષિત ગતિ કરતાં વધુ ઝડપથી પૂર્ણ કરવામાં આવતા આ સફળતા મળી છે. પોલીસ કમિશ્નરના જાહેરનામા મુજબ, આ બ્રિજ જે સમયે ખૂલવાનો હતો, તેના કરતાં આશરે 16 કલાક અગાઉ જ ટ્રાફિક માટે કાર્યરત કરી દેવાતાં ઍરપોર્ટ તરફ જતાં મુસાફરો અને સ્થાનિક રહીશોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે.



5 દિવસ માટે વાહનોની અવરજવર માટે બંધ કરાયો હતો

નોંધનીય છે કે, બુલેટ ટ્રેનના ગર્ડર લોન્ચિંગ જેવી જટિલ કામગીરી માટે આ અંડર બ્રિજ ગત 23મી જાન્યુઆરીથી 5 દિવસ માટે તમામ પ્રકારના વાહનો માટે બંધ કરવામાં આવ્યો હતો. વહીવટી તંત્રના આયોજન મુજબ આ માર્ગ 28મી જાન્યુઆરીની મધરાતે 12 કલાકે શરુ થવાનો હતો, પરંતુ તંત્રની સતર્કતા અને ઝડપી કામગીરીને લીધે 28મી જાન્યુઆરીની વહેલી સવારથી જ અહીં વાહનોની અવરજવર શરુ કરી દેવાઈ છે. આ નિર્ણયને કારણે દિલ્હી દરવાજા અને શાહીબાગ વિસ્તારમાંથી ઍરપોર્ટ તરફ જતાં હજારો વાહનચાલકોને હવે લાંબા અંતરના ફેરા અને સમયના વેડફાટમાંથી મુક્તિ મળી છે.

આ પણ વાંચો: અમદાવાદ ઍરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ઈ-મેઇલથી ધમકી, ઍરપોર્ટ સિક્યુરિટીએ નોંધાવી ફરિયાદ

છેલ્લા પાંચ દિવસથી અંડર બ્રિજ બંધ હોવાને કારણે વાહનચાલકોને ગિરધરનગર રેલવે ઓવર બ્રિજ અને ડફનાળા રિવરફ્રન્ટ જેવા વૈકલ્પિક રૂટ પરથી પસાર થવું પડતું હતું, જેને પરિણામે આ વિસ્તારોમાં પીક અવર્સ દરમિયાન ભારે ટ્રાફિક જામની સમસ્યા સર્જાતી હતી. સુભાષ બ્રિજ પર પણ હાલ કામગીરી ચાલતી હોવાથી વાહનચાલકો બેવડી મુશ્કેલી અનુભવી રહ્યા હતા, પરંતુ શાહીબાગ અંડર બ્રિજ અચાનક વહેલો શરુ થઈ જતાં શહેરના ટ્રાફિકનું ભારણ ઘટ્યું છે અને વાહન વ્યવહાર ફરી એકવાર સંપૂર્ણપણે પૂર્વવત્ થયો છે.