Get The App

શહેરના કેટલાંક પીઆઇના માનીતા સ્ટાફની બદલી છતાંય, ચાર્જ ન છોડાયો

૫૨૫ પોલીસ સ્ટાફની બદલીનો મામલો

અનેક પોલીસ ઇન્સ્પેક્ટર પોલીસ કમિશનરના બદલીના હુકમને પણ ગણકારતા ન હોવાની પોલીસ બેડામાં ચર્ચા

Updated: Oct 13th, 2025

GS TEAM

Google News
Google News
શહેરના કેટલાંક પીઆઇના માનીતા સ્ટાફની બદલી છતાંય, ચાર્જ ન છોડાયો 1 - image

અમદાવાદ,સોમવાર

અમદાવાદના પોલીસ કમિશનરે થોડા દિવસ પહેલા ૫૦૦થી વધારે પોલીસ કર્મીઓની આંતરિક બદલીના હુકમ કર્યો હતો. જેમાં શહેરના એક જ પોલીસ સ્ટેશનમાં પાંચ વર્ષ સુધી નોકરી કરતા  પોલીસ કર્મચારીઓની બદલી કરવામાં આવી હતી.

પરંતુ, શહેરના કેટલાંક પોલીસ ઇન્સ્પેક્ટરોના માનીતા પોલીસ કોન્સ્ટેબલોને પોલીસ સ્ટેશનથી છુટા કરાયા નથી. જેના કારણે  પોલીસ બેડામાં રોષ જોવા મળી રહ્યો છે. અમદાવાદના પોલીસ સ્ટેશન, ક્રાઇમબ્રાંચ, ટ્રાફિક વિભાગ તેમજ અન્ય સ્થળે સતત પાંચ વર્ષ સુધી સતત નોકરી કરતા પોલીસ કર્મચારીઓની યાદી તૈયાર કરીને પોલીસ કમિશનર જી એસ મલિકે એક સાથે તમામની બદલીનો હુકમ કર્યો હતો. જેમાં તાત્કાલિક અસરથી તમામને બદલીના પોલીસ સ્ટેશનમાં હાજર થવાની સુચના આપી હતી. તેમજ પોલીસ ઇન્સ્પેક્ટરને પણ તાકીદ કરી હતી કે પોલીસ કર્મીઓને છુટા કરવા. પરંતુ, શહેરના  કેટલાંક પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીઓએ કમિશનરના હુકમને અવગણ્યો હોય તેવો ઘાટ ઉભો થયો છે.

શહેરના અનેક પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીઓએ તેમના માનીતા સ્ટાફની બદલી થઇ હોવા છતાંય, તેમની સત્તાનો ખોટો ઉપયોગ કરીને સ્ટાફને પોલીસ સ્ટેશનથી છુટો કર્યો નથી. જેના કારણે પોલીસ સ્ટેશનમાંથી બદલી થયેલા અન્ય પોલીસ કર્મચારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.

સૌથી નવાઇની વાત એ છે કે અનેક પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા બદલી કરાયેલા માનીતા સ્ટાફની બદલીનો હુકમ રદ કરવા માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓને મનાવવાનું શરૂ  કર્યું  હોવાનું જાણવા મળ્યું છે.

Tags :