Get The App

અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં હત્યા બાદ વાલીઓનો રોષ, LC લેવા માટે 100થી વધુ અરજીઓ મળી

Updated: Aug 28th, 2025

GS TEAM

Google News
Google News
અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં હત્યા બાદ વાલીઓનો રોષ, LC લેવા માટે 100થી વધુ અરજીઓ મળી 1 - image


Ahmedabad Sevanth Day School : અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યાના ચકચારી કિસ્સા બાદ વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ ઘટનાને પગલે છેલ્લા ત્રણ દિવસમાં 100થી વધુ વાલીઓએ પોતાના બાળકોનું સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ (LC) કઢાવવા માટે અરજી કરી છે. વાલીઓની મુખ્ય ચિંતા તેમના બાળકોની સુરક્ષા અને તેમના શિક્ષણની છે.

આ સંવેદનશીલ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) રોહિત ચૌધરીએ એક મહત્વનો નિર્ણય લીધો છે. તેમણે વિદ્યાર્થીઓનું ભણતર ખોરવાય નહીં તે માટે એક વચગાળાનું આયોજન કર્યું છે. DEO કચેરીના ચાર અધિકારીઓની એક ખાસ ટીમની રચના કરવામાં આવી છે અને તેમને સ્કૂલમાં જ તૈનાત કરવામાં આવ્યા છે.

આ ટીમનું મુખ્ય કાર્ય વાલીઓના પ્રશ્નોનું નિરાકરણ કરવાનું અને જે વાલીઓ પોતાના બાળકોનો પ્રવેશ રદ કરાવીને અન્ય કોઈ સ્કૂલમાં દાખલ કરવા ઈચ્છે છે, તેમને જરૂરી માર્ગદર્શન અને મદદ પૂરી પાડવાનું છે. આ પગલાંથી વાલીઓને સરળતાથી LC મળી રહે અને તેમના બાળકોના ભવિષ્ય પર કોઈ નકારાત્મક અસર ન પડે તેની ખાતરી આપવામાં આવી છે.

પ્રોવિઝનલ એડમિશનની સુવિધા

સૌથી મહત્ત્વની વાત એ છે કે, હાલમાં સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ (LC) વિના પણ વિદ્યાર્થીઓને અન્ય શાળાઓમાં પ્રોવિઝનલ એડમિશન આપીને તેમનો અભ્યાસ શરૂ કરાવી દેવામાં આવશે. DEO દ્વારા મણિનગર અને તેની આસપાસની શાળાઓને આ અંગે સૂચના પણ આપવામાં આવી છે કે તેઓ સેવન્થ ડે સ્કૂલના વિદ્યાર્થીઓને સરળતાથી પ્રવેશ આપે.

વાલીઓ હવે સીધા DEO કચેરીના અધિકારીઓનો સંપર્ક કરીને તેમના બાળકનું એડમિશન સેવન્થ ડે સ્કૂલમાંથી કઢાવીને અન્ય સ્કૂલમાં મેળવી શકશે. આ પગલાંથી વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડે નહીં તેની ખાતરી કરવામાં આવી છે.

શું હતી ઘટના? 

અમદાવાદમાં ધોરણ-8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ અન્ય 7-8 વિદ્યાર્થીઓ સાથે મળીને 10માં ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી પર હુમલો કરતા તેને ચપ્પુ મારી દીધું હતું. હકીકતમાં, હુમલો કરનાર વિદ્યાર્થી અને પીડિત વિદ્યાર્થીનો થોડા દિવસ પહેલાં ધક્કામુક્કીના મામલે ઝઘડો થયો હતો. આ ઝઘડાની અદાવત રાખી આરોપી વિદ્યાર્થીએ સ્કૂલમાંથી છૂટ્યા બાદ 7-8 અન્ય વિદ્યાર્થીને ભેગા કરી બદલો લેવા માટે ધોરણ-10માં અભ્યાસ કરતા વિદ્યાર્થી પર ચપ્પાનો વાર કર્યો હતો. ત્યારબાદ વિદ્યાર્થી લોહીલુહાણ થઈ ગયો અને બાદમાં તેને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જોકે, સારવાર દરમિયાન હવે વિદ્યાર્થીનું મોત નિપજ્યું હતું.


Tags :