આરોપી વસીમ પઠાણની જામીન અરજી વધુ એકવાર કોર્ટે નામંજુર કરી
મિરઝાપુરમાં યુવકની હત્યા કેસનો મામલો
પત્નીની સારવારનું કારણ આપીને ૨૦ દિવસના જામીન માંગ્યા હતાઃ આરોપી કેસમાં ચેડા કરી શકે તેવી શક્યતા
અમદાવાદ, શુક્રવાર
મિરઝાપુરમાં આશરે બે વર્ષ પહેલા વસીમ પઠાણ, તેના ત્રણ ભાઇ અને પિતાએ સાથે મળીને બિલાલ બેલીમ નામના યુવકની છરીને ૪૦ જેટલા ઘા ઝીંકીને હત્યા કરી હતી. આ કેસના આરોપી વસીમ પઠાણે સેશન્સ કોર્ટમાં પત્નીની બિમારીનું કારણ આપીને ૨૦ દિવસના જામીન માંગ્યા હતા. પરંતુ, કોર્ટે આરોપીનો ગુનાહિત ઇતિહાસ અને પત્નીની સારવારનું કારણ યોગ્ય ન લાગતા તેના જામીન નામંજૂર કર્યા હતા.
મિરઝાપુરમાં રહેતા બિલાલ બેલીમની મિરઝાપુરમાં કરીમ પઠાણ , તેના પુત્ર વસીમ પઠાણ અન અન્ય ત્રણ પુત્રોએ સાથે મળીને ધધાકીય અદાવત રાખીને આશરે બે વર્ષ પહેલા છરીના ૪૦થી વધારે ઘા ઝીકીને ક્રુર હત્યા કરી હતી. આ કેસમાં શાહપુર પોલીસે પિતા પુત્ર સહિત પાંચેય આરોપીઓને જેલ હવાલે કર્યા હતા. આ કેસમાં તમામ આરોપીઓએ અગાઉ સેશન્સ અને હાઇકોર્ટમાં જામીન અરજી કરી હતી. પરંતુ, મોટાભાગની અરજીમાં સારવાર અને આર્થિક કારણ આપવામાં આવતા કોર્ટે અનેકવાર જામીન અરજી નામંજૂર કરી હતી. ત્યારે વસીમ પઠાણે સેશન્સ કોર્ટમાં ૨૦ દિવસના જામીનની અરજી કરી હતી. જેમાં તેણે રજૂઆત કરી હતી કે તે ૨૦ મહિનાથી જેલમાં છે અને તેના પરિવારની આર્થિક સ્થિતિ નબળી છે. તેના પરિવારજનો પણ જેલમાં છે. સાથેસાથે પત્નીને ગાંઠ થયેલી છે અને ગર્ભની કોથળીમાં પણ ગાંઠ છે. પરંતુ, નાણાંકીય કારણસર સારવાર થઇ શકે તેમ નથી. પરંતુ, સરકારી વકીલે દલીલ કરી હતી કે આરોપી વિરૂદ્ધ અગાઉ પણ ગુના નોંધાયા છે. સાથેસાથે તેણે પત્નીની સારવાર માટેનું મેડીકલ સર્ટીફિકેટ પણ રજૂ કર્યું નહોતું.ત્યારે આરોપી જામીન મુક્ત થાય તો ફરિયાદીને સમાધાન માટે ધમકી આપી શકે છે. જેથી જામીન અરજી રીજેક્ટ કરવા માટે રજૂઆત કરી હતી. જેના આધારે સેશન્સ કોર્ટના જજ એચ જી પંડયાએ જામીન અરજી નામંજૂર કરી હતી.