અમદાવાદની 4 સ્કૂલોમાં બાળકો સાથે ભેદભાવની ફરિયાદ, RTE અંતગર્ત લીધા હતા એડમિશન
Right To Education News : રાઈટ ટુ એજ્યુકેશન (RTE) અંતગર્ત એડમિશન મેળવેલા બાળકો સાથે શાળાઓ દ્વારા ભેદભાવ કરવામાં આવતો હોવાની ફરિયાદનો મુદ્દો આજે ગુજરાત વિધાનસભાના ગૃહમાં ઉછળ્યો હતો. કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ આ મુદ્દે પ્રશ્ન ઉઠાવતા રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોળ દ્વારા આ અંગેની માહિતી આપવામાં આવી હતી.
ઇમરાન ખેડાવાલાએ જણાવ્યું હતું કે 'અમદાવાદ શહેર અને જિલ્લામાં આરટીઈ પ્રવેશના બાળકો સાથે ભેદભાવ કરવામાં આવે છે. તેમણે સરકારને પૂછ્યું કે આ અંગે કેટલી ફરિયાદો મળી છે અને શું કાર્યવાહી કરવામાં આવી છે'. તેના જવાબમાં સરકારે જણાવ્યું કે અમદાવાદ શહેરની 4 શાળાઓ સામે આ પ્રકારની ફરિયાદ મળી છે અને તેમને નોટિસ પણ પાઠવવામાં આવી છે.
ખેડાવાલાએ વધુમાં જણાવ્યું કે 'અમદાવાદ જિલ્લામાં જે બાળકોને પ્રવેશ મળે છે તેમને અન્ય બાળકોથી અલગ રાખવામાં આવે છે, તેમને રમત-ગમતના સાધનો વાપરવા દેવામાં આવતા નથી, અને તેમની સાથે અલગ વર્તન કરવામાં આવે છે. તેમણે આક્ષેપ કર્યો કે સરકારે માત્ર નોટિસ આપવાની કાર્યવાહી કરી છે, પરંતુ કોઈ દંડાત્મક પગલાં લીધા નથી.'
ખેડાવાલાએ ચિંતા વ્યક્ત કરી હતી કે રાજ્યમાં આરટીઈ હેઠળ થતા એડમિશનમાં આવી ઘટનાઓના કારણે બાળકો શાળાઓ છોડી દે છે. તેમણે સરકારને આ મુદ્દે ગંભીરતાથી પગલાં લેવા અને બાળકોના અધિકારોનું રક્ષણ કરવા અનુરોધ કર્યો હતો.