AI IMAGE |
Ahmedabad News : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ(GSEB)ની પરીક્ષાઓના અંતિમ દિવસે જ અમદાવાદ શહેરની અનેક પ્રતિષ્ઠિત શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં સમગ્ર શિક્ષણ જગત અને પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ છે. અજાણ્યા સ્ત્રોત દ્વારા મોકલવામાં આવેલા ઈ-મેઇલે હજારો વિદ્યાર્થીઓ અને વાલીઓના જીવ અદ્ધર કરી દીધા છે.
જાણીતી શાળાઓ બની નિશાન
પ્રાપ્ત વિગતો અનુસાર, શહેરના પશ્ચિમ વિસ્તારની અગ્રણી શાળાઓને નિશાન બનાવવામાં આવી છે. જેમાં મેમનગરની મહારાજા અગ્રસેન સ્કૂલ, ઘાટલોડિયાની કેલોરેક્સ સ્કૂલ અને શાંતિ એશિયાટિક સ્કૂલ સહિત અન્ય કેટલીક સંસ્થાઓનો સમાવેશ થાય છે. આ શાળાઓને સવારના સમયે જ ઈ-મેઇલ દ્વારા ધમકી મળી હતી કે શાળા સંકુલમાં વિસ્ફોટકો મૂકવામાં આવ્યા છે.

યુદ્ધના ધોરણે સર્ચ ઓપરેશન
ધમકી મળતાંની સાથે જ શાળા સંચાલકોએ પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરી હતી. ગણતરીની મિનિટોમાં જ સ્થાનિક પોલીસનો કાફલો, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDDS) અને ડોગ સ્ક્વોડ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પરીક્ષાનો છેલ્લો દિવસ હોવાથી શાળાઓમાં વિદ્યાર્થીઓની હાજરી મોટી સંખ્યામાં હતી. તકેદારીના ભાગરૂપે તાત્કાલિક અસરથી વર્ગખંડો ખાલી કરાવાયા હતા અને સુરક્ષિત રીતે વિદ્યાર્થીઓને બહાર કાઢવામાં આવ્યા હતા.
સાયબર ક્રાઇમની તપાસ
પોલીસના ઉચ્ચ અધિકારીઓના જણાવ્યા મુજબ, પ્રાથમિક તપાસમાં આ એક 'હોક્સ કોલ' (ખોટી ધમકી) હોવાનું જણાય છે, પરંતુ સુરક્ષામાં કોઈ કચાસ ન રહે તે માટે ખૂણેખૂણાનું ચેકિંગ કરવામાં આવ્યું છે. અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચ આ મેઇલનું IP એડ્રેસ ટ્રેસ કરી રહી છે. અગાઉ પણ ગણતંત્ર દિવસ અને બજેટ સત્ર દરમિયાન આ પ્રકારની ધમકીઓ મળી હતી, જેમાં વિદેશી સર્વરનો ઉપયોગ થયો હોવાનું બહાર આવ્યું હતું.
વાલીઓને અપીલ
પોલીસ કમિશનર દ્વારા વાલીઓને અપીલ કરવામાં આવી છે કે તેઓ અફવાઓ પર ધ્યાન ન આપે અને ગભરાય નહીં. શાળાઓમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને પરીક્ષાની પ્રક્રિયામાં કોઈ ખલેલ ન પહોંચે તેની તકેદારી રાખવામાં આવી રહી છે. હાલમાં કોઈપણ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી, જે રાહતના સમાચાર છે.


