અમદાવાદ જેવા શહેરમાં સામાન્ય વરસાદે પણ સ્કૂલ તળાવમાં ફેરવાઈ, વિદ્યાર્થીઓની હાલત કફોડી
Ahmedabad School: અમદાવાદના શહેરમાં અનુપમ અને સ્માર્ટ શાળાઓ બનાવવાની મ્યુનિસિપાલિટીની ગુલબાંગો વચ્ચે છેવાડાના વિસ્તારોમાં ચાલતી અનેક શાળાઓમાં બાળકો કફોડી હાલતમાં અભ્યાસ કરી રહ્યા છે. રામોલના જનતાનગરમાં વરસાદી પાણી ભરાઈ જવાના કારણે મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ સંચાલિત શાળા વારંવાર બંધ રાખવાની ફરજ પડી રહી છે. જેના કારણે બાળકોના ભવિષ્ય સામે સવાલ પેદા થયો છે. વરસાદ ચાલુ હોય તેવા સમયે આખુ શાળા સંકુલ તળાવમાં ફેરવાઈ જાય છે.
રામોલના જનતાનગરમાં આવેલી મ્યુનિસિપાલિટી સંચાલિત મદનીનગર પ્રાથમિક શાળા સંકુલમાં હાલ પ્રાથમિક શાળા ઉપરાંત આંગણવાડીઓ પણ ચાલે છે. ચોમાસામાં વરસાદ વરસે એટલે શાળાના દરવાજાની આસપાસમાં પાણી ભરાઈ જાય છે. જેમાંથી ચાલીને પસાર થવું બાળકો માટે અશક્ય છે. વળી બાળકો શાળામાં હોય અને વધારે વરસાદ વરસે તો તેને બહાર લઈ આવવામાં પણ મોટો પડકાર પેદા થાય તેમ છે. પરિણામે થોડો વધારે વરસાદ વરસે એટલે તરત જ શાળાનું શૈક્ષણિક કાર્ય બંધ રાખવાની ફરજ પડે છે.
આ પણ વાંચો: ગુજરાતમાં 24 કલાકમાં 201 તાલુકામાં પડ્યો વરસાદ, આજે અહીં એલર્ટ, જાણો લેટેસ્ટ અપડેટ્સ
જેના કારણે બાળકોના અભ્યાસને માઠી અસર પડી રહી છે. આ ઉપરાંત આવી ખરાબ હાલતના કારણે ચોમાસામાં ઘણા વાલીઓ પોતાના બાળકોને શાળાએ મોકલવાનું જ ટાળી રહ્યા છે. આ ઉપરાંત શાળા કેમ્પસમાં ઉગી નીકળેલા ઝાડી-ઝાંખરા તેમજ આસપાસમાં કાદવ-કીચડના સામ્રાજ્યના લીધે મચ્છરો સહિતની જીવાતોનો ઉપદ્રવ વધતા બાળકો રોગચાળાનો ભોગ બને તેવી શક્યતા પેદા થઇ શકે છે.
વધુ વરસાદ આવે ત્યારે પાણી ભરાય છે, પરંતુ શાળા એક પણ દિવસ બંધ રહી નથી
અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના મુખ્ય અધિકારી ડો.એલ.ડી. દેસાઈએ સ્વીકાર કર્યો હતો કે, ચોમાસામાં વધુ વરસાદ આવે ત્યારે આસપાસમાં પાણી ભરાઈ જાય છે. પરંતુ તેમણે એવો દાવો પણ કર્યો હતો કે, વરસાદી પાણીના લીધે એક પણ દિવસ શાળાનું શૈક્ષણિક કાર્ય બંધ રહ્યું નથી. શાળા નીચાણવાળા ભાગમાં છે, પાસે તળાવ છે. તળાવ છલકાય ત્યારે તે પાણી શાળા પાસે આવે છે. આ શાળા મ્યુનિ.એ બનાવી નથી, જિલ્લા પંચાયત પાસેથી આવેલી છે. ઈજનેર વિભાગે શાળાના બે દરવાજા પાડીને વિદ્યાર્થીઓની અવર-જવરના રસ્તા બનાવી આપ્યા છે.