અમદાવાદની શાળામાં વિદ્યાર્થિનીઓને લેગિંગ્સ પહેરવા પર પ્રતિબંધ, વાલીઓમાં ભારે રોષ
Satyamev Jayate International School controversy : અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલી સત્યમેવ જયતે ઇન્ટરનેશનલ સ્કૂલ ફરી એકવાર વિવાદના વમળમાં સપડાઈ છે. આ વખતે સ્કૂલ દ્વારા લાગુ કરાયેલા ડ્રેસ કોડના વિવાદાસ્પદ નિર્ણયને કારણે વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્કૂલમાં આવતી વિદ્યાર્થીનીઓને હવે શોર્ટ સ્કર્ટ નીચે લેગિંગ્સ પહેરવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે, જેને કારણે વાલીઓએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે.
પહેલાંની માફક છૂટછાટ આપવામાં: વાલીઓની માંગણી
સ્કૂલના આ નિર્ણયને લઈને વાલીઓએ નારાજગી વ્યક્ત કરી છે. તેમનો આક્ષેપ છે કે પહેલા જે પ્રકારની છૂટછાટ આપવામાં આવતી હતી, તે ફરી શરુ કરવામાં આવે. વાલીઓનું કહેવું છે કે, વિદ્યાર્થીનીઓ લેગિંગ્સ પહેરીને આવે તો તેમને હેરાન કરવામાં આવે છે. એક વાલીએ જણાવ્યું હતું કે, 'વિદ્યાર્થીઓ પણ સાથે અભ્યાસ કરતા હોય, દીકરીઓ માટે લેગિંગ્સ પહેરવી જરૂરી છે.' વાલીઓ માંગ કરી રહ્યા છે કે વિદ્યાર્થિનીઓને લેગિંગ્સ પહેરવાની છૂટ આપવામાં આવે.
સ્કૂલ ડ્રેસમાં સ્કર્ટ નીચે લેગિંગ્સનો સમાવેશ થતો નથી: પ્રિન્સિપાલનો ખુલાસો
બીજી તરફ સ્કૂલના પ્રિન્સિપાલે આ અંગે ખુલાસો આપતા જણાવ્યું હતું કે, 'સ્કૂલ ડ્રેસમાં સ્કર્ટ નીચે લેગિંગ્સનો સમાવેશ થતો નથી.' તેમણે સ્પષ્ટ કર્યું હતું કે, સ્કૂલ માત્ર નિયત યુનિફોર્મ પહેરીને શાળાએ આવવાનો આગ્રહ રાખે છે. પ્રિન્સિપાલે વધુમાં ઉમેર્યું હતું કે, 'જે સ્કૂલ યુનિફોર્મ છે તે પહેરવા માટે જ અમે આગ્રહ રાખીએ છીએ.' જોકે, તેમણે વિદ્યાર્થીનીઓ ઘૂંટણથી નીચેના સ્કર્ટ પહેરે તે જરૂરી હોવાનું જણાવ્યું હતું. સ્કૂલ મેનેજમેન્ટ અને વાલીઓ વચ્ચેના આ ડ્રેસ કોડ વિવાદે હવે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે, ત્યારે જોવાનું રહે છે કે સ્કૂલ દ્વારા વાલીઓની માંગણી સ્વીકારવામાં આવે છે કે નહીં.