અમદાવાદના નરોડામાં પ્રાથમિક સુવિધાના અભાવે સ્થાનિકોનો રોષ ફાટ્યો, રસ્તા બ્લોક કરતાં ટ્રાફિક જામ
Protest in Ahmedabad: અમદાવાદના નરોડા વિસ્તારમાં પ્રાથમિક સુવિધાના અભાવે સ્થાનિકોનો રોષ ફાટી નીકળ્યો છે. અરવિંદ મિલ પાસે વારંવાર ઉભરાતી ગટરો અને ગંદકીથી કંટાળીને સ્થાનિકોએ રોડ પર ઉતરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. લોકોએ બંને તરફનો રસ્તો બ્લોક કરી દેતા વાહનવ્યવહાર ખોરવાયો હતો અને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.
સ્થાનિકોના જણાવ્યા અનુસાર, નરોડામાં ગટર ઉભરાવાનો પ્રશ્ન ઘણા સમયથી ચાલી રહ્યો છે. આ અંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) અને સ્થાનિક કોર્પોરેટરોને અનેકવાર રજૂઆતો કરવામાં આવી હતી, તેમ છતાં સમસ્યાનું કોઈ નિરાકરણ આવ્યું ન હતું. વારંવારની રજૂઆતો બાદ પણ કોઈ કાર્યવાહી ન થતાં આખરે લોકોએ કંટાળીને રોડ પર ઉતરીને વિરોધ પ્રદર્શન કરવાનો નિર્ણય લીધો હતો. ઉલ્લેખનીય છે કે અવાર-નવાર ગટરો ઉભરાતી હોવાથી ગંદકી અને મચ્છરનો ઉપદ્રવ વધતાં રોગચાળાની ભિતિ સતત રહે છે.
નરોડા અરવિંદ મિલ પાસે સ્થાનિકોએ રસ્તાની વચ્ચે ઉભા રહીને ટ્રાફિક બ્લોક કરી દીધો હતો. જેના કારણે આસપાસના રસ્તાઓ પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. આ વિરોધ પ્રદર્શનને કારણે જનજીવન પ્રભાવિત થયું હતું.
ઘટનાની ગંભીરતા જોતા AMCના અધિકારીઓ અને પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. અધિકારીઓએ વિરોધ કરી રહેલા લોકોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો અને સમસ્યાના તાત્કાલિક નિરાકરણની ખાતરી આપી હતી. જોકે, સ્થાનિકોએ સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી છે કે જો આગામી દિવસોમાં સમસ્યાનું કાયમી નિરાકરણ નહીં આવે તો ફરીથી ઉગ્ર આંદોલન કરવામાં આવશે.
પ્રાથમિકતાના ધોરણે પૂર્ણ કરવા નિર્દેશ અપાયા
અધિકારીઓના જણાવ્યા અનુસાર સ્થાનિક રહેવાસીઓ પૂર્વ ઝોનમાં આવેલી અનિલ સ્ટાર્ચ મિલ પાસે એકઠા થયા હતા અને રસ્તાની બંને બાજુઓ બ્લોક કરી દીધી હતી. તેમણે આક્ષેપ કર્યો હતો કે વારંવાર ફરિયાદો કરવા છતાં ઉભરાતી ગટરોનો પ્રશ્ન હલ થયો નથી, જેના કારણે તેમને રસ્તા પર ઉતરવાની ફરજ પડી હતી.
આ સ્થળની મુલાકાત લેનાર ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર વિશાલ ખનામાએ જણાવ્યું હતું કે, 'મેં જાતે સ્થળનું નિરીક્ષણ કર્યું છે અને અધિકારીઓને આ કામને પ્રાથમિકતાના ધોરણે પૂર્ણ કરવા નિર્દેશ આપ્યો છે.' અધિકારીઓએ રહેવાસીઓને સમારકામનું કામ ઝડપી બનાવવાની ખાતરી આપ્યા બાદ આ વિરોધ પ્રદર્શન સમેટી લેવામાં આવ્યું હતું.