સનાથલ મર્ડર કેસમાં નવો વળાંક: મોડી રાત્રે આરોપીના ઘર પર હુમલાનો પ્રયાસ, કાર અને રિક્ષા સહિત 3 વાહનોને આગચંપી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad News: અમદાવાદ ગ્રામ્યમાં આવેલા સનાથલ ગામમાં શુક્રવારે મોડી રાત્રે ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ છે. તાજેતરમાં જ ગામમાં થયેલી એક યુવકની સનસનાટીભરી હત્યાના મામલે અજાણ્યા બદમાશોએ વેર વાળવાના ઈરાદાથી આરોપીના ઘરને નિશાન બનાવ્યું હોવાની આશંકા છે. અજાણ્યા શખ્સોએ આરોપીના ઘરને આગ લગાડવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં ઘરની બહાર પાર્ક કરેલી બે ફોર-વ્હીલર અને એક ઓટોરિક્ષા બળીને ખાખ થઈ ગયા છે. આ ઘટનાને પગલે શનિવારે સનાથલ ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.
શુક્રવારે મોડી રાત્રે સનાથલ ગામમાં અગાઉ પકડાયેલા મર્ડર કેસના આરોપીના ઘરે ઘટના બની હતી. આરોપીના ઘરમાં આગ નહોતી લાગી, પરંતુ બહાર પડેલી 2 કાર અને 1 રિક્ષા સંપૂર્ણપણે બળી ગયા છે. આરોપીના ઘરની બાજુમાં આવેલું અને છેલ્લા 25 વર્ષથી બંધ હાલતમાં પડેલું એક જર્જરિત મકાન આ આગની ઝપટે ચડી ગયું હતું. સદનસીબે આ અગ્નિકાંડની ઘટનામાં કોઈ વ્યક્તિને ઈજા કે જાનહાનિ થઈ નથી.
વેર વાળવા માટે આગ લગાડાયાની શંકા
પોલીસના પ્રાથમિક અનુમાન મુજબ, મર્ડર કેસના આરોપીની મિલકતને નુકસાન પહોંચાડી બદલો લેવાના આશયથી અજાણ્યા હુમલાખોરોએ આ કૃત્ય કર્યું હોઈ શકે છે. આગની ઘટના બાદ તુરંત જ પોલીસ કાફલો અને એફએસએલ નિષ્ણાતો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પોલીસે ત્યાંથી જરૂરી પુરાવા અને સેમ્પલ લીધા છે. આ આગ શોર્ટ સર્કિટથી લાગી છે કે પછી કોઈએ જાણીજોઈને લગાડી છે, તેનો ચોક્કસ ખુલાસો એફએસએલ રિપોર્ટ આવ્યા બાદ જ થશે.
શું હતો મૂળ મર્ડર કેસ?
અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો અગાઉ સનાથલ ગામના દેવેન્દ્રસિંહ ઉર્ફે જીગો ચૌહાણ નામના યુવકની ઘાતકી હત્યા કરવામાં આવી હતી. ગત 10 મેના રોજ સાંતેજમાં યોજાયેલા એક લગ્ન પ્રસંગ દરમિયાન વાહન પાર્કિંગની બાબતમાં મામૂલી વિવાદ થયો હતો. આ વિવાદના સમાધાન માટે દેવેન્દ્રસિંહને આરોપીઓએ પોતાના ઘરે બોલાવ્યો હતો. જ્યાં એક જ પરિવારના કેટલાક સભ્યોએ ભેગા મળીને તેના પર તીક્ષ્ણ હથિયારો વડે હિચકારો હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધો હતો. ચાંગોદર પોલીસે આ અંગે ગુનો નોંધીને કલાકોની અંદર જ તમામ આરોપીઓની ધરપકડ કરી લીધી હતી.
ગામમાં કડક સુરક્ષા વ્યવસ્થા
હત્યાના આ કેસ બાદ ગામમાં બે જૂથો વચ્ચે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ પહેલેથી જ સતર્ક હતી. જોકે, શુક્રવાર રાત્રિની આ ઘટના બાદ સનાથલ ગામમાં પોલીસ સુરક્ષા વધુ કડક કરી દેવામાં આવી છે. ચાંગોદર પોલીસ હાલ એ દિશામાં તપાસ કરી રહી છે કે આ આગચંપીનો પ્રયાસ જૂની અદાવત કે મર્ડર કેસ સાથે જોડાયેલો છે કે પછી તેની પાછળ અન્ય કોઈ કારણ જવાબદાર છે.








