Get The App

અમદાવાદ: પુનિતનગરમાં બૂટલેગરોના ત્રાસ મામલે હોબાળો, આંતરિક માથાકૂટ દારૂના મુદ્દે ડાયવર્ટ કરાયાનું પોલીસ તપાસમાં ઘટસ્ફોટ

Updated: Jun 22nd, 2026

GS TEAM

Google News
Google News
અમદાવાદ: પુનિતનગરમાં બૂટલેગરોના ત્રાસ મામલે હોબાળો, આંતરિક માથાકૂટ દારૂના મુદ્દે ડાયવર્ટ કરાયાનું પોલીસ તપાસમાં ઘટસ્ફોટ 1 - image

Ahmedabad News: અમદાવાદના સાબરમતી વિસ્તારમાં આવેલી પુનિત સોસાયટીમાં ગઈકાલે મોડી રાત્રે સ્થાનિક રહીશો અને પોલીસ તંત્ર વચ્ચે ભારે હોબાળો મચી ગયો હતો. સોસાયટીના પાછળના ભાગે ચાલતા દારૂના ગેરકાયદે અડ્ડા અને બુટલેગરોના ત્રાસથી કંટાળીને રહીશોએ દેખાવો કર્યો હતો. આ ઉપરાંત મોટી સંખ્યામાં મહિલાઓ રાત્રિના સમયે સીધા પોલીસ કમિશનર (CP) કચેરી ખાતે રજૂઆત કરવા પહોંચી જતાં મામલો ગરમાયો હતો. બીજી તરફ પોલીસે આ મામલે આંતરિક માથાકૂટને દારૂના મુદ્દા પર ડાયવર્ટ કરવામાં આવ્યો હોવાનો દાવો કર્યો છે.

સ્થાનિક રહીશોના ગંભીર આક્ષેપો

સોસાયટીના રહીશો અને ફરિયાદીના જણાવ્યા અનુસાર, રાણીપ-કાળીગામ રોડ પર આવેલી પુનિત સોસાયટીના પાછળના ગેટ પાસે દારૂનું સ્ટેન્ડ ચાલતું હતું, જેનો સ્થાનિકો લાંબા સમયથી વિરોધ કરી રહ્યા હતા. લોકોએ ગઈકાલે બપોરે રાણીપ પોલીસ સ્ટેશનમાં PIને રજૂઆત કરી દારૂનો વેપલો બંધ કરાવ્યો હતો. પરંતુ રહીશોનો આક્ષેપ છે કે, પોલીસની કાર્યવાહીના માત્ર બે જ કલાકમાં બુટલેગરોએ સોસાયટીના બીજા ગેટ પાસે દારૂનું સ્ટેન્ડ ફરી ચાલુ કરી દીધું હતું. આ બાબતની અદાવત રાખીને સાંજે સોસાયટીની મહિલાઓ અને છોકરાઓની છેડતી કરી બુટલેગરોએ 'બહાર આવો, તમને જોઈ લઈશું' તેવી ધમકીઓ આપી હતી.

આ પણ વાંચો: અમદાવાદમાં સૌથી જીવલેણ અકસ્માતના 33 બ્લેકસ્પૉટ જાહેર, નરોડા પાટિયા નજીક સૌથી વધુ 14 મોત

કમિશનર કચેરીએ દોડી ગયા રહીશો

રાણીપ પોલીસે છેડતી અંગે યોગ્ય રજૂઆત ન સાંભળતા રહીશોમાં આક્રોશ બેવડાયો હતો અને તેઓ રાત્રે જ મોટી સંખ્યામાં CP ઓફિસ પહોંચ્યા હતા. જ્યાંથી સૂચના મળતાં આખરે રાણીપ પોલીસે આ મામલે FIR નોંધી હોવાનું સ્થાનિકોએ જણાવ્યું છે.

રાણીપ પોલીસની સ્પષ્ટતા

બીજી તરફ, સમગ્ર મામલે રાણીપ પોલીસ સ્ટેશનના PIએ જણાવ્યું કે, 'સોસાયટી અને પાછળની ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકો વચ્ચેની આંતરિક માથાકૂટ છે જેને જાણીજોઈને દારૂના મુદ્દા પર ડાયવર્ટ કરવામાં આવી રહી છે. ગઈકાલે રાત્રે આઠ વાગ્યાની આસપાસ એક ભાઈ ઓવરસ્પીડમાં બાઈક લઈને પસાર થયો, જેને સોસાયટીવાળાઓએ ભેગા થઈને માર માર્યો હતો અને જ્યારે પોલીસે ત્યાં પહોંચીને મારવાનું કારણ પૂછ્યું, ત્યારે પોતાનો બચાવ કરવા માટે આ લોકોએ દારૂના બહાના કાઢવાનું ચાલુ કર્યું હતું.'

યુવતીની છેડતી અંગે PIએ જણાવ્યું કે, 'સોસાયટીવાળાઓની રજૂઆત હતી કે રેલવેની હદમાં દારૂનો ધંધો ચાલે છે અને લોકો ત્યાં જવા માટે તેમની સોસાયટીમાંથી પસાર થાય છે. જેના આધારે અમે રાત્રે બે વાગ્યે અરજી લઈને અમારા માણસો ગોઠવીને બે વખત ચેકિંગ પણ કરાવ્યું હતું અને રેલવે ડિપાર્ટમેન્ટને પણ આ વિશે જાણ કરી દીધી હતી. જોકે, યુવતીની છેડતીની વાત કરવામાં આવે છે તે પણ તદ્દન ખોટી છે. રાત્રે ત્રણ વાગ્યા સુધી એ બહેનને એફઆઈઆર નોંધાવવા સમજાવ્યા હતા, પરંતુ તેણે એમ કહીને ના પાડી દીધી હતી કે આ તો  મામા સાથેની સામાન્ય મારામારી છે અને કોઈ ફરિયાદ કરવી નથી. ટૂંકમાં, ઓવરસ્પીડિંગ અને રસ્તાના ઉપયોગની બાબતને છુપાવવા માટે આ લોકો દ્વારા આ બધા તુક્કા ઊભા કરવામાં આવ્યા છે.'