Ahmedabad News: અમદાવાદ ગ્રામીણ જિલ્લાની વિવેકાનંદનગર પોલીસે વ્હેલ ઉલટીની હેરાફેરી કરતાં 42 વર્ષીય એક વ્યક્તિની ધરપકડ કરી છે અને ₹3.01 કરોડની કિંમતની સંરક્ષિત વ્હેલ ઉલટી (એમ્બરગ્રીસ) જપ્ત કરી છે.
બાતમી બાદ કાર્યવાહી
નિયમિત પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસ ટીમે હાથીજણ-મહેમદાબાદ રોડ પર શ્રીજી હોસ્પિટલ નજીક એક શંકાસ્પદ વ્યક્તિને અટકાવ્યો હતો. આરોપીની ઓળખ રાજેશ બાબુભાઈ બલાર (પટેલ) તરીકે થઈ હતી, જે વ્યવસાયે વેપારી હતો, હાલમાં સુરત શહેરમાં રહે છે અને મૂળ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના શોભાવડ ગામના વતની છે.
3.06 કરોડનો મુદ્દામાલ જપ્ત
પોલીસના જણાવ્યા મુજબ જપ્ત કરાયેલ સામગ્રીની તપાસ રેન્જ ફોરેસ્ટ ઓફિસર અને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL) અધિકારીઓ સાથે સંકલનમાં કરવામાં આવી હતી, જેમણે તે એમ્બરગ્રીસ હોવાની પુષ્ટિ કરી હતી. પ્રતિબંધિત વ્હેલ ઉલટી 3.18 કિગ્રા ઉપરાંત પોલીસે ₹5,000 ની કિંમતનો મોબાઇલ ફોન અને ₹5 લાખની કિંમતનું ફોર વ્હીલર જપ્ત કર્યું હતું, જેનાથી જપ્ત કરાયેલી મિલકતની કુલ કિંમત ₹3.06 કરોડની આંકવામાં આવી
વન્યજીવન તસ્કરી સિન્ડિકેટ સામેલ?
હાલમાં દરિયાકાંઠા સાથે જોડાણો ધરાવતા જિલ્લાઓમાં સંરક્ષિત પ્રાણીઓના અવશેષોની હેરાફેરીમાં સામેલ સંગઠિત નેટવર્ક્સ સામે કડક કાર્યવાહી કરવાની ઝુંબેશ ચાલી રહી છે. આરોપી રાજેશ બલાર સામે વિવેકાનંદનગર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે, અને મોટા વન્યજીવન તસ્કરી સિન્ડિકેટ સાથે સંભવિત તાર શોધવા માટે વધુ તપાસ ચાલી રહી છે.
3થી 7 વર્ષ સુધીની જેલ થઈ શકે
વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન ઍક્ટ હેઠળ વ્હેલ પણ સંરક્ષિત પ્રાણી હોય તેનો શિકાર કરી શકાય નહીં. વધુમાં તેના હાડકાં, વાળ, કે પછી તેની ઉલટીનો પણ કારોબાર કરી શકાતો નથી. મૂળ મુદ્દે તે પ્રતિબંધિત છે. જેથી શિડ્યુલ 1 અંતર્ગત ત્રણ વર્ષથી લઈ 7 વર્ષ સુધીની જેલ પણ થઈ શકે છે.
તરતું સોનું પણ કહેવામાં આવે છે
વ્હેલ માછલીની ઉલ્ટી અથવા એમ્બરગ્રીસનું વેચાણ વન્ય જીવ સંરક્ષણ અધિનિયમ 1972ની હેઠળ પ્રતિબંધિત છે. સર્પ્મ વ્હેલ માછલી આ પદાર્થ બનાવે છે. આ પદાર્થને 'ગ્રે એમ્બર' અથવા ફ્લોટિંગ ગોલ્ડ એટલે કે તરતું સોનું પણ કહેવામાં આવે છે. તેને વિશ્વની સૌથી અનોખી ઘટનાઓમાંથી એક માનવામાં આવે છે.
શું હોય છે વ્હેલની ઉલટી?
આ પદાર્થને વ્હેલની ઉલટી કહેવામાં આવે છે પરંતુ આ સાચુ નથી. હકીકતમાં એમ્બરગ્રીસનો અર્થ ફ્રેન્ચમાં 'ગ્રે અંબર' થાય છે. તે મીણ જેવો એક પદાર્થ હોય છે જે સ્પર્મ વ્હેલના પાચનતંત્રમાં બને છે. સ્પર્મ વ્હેલ એક સંરક્ષિત પ્રજાતિ છે. આ પદાર્થ વ્હેલના પાચનતંત્રમાં બનતો હોવાથી તેને ઉલટી કહેવામાં આવે છે. આ વિશે હજુ પણ વિજ્ઞાન સંપૂર્ણ વિશ્વાસ સાથે નથી કહી શકતું કે એમ્બરગ્રીસ કેવી રીતે બને છે. એક સિદ્ધાંત કહે છે કે, વ્હેલ જ્યારે ખૂબ જ મોટા પ્રમાણમાં સમુદ્રી જીવ ખાઈ લે છે અને તેનો આકાર મોટો હોય છે ત્યારે તેને પચાવવા માટે વ્હેલના આંતરડાઓમાં આ પદાર્થ બને છે.
એમ્બરગ્રીસ વ્હેલ માછલીના શરીરમાંથી બહાર કઈ રીતે નીકળે છે તેની પણ અનેક રીતો હોય છે. ઘણી વખત તે ગુદા દ્વારા બહાર નીકળે છે અને તેનો રંગ મળ જેવો હોય છે. તેમાં મળની તીવ્ર ગંધ પણ હોય છે, જેમાં દરિયાની ગંધ પણ ભળેલી હોય છે. જ્યારે તે વ્હેલના શરીરમાંથી નીકળે છે, ત્યારે તેનો રંગ આછો પીળો હોય છે અને તે જાડી ચરબી જેવી હોય છે. જો કે સમયની સાથે તે ઘાટી લાલ રંગની અને ઘણી વખત કાળી અથવા રાખોડી રંગની પણ બની જાય છે. ત્યારે તેની ગંધ માટી જેવી થઈ જાય છે.
આટલી મોંઘી કેમ?
આંતરરાષ્ટ્રીય બજારમાં એમ્બરગ્રીસની કિંમત 1થી 2 કરોડ રૂપિયા કિલો સુધીની હોઈ શકે છે. તેની કિંમત તેની શુદ્ધતા અને ગુણવત્તા ઉપર આધાર રાખે છે. જાણકારો જણાવે છે કે, આ ખૂબ જ દુર્લભ વસ્તુ છે તેથી તેની કિંમત ખૂબ જ ઊંચી છે. પરંપરાગત રીતે એમ્બરગ્રીસનો ઉપયોગ પર્ફ્યમ બનાવવામાં કરવામાં આવે છે. જો કે પહેલા તેનો ઉપયોગ ખાવામાં, તમ્બાકૂ અને આલ્કોહોલમાં ફ્લેનર માટે પણ કરવામાં આવતો હતો. એક ધારણા એ પણ છે કે એમ્બરગ્રીસ જાતીય શક્તિ વધારે છે. તેથી પણ આ પદાર્થની ખૂબ જ માંગ રહે છે અને ખૂબ જ ઊંચા ભાવે ખરીદવામાં આવે છે. મધ્ય પૂર્વ, પૂર્વી યૂરોપ અને દક્ષિણ પૂર્વ એશિયાના દેશોમાં તેની ખૂબ જ માંગ છે.


