ટેન્કરમાંથી કેમીકલ ચોરીને બારોબાર સસ્તામાં વેચી દેવાનું કૌભાંડ ઝડપાયું
ગોડાઉનના સંચાલકો સહિત આઠ લોકો વિરૂદ્ધ ફરિયાદ
ગાંધીધામ અને અન્ય જિલ્લામાંથી ટેન્કરને ગોડાઉનમાં લાવીને ચોરી કરવામાં આવતું હતુંઃ મોટા કૌભાંડની શક્યતા
અમદાવાદ,સોમવાર
ગાંધીધામ અને અન્ય જિલ્લાઓમાથી અમદાવાદની ફેક્ટરીમાં આવતા કેમીકલના જથ્થાના બારોબાર ટેન્કરમાંથી ચોરી કરીને રસ્તામાં વેચવાના મોટા કૌભાંડને અમદાવાદ ગ્રામ્ય એસઓજી દ્વારા ઝડપીને આઠ શખ્સો વિરૂદ્ધ ફરિયાદ નોંધીને કાર્યવાહી કરવામાં આવી છે.
અમદાવાદ જિલ્લાના ચાંગોદર જીઆઇડીસીમાં આવેલી એક કલરની ફેક્ટરીમાં ગાંધીધામથી કેમીકલનો જથ્થો નિયમિત રીતે મંગાવવામાં આવતો હતો. પરંતુ, કેમીકલનો જથ્થો ટેન્કરનો સીલ તોડીને ચોરી થતી હોવાની બાતમી એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર એસ એન રામાણીને મળી હતી. જેના આધારે પોલીસે એક શંકાસ્પદ ટેન્કરને ઝડપીને વજન કાંટા પર તપાસ કરતા તેમાં કેમીકલનો જથ્થો ઓછો હોવાનું જાણવા મળ્યું હતું. આ અંગે ટેન્કરના ડ્રાઇવર આરીફ વારૈયા અને માલિક શાહનવાઝ ટીંબલીયાની પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે તે વે બ્રીજ વજનકાંટાના સંચાલક માલાભાઇ પગી નામના વ્યક્તિને ચોક્કસ નાણાં આપીને વધારે વજનવાળી ચિઠ્ઠી અલગથી લેતા હતા અને તેને કંપનીમાં આપતા હતા. જ્યારે ગાંધીધામથી કેમીકલ ભરેલા ટેન્કરને પહેલા બાકરોલમાં આવેલા શ્યામ એસ્ટેટના ગોડાઉનમાં લઇ જતા હતા. જ્યાં સીલ તોડીને તેમાંથી કેમીકલને ચોરી કરતા હતા.
આ ટેન્કરમાંથી તેમણે ૨૩૦૦ કિલો કેમીકલ ચોરીને ગોડાઉનના સંચાલક અને તેના ભાગીદારોને વેચાણે આપ્યું હતું. આ બાબતે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે હર્ષ પટેલ (રહે. ખોડીયાર રેસીડેન્સી, નિકોલ)એ આ ગોડાઉન ભાડે રાખ્યું હતું. હર્ષ પટેલની સાથે હાર્દિક દેસાઇ, વાસુ પટેલ, મીત પટેલ અને શૈલેષ પટેલની ભાગીદારી હતી. જે કેમીકલને સસ્તામાં ખરીદીને બારોબાર વેચાણ કરતા હતા. પોલીસે સ્થળ પર છ હજાર લીટર કેમીકલ સહિત કુલ રૂપિયા ૩૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરીને આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.