અમદાવાદ,સોમવાર
સેલવાસમાં અમદાવાદ ગ્રામ્ય પોલીસે ચાઇનીઝ દોરીની ગેરકાયદે ફેક્ટરી પર દરોડો પાડીને દોઢ કરોડની કિંમતની ચાઇનીઝ દોરી સહિક અઢી કરોડ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરીને ફેક્ટરીના માલિક વિરેન પટેલની ધરપકડ કરીને પુછપરછ કરતા ચોંકાવનારો ખુલાસો થયો હતો કે સેલવાસ કેન્દ્ર શાસિત પ્રદેશ હોવાથી ત્યાં ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ ન હોવાથી વિરેન પટેલે પોતાની વાપી સ્થિત ફેક્ટરી બંધ કરીને સેલવાલમાં ફેક્ટરી ચાલુ કરી હતી. જેમાં તે ફીશીંગ નેટના વ્યવસાયની આડમાં ઉત્તરાયણના ચાર મહિના પહેલાથી ચાઇનીઝ દોરીનું ઉત્પાદન શરૂ કર્યું હતું.
અમદાવાદ ગ્રામ્ય પોલીસે સાણંદ, કોઠ, બાવળા, બગોદરા સહિતના પોલીસ સ્ટેશનમાં ચાઇનીઝ દોરીના ગુના નોંધીને તપાસ કરતા જાણવા મળ્યું હતું કે જપ્ત કરાયેલી તમામ ચાઇનીઝ દોરી સેલવાસમાં આવેેલી એક ફેક્ટરીમાંથી વિરેન પટેલ નામના વ્યક્તિએ સપ્લાય કરી હતી.
જેના આધારે પોલીસે સેલવાસમાં આવેલી ફેક્ટરી પર દરોડો પાડીને ચાઇનીઝ દોરીનું ઉત્પાદન કરતા મોટા યુનિટને ઝડપીને દોઢ કરોડની કિંમતની ચાઇનીઝ દોરી સાથેની ફીરકી અને મશીનરી સહિત અઢી કરોડ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જ્યારે બે દિવસ પહેલા એસઓજીના પીઆઇ એસ એન રામાણીએ વાપીથી વિરેન પટેલની ધરપકડ કરી હતી. આ અંગે વધુ માહિતી આપતા જિલ્લા પોલીસ વડા ઓમ પ્રકાશ જાટે જણાવ્યું હતું કે વિરેેન પટેલની પુછપરછમાં અનેક ચોંકાવનારી વિગતો સામે આવી છે. મુળ રાજકોટ જિલ્લાના ગોંડલના મોવિયા ગામના વતની વિરેન પટેલે એમબીએની ડીગ્રી લઇને વર્ષ ૨૦૧૧માં વાપીમાં ટેક્ષટાઇલના દોરા બનાવવાની માર્મિક ઇન્ડસ્ટ્રીઝ નામની ફેક્ટરી શરૂ કરી હતી. પરંતુ, વર્ષ ૨૦૨૨માં તેને ચાઇનીઝ દોરી તૈયાર કરવા માટેનો ધંધો કરવો હતો અને સેલવાસમાં ગુજરાતની માફક ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ ન હોવાને કારણે સેલવાસમાં નોવાફીલ નામની કંપની શરૂ કરીને ફીશીંગ નેટ,પોલીસીંગ બ્રશની ફેક્ટરી શરૂ કરી હતી. પરંતુ, આ ફેક્ટરી ચાઇનીઝ દોરી માટે બનાવી હતી અને ઉત્તરાયણના ચાર થી પાંચ મહિના પહેલા તે મોટાપાયે ચાઇનીઝ દોરીની ફીરકી તૈયાર કરીને ગુજરાતમાં સપ્લાય કરતો હતો. ચાઇનીઝ દોરીમાં તે ફીશીંગ નેટની દોરીનો ઉપયોગ ઉપયોગ કરતો હોવાથી તેને મોટાપ્રમાણમાં કાચુ મટીરીયલ મળતુ હતું.
વિરેન પટેલે સમગ્ર ગુજરાતમાં ૧૦૦થી વધુ ડીસ્ટ્રીબ્યુટરનું નેટવર્ક સેટ કર્યું હતુ. પોલીસે આ તમામ લોકોની યાદી મેળવીને તેમના પર ગુના નોંધવા માટે અલગ અલગ જિલ્લાની પોલીસને જાણ કરી છે. આ ઉપરાંત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ, દિલ્હી સહિતના રાજ્યોમાં પણ તેણે સપ્લાય ચેઇન બનાવી હતી. પોલીસને આશંકા છે કે વિરેન પટેલે ચાઇનીઝ દોરીની માંગ વધતા સેલવાસમાં અન્ય ફેક્ટરીમા ંઉત્પાદન શરૂ કર્યુ હોય શકે છે. જે અંગે તપાસ કરવામાં આવી રહી છે.
અમદાવાદ ગ્રામ્ય પોલીસે ત્રણ કરોડની ચાઇનીઝ દોરી જપ્ત કરી
અમદાવાદ ગ્રામ્ય પોલીસે ચાલુ વર્ષે ચાઇનીઝ દોરી જપ્ત કરવા માટે વિશેષ ડ્રાઇવ શરૂ કરી હતી. જેમાં સ્થાનિક વિસ્તારમાંથી જપ્ત કરાયેલા ચાઇનીઝ દોરીના મુદ્દામાલની તપાસ સેલવાસ સુધી પહોંચતા પોલીસને મોટી સફળતા મળી હતી અને અત્યાર સુધી કુલ રૂપિયા ત્રણ કરોડની કિંમતની કુલ ૫૩ હજારથી વધુ ચાઇનીઝ દોરીની રીલ જપ્ત કરી હતી.


