જુહાપુરાની પેટ શોપમાંથી દુર્લભ પક્ષીઓ ચોરનાર આરોપીની ધરપકડ
અમદાવાદ ગ્રામ્ય એલસીબીએ ચોરી કરાયેલા કેટલાંક પક્ષીઓ જપ્ત કર્યા
ઇન્સ્ટાગ્રામમાં પેટ શોપમાં દુર્લભ પક્ષીઓની રીલ જોઇને નડીયાદમાં રહેતા વ્યક્તિએ તેના મિત્ર સાથે મળીને ચોરીનું કાવતરૂ ઘડયું હતું
અમદાવાદ,શનિવાર
જુહાપુરા વિસ્તારમાંથી થોડા દિવસ પહેલા પેટ શોપમાંથી આશરે ૧૫ લાખ રૂપિયાની કિંમતના દુર્લભ પક્ષીઓની ચોરી કરવાની ઘટના બની હતી.જે અંગે અમદાવાદ ગ્રામ્ય પોલીસે નડીયાદમાંથી આરોપીની ધરપકડ કરીને ચોરી કરાયેલા કેટલાંક પક્ષીઓ જપ્ત કરીને કાર્યવાહી કરી છે. બજારમાં આ પક્ષીઓની ઉંચી કિંમત મળતી હોવાથી આરોપીએ તેના મિત્ર સાથે મળીને ચોરી કરી હતી. જુહાપુરા મધુમંગલ સોસાયટીમાં રહેતા મોહંમદ શેખ જુહાપુરામાં પેટ શોપ ધરાવે છે. ચાર દિવસ પહેલા તેમની શોપમાંથી રાતના સમયે ત્રણ બ્લુ ગોલ્ડ મકાઉ પોપટ, ગ્રીન વિંગ મકાઉ પોપટ, મલુકન વ્હાઇટ, આફ્રિકન ગ્રે, એક્સેટસ પોપટ મળીને કુલ ૧૫ લાખની મતાની ચોરી થઇ હતી. આ અંગે વેજલપુર પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી.
બીજી તરફ અમદાવાદ ગ્રામ્ય લોકલ ક્રાઇમબ્રાંચના પોલીસ ઇન્સ્પેક્ટર આર એન કરમટીયાને બાતમી મળી હતી કે નડીયાદમાં ચકલાસી ભાગોળ ચાર રસ્તા પાસે રહેતો વિશાલ યાદવ વિદેશી પક્ષીઓ વેચાણ કરવા માટે ગ્રાહકોની શોધમાં છે.
જેના આધારે તેની અટકાયત કરી આકરી પુછપરછ કરતા તેણે કબુલ્યુ હતું કે તેણે ઇન્સ્ટાગ્રામની રીલમાં જુહાપુરામાં આવેલી પેટ શોપની જાણ થઇ હતી. જેથી તેણે મુલાકાત લીધી ત્યારે પોપટ સહિતના પક્ષીઓની કિંમત લાખોમાં હોવાથી તેણે ચોરી કરીને ગ્રાહકો શોધવાને બારોબાર વેચાણ કરવાનું નક્કી કર્યું હતું. જેથી તેણે તેના મિત્ર સાથે મળીને કારમાં આવીને ચોરી કરી હતી. પોલીસે આરોપી પાસેથી ચોરી કરાયેલા તમામ પક્ષીઓ જપ્ત કરીને આરોપીને વેજલપુર પોલીસને હવાલે કર્યો છે.